આજનાં મોટાભાગનાં પેરેન્ટ્સની ફરિયાદ છે કે બાળકો અમારું સાંભળતાં નથી. અમે કહીએ એનાથી ઊંધું કરવામાં એમને મજા આવે છે. અમને કંઇ ખબર જ ન પડતી હોય એ રીતે દલીલો કરે છે. કોઇ કામ સોંપો તો સીધી ના પાડી દે છે અને પોતે નિર્ણય લીધા પછી જ અમને જણાવે છે. આ વલણ સાત-આઠ વર્ષની ઉંમરથી બાળકમાં જોવા મળે છે. પેરેન્ટ્સની ઇચ્છા અને ધારણાથી બાળક વિપરીત વર્તન કરે અથવા તો આજ્ઞાકારી બનવાને બદલે પોતાની મરજી મુજબ વર્તે એને સામાન્યતઃ આપણે વિદ્રોહ કહીએ છીએ, પરંતુ જ્યાં સુધી બાળક શાંતિથી, વિવેકથી પેરેન્ટ્સની વાતને નકારે તો એને વિરોધ કહી શકાય, વિદ્રોહ નહીં. એની પાછળ બગાવત કે પેરેન્ટ્સને હર્ટ કરવાનો ભાવ નથી હોતો બસ, પોતાના અને મનને અનુસરવાની ચાહ હોય છે, જેને પેરેન્ટ્સ વારંવાર નકારે તો બાળકના મનમાં જન્મતી અસ્વીકારની લાગણી પહેલાં જીદમાં અને પછી વિદ્રોહમાં પરિણમે છે. ત્યારે એ વિવેક ચૂકી મા-બાપને ન ગમે એવું વર્તન કરી બેસે છે.
અત્યાર સુધી બાળકોના વિરોધ અને વિદ્રોહને ગેરશિસ્ત તરીકે જોવામાં આવતા હતા, પરંતુ એનાથી વિપરીત આધુનિક શોધ એ વાતની પુષ્ટિ કરે છે કે એક બાળકનું વિદ્રોહી હોવું એ એની સ્વાયત્તતા, વ્યક્તિત્વ નિર્માણ અને ભવિષ્યની નેતૃત્વ ક્ષમતાઓના વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ વિકાસાત્મક માઇલ સ્ટોન સાબિત થઇ શકે.
બાળકમાં જેમ-જેમ સમજણ આવે છે એ પોતાના માટે સભાન થઇ જાય છે. અમુક બાળકમાં સ્વ માટેની સભાનતા વધારે હોય ત્યારે એ માતા-પિતાની ઇચ્છા-મરજી કરતાં પોતાની ઇચ્છાને વધારે મહત્ત્વ આપે છે. અગર પેરેન્ટ્સ કહે કે તું પહેલાં હોમવર્ક કર અને પછી જમ તો એને લાગશે કે મારે જે રીતે કરવું હોય એ રીતે કરું. એમાં મમ્મી-પપ્પાએ મને કેમ કહેવાનું? શું મને ખબર નહીં પડતી હોય? હોમવર્ક મારે કરવાનું છે તો ક્યારે કરવું એ મારી મરજી. વ્યક્તિ તરીકેની વધારે પડતી સભાનતા બાળકને પેરેન્ટ્સની મરજી કરતાં વિપરીત વર્તન કરવા પ્રેરે છે અને આ માટે પેરેન્ટ્સ આક્રમક વલણ અપનાવે તો બાળક વિદ્રોહ કરે છે. ગમેતેમ બોલે છે. અગર બાળક જવાબદારીપૂર્વક વર્તતું હોય અને એ પેરેન્ટ્સથી અલગ પોતાની રીતે કામ કરવાની જીદ કરે તો એના વિદ્રોહમાં જવાબદારીની ભાવના અને સ્વાયત્તતા બંને હશે. ખુદ પરનો વિશ્વાસ હશે.
