સોનું અને ચાંદી ભારતીયો માટે ખાસ મહત્ત્વનાં છે. રોકાણ માટે અને ઘરેણાં તરીકે પણ આ સફેદ અને સોનેરી ધાતુની ખરીદી મોટા પાયે થાય છે. આજકાલ સોનું અને ચાંદી બંનેના ભાવ સાંભળીને જ આંખ ફાટી જાય એવી સ્થિતિ છે, પરંતુ એ ન ભૂલતા કે સોના અને ચાંદીએ સૌથી મોંઘી ધાતુ નથી, સોના કરતાં પણ એક ધાતુ એટલી મોંઘી છે કે એક ગ્રામ માટે પણ 200 કિલો સોના જેટલાં નાણાં આપવાં પડે! અધધ કહી શકાય એવી ધાતુ એટલે કેલિફોર્નિયમ.
સોના અને ચાંદીના ભાવ એક લાખની ઉપર ચાલી રહ્યા છે. સોના-ચાંદીના ભાવ ભારતીયો માટે મહત્ત્વના એટલા માટે છે કે ભારતીયો તેની ખરીદી કરતા રહે છે. પહેલાં એવું થતું કે સોનું મોંઘું હોય તો લોકો ચાંદી ખરીદીને પોતાનો ઘરેણાંનો શોખ પૂરો કરતા હતા, પરંતુ હવે ચાંદીના ભાવ પણ એક કિલોના બે લાખની નજીક પહોંચી ગયા છે. જ્યારે સોનાના ભાવ પણ 10 ગ્રામના એક લાખથી વધુ છે. આટલા ઊંચા ભાવથી બધાની આંખની ભ્રમણ તણાઈ જાય. એ ખરું કે આટલા ઊંચા ભાવને કારણે અનેક લોકો સોનું કે ચાંદી ખરીદી શકતા નથી. એવું પણ લાગે કે સોના કે ચાંદી જેટલી મોંઘી બીજી ધાતુ નહીં હોય, પરંતુ દુનિયામાં સોના કરતાં પણ અનેક ઘણી મોંઘી ધાતુ છે.
સોના કરતાં વધુ મોંઘી અને દુર્લભ ગણાય એવી ધાતુ કેલિફોર્નિયમ છે. કેલિફોર્નિયમ વિશ્વની સૌથી મોંઘી ધાતુ છે. ફક્ત એક ગ્રામની કિંમત એટલી ઊંચી છે કે તે લગભગ 200 કિલોગ્રામ સોના જેટલી હોઈ શકે છે. કેલિફોર્નિયમ આટલી મોંઘી ધાતુ કેમ એવો સવાલ જરૂર થાય. કેલિફોર્નિયમ ધાતુ સોના કે ચાંદીની જેમ પૃથ્વીની માટીમાંથી કાઢી શકાય એમ નથી. સોનાની તો ખાણ હોય છે. એ ખોદીને માટી અને બીજી અશુદ્ધિઓ દૂર કરીને સોનું મેળવાતું હોય છે, પરંતુ કેલિફોર્નિયમ જમીનમાંથી કાઢી શકાતું નથી. તે એક કૃત્રિમ અને કિરણોત્સર્ગી રાસાયણિક તત્ત્વ છે, જેને Cf પ્રતીક દ્વારા ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ અદ્યતન પરમાણુ વિજ્ઞાનનો ઉપયોગ કરીને કેલિફોર્નિયમ પેદા કર્યું છે. પ્રયોગશાળા સંશોધન દરમિયાન 1950ના દાયકામાં કેલિફોર્નિયમ તત્ત્વની શોધ થઈ હતી, કારણ કે કેલિફોર્નિયમ પૃથ્વી પર ક્યાંય કુદરતી રીતે જોવા મળતું નથી, દરેક ઉપયોગી જથ્થાનું ઉત્પાદન નિયંત્રિત પરિસ્થિતિઓમાં કરવું જોઈએ.
કેલિફોર્નિયમ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોવાને કારણે જ તે ખૂબ જ દુર્લભ છે. ભારે તત્ત્વો લાંબા સમય સુધી ન્યૂટ્રોન કિરણોત્સર્ગના સંપર્કમાં રહેતા હોય એવા પરમાણુ રિએક્ટરમાં તે ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ધીમી, ખર્ચાળ અને તકનીકી રીતે ખૂબ જ મુશ્કેલ છે. વિશ્વભરમાં આંગળીના વેઢે ગણાય એટલા જ રિએક્ટર પાસે જ કેલિફોર્નિયમ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. વળી, એ બહુ ઓછા જથ્થામાં પેદા થતું હોય છે. કેલિફોર્નિયમ માઇક્રોગ્રામમાં માપી શકાય એટલી માત્રામાં ઉત્પન્ન થાય છે, જેના કારણે તેનો પુરવઠો અત્યંત મર્યાદિત બને છે.
કેલિફોર્નિયમ બનાવવું મુશ્કેલ હોય છે અને તેને કારણે તેનો પુરવઠો ઓછો રહે છે, એ કારણે જ તેનો ભાવ ખૂબ જ ઊંચો રહે છે. જોકે, સવાલ એ પણ થાય તો આટલા ઊંચા ભાવનું તત્ત્વ શેમાં ઉપયોગમાં લેવાતું હશે? સોના કરતાં પ્લેટિનમ પણ મોંઘું હોવા છતાં ઘરેણામાં સોનાનું સ્થાન પ્લેટિનમ લઈ શક્યું નથી, એમ કેલિફોર્નિયમનું ઘરેણાં, શણગાર અથવા રોકાણ બજારોમાં કોઈ સ્થાન નથી. કેલિફોર્નિયમનો ઉપયોગ પરમાણુ રિએક્ટરને પાવર આપવા અને નિયંત્રિત ન્યૂટ્રોન ઉત્સર્જન પર આધાર રાખતા સંશોધનને ટેકો આપવા માટે ન્યૂટ્રોન સ્રોત તરીકે થાય છે. અદ્યતન તબીબી સારવારમાં પણ કેલિફોર્નિયમનું સ્થાન છે. આ તત્ત્વનું એક ચોક્કસ રૂપ કેલિફોર્નિયમ 251 ન્યૂટ્રોન આધારિત કેન્સર ઉપચારમાં વપરાય છે. આ પદ્ધતિ ન્યૂટ્રોન રેડિયેશનનો ઉપયોગ કરીને કેન્સર કોષોને લક્ષ્ય બનાવે છે અને ચોક્કસ કિસ્સાઓમાં તેનો ઉપયોગ થાય છે.
ટૂંકમાં, કેલિફોર્નિયમ એ સોના કરતાં પણ મોંઘી ધાતુ છે, એ સમજાય તો સોના પ્રતિનો મોહ થોડો ઓછો થઈ જાય એમ માની ન લેતા! સોનું તેના સોનેરી રંગને કારણે પણ આપણા મનમાં વસી ગયું હોય એમ બની શકે છે, તેથી જ સોનું આપણાં ઘરોમાં ઘરેણારૂપે તો મંદિરમાં ભગવાનના આભૂષણ તરીકે વધુ સંગ્રહાયેલું છે.