બીજું, બાળક મોટો થતાં જ એ આજુબાજુની દુનિયાનું વિશ્લેષણ કરે છે. આજુબાજુ બનતી ઘટનાઓ, લોકો અને ખુદ માટે એના મનમાં અનેક પ્રશ્નો જન્મે છે. પ્રશ્નોનો જન્મ એટલે ખુદને તરાશવાની અને દુનિયાને પોતાનાં ચશ્માંથી જોવાની દૃષ્ટિનું વિકસિત થવું. એમાં માત્ર સ્વતંત્ર રીતે વિચારવાની જ નહીં વર્તવાની પણ ઇચ્છા હોય છે તેવી પેરેન્ટ્સના વિચારો અપનાવવાને બદલે પોતાની સ્વતંત્ર વિચાર દૃષ્ટિ વિકસાવે છે. એનું પોતાનું ઓબ્ઝર્વેશન અને તારણ જ એને સાચું લાગે છે. અગર શોપિંગ માટે ગયા હોય ને પેરેન્ટ્સ કહેશે કે શર્ટનો આ કલર સારો છે, તેં જે પસંદ કર્યો છે તે કલર બરાબર નથી. ત્યારે સ્વતંત્ર પસંદગીની ચાહ પેરેન્ટ્સની પસંદગી પર સવાલ કરશે. પેરેન્ટ્સ બાળકની વાત નહીં માને તો એનો વિરોધ વિદ્રોહમાં રૂપાંતર થશે અને વિદ્રોહમાં સ્વતંત્રતાને ગમે તે રીતે જાળવી રાખવાની ચાહ દેખાશે, જેને બહુધા પેરેન્ટ્સ સમજી શકતાં નથી. તેઓ વિદ્રોહને બદતમીઝી સમજીને બાળકને બગડેલ, જિદ્દી અને દોઢડાહ્યા જેવા વિશેષણથી નવાજશે. બાળક પર લેબલ લગાવતાં પહેલાં પેરેન્ટ્સે એ સમજવું પડશે કે બાળક પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવાની કોશિશ કરે છે.
કેટલાંક પેરેન્ટ્સ બાળકને પોતાની કાર્બન કોપી બનાવવા ઇચ્છે છે, તેથી બાળકે શું ખાવું, પીવું, ક્યાં જવું? કોની સાથે રમવું? હોમવર્ક ક્યારે કરવું? કોની સાથે ન બોલવું? કે કેવાં કપડાં પહેરવાં?નું ટુ ડુ લિસ્ટ તૈયાર રાખે છે. એમની ઇચ્છા અને આજ્ઞાની ચાવીથી બાળક રમકડાની જેમ વર્તે એવી ચાહ મોટાભાગના બાળકને સ્વીકાર્ય નથી. એમને રોકટોક ગમતી નથી. આજે ખૂબ નાની ઉંમરે બાળકમાં ખુદને સાબિત કરવાની અને બીજાથી શ્રેષ્ઠ દેખાવાની ચાહ હોય છે અને ચાહ સ્વતંત્રતા વિના પૂરી નથી થતી, તેથી પોતાનું કામ, નિર્ણયો અને પસંદગીમાં પેરેન્ટ્સની દખલગીરી એમના માટે સ્વીકાર્ય નથી. બાળકને સ્વતંત્ર નિર્ણય લેતાં પેરેન્ટ્સ અટકાવે ત્યારે પોતાની સ્વતંત્રતા માટે બાળક વિદ્રોહ કરે છે.
ત્રીજું, જેમ જેમ બાળકોના મગજનો વિકાસ થાય છે તેમ તેમ એનામાં તર્ક કરવાની ક્ષમતા વિકસિત થાય છે, તેથી બાળકના દરેક આદેશ સામે એ તર્ક કરશે અને હંમેશાં તર્ક કરતું બાળક પેરેન્ટ્સને વિદ્રોહી લાગે છે. ડેવલપમેન્ટ સાઇકોલોજી સંદર્ભે લક્ઝમબર્ગ યુનિવર્સિટીએ 10થી 52 વર્ષના 7000 લોકો પર કરેલા અભ્યાસના તારણ મુજબ વિદ્રોહી બાળકમાં મોટું થતાં અનેક હકારાત્મક પરિણામો જોવા મળે છે. જેમ કે -
નિયમો તોડનાર બાળકો મોટાં થતાં સારા લીડર બને છે.
એમની સર્જનાત્મકતા અને ક્ષમતાનો અન્ય બાળકો કરતાં વધારે વિકાસ થાય છે.
આવાં બાળકો સ્પષ્ટ વક્તા તરીકે નામના મેળવે છે.
સંશોધકોનું માનવું છે કે જે બાળકો બાળપણમાં પોતાનું ધાર્યું કરવા માટે નિયમોને પડકાર ફેંકે છે, તે મોટા થતાં પોતાના અધિકાર અને હક માટે વધારે પ્રભાવી ઢંગથી રજૂઆત કરી શકે છે.
જે બાળક બીજાની સહમતિ પ્રાપ્ત કરવાને બદલે પોતાના અભિપ્રાય માટે લડે છે, તે મોટું થતાં સફળ બને છે.
જેઓ પરંપરાગત માપદંડને તોડે છે તેઓ જીવનમાં વિશિષ્ટ અને અન્યની અલગ કામ કરવાની શક્તિ વિકસાવી શકે છે.
વિદ્રોહી બાળકો જટિલ સામાજિક સ્થિતિને સંભાળવામાં વધુ સક્ષમ હોય છે.
તેઓ મુશ્કેલીમાં હાર્યા વિના મંજિલ મેળવવા માટે પ્રયત્નશીલ રહે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો