નકશા પર જોશો તો ઓસ્ટ્રેલિયાની દક્ષિણે તાસ્મેનિયા આવેલો છે અને ઓસ્ટ્રેલિયા તેમજ તાસ્મેનિયાની વચ્ચે સમુદ્રમાં એક નાનકડો ટાપુ છે. આ ટાપુ કિંગ આઇલેન્ડ તરીકે ઓળખાય છે. કિંગ આઇલેન્ડ પર એક ખાણ (mine) આવેલી છે. આ ખાણ વિશે એવું કહેવાય છે કે વિશ્વમાં ખેલાઈ ગયેલા અનેક યુદ્ધોની `ભવિષ્યવાણી' અહીંથી થઇ હતી!  

આવી માન્યતા પ્રચલિત થવા પાછળ રસપ્રદ ઇતિહાસ છે. આ ખાણનું નામ છે `ડોલ્ફિન માઇન'. 1911માં ટોમ ફેરેલ નામનો એક સંશોધક ટીન (એટલે કે કલાઈ) ધાતુની શોધખોળમાં કિંગ આઈલેન્ડ પર આવી ચડ્યો, પરંતુ એને ટીનના બદલે સ્કિલાઇટ નામની ખનિજ મળી આવી. આ સ્કિલાઈટ એટલે ટંગસ્ટન નામની ધાતુની મુખ્ય ખનિજ. હવે પ્રશ્ન એ છે કે ટંગસ્ટન ધાતુ અને ડોલ્ફિન માઈનને યુદ્ધની આગાહીઓ સાથે શું લાગેવળગે?  

સ્વીડિશ ભાષામાં એક શબ્દ છે - `tung sten'. સાદી ગુજરાતીમાં એનો અર્થ થાય `ભારે પથ્થર'. હકીકતે આ શબ્દ જે ચીજ માટે વપરાય છે, એ કોઈ પથ્થર છે જ નહિ, એ તો ધાતુ છે. ટંગસ્ટનનો અણુક્રમાંક 74 અને રાસાયણિક સંજ્ઞા W છે. ટંગસ્ટન (Tungsten) ધાતુ પોતાના કઠણપણા માટે પ્રખ્યાત છે. તેની ઘનતા લગભગ 19.25 ગ્રામ/સેમી³ છે. જોકે, ટંગસ્ટનનો એક ગુણધર્મ એવો છે, જે એને અત્યંત વિશિષ્ટ ધાતુની શ્રેણીમાં મૂકે છે. આ ગુણધર્મ એટલે અત્યંત ઊંચું ગલનબિંદુ.  

જે ચોક્કસ તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે, તે તાપમાનને એ પદાર્થનું ગલનબિંદુ (Melting Point) કહેવાય. ટંગસ્ટનનું ગલનબિંદુ આશરે 3422° સેલ્સિયસ જેટલું ઊંચું છે. શુદ્ધ ધાતુઓમાં આ ગલનબિંદુ સૌથી ઊંચું ગણાય. બીજા શબ્દોમાં કહીએ તો ટંગસ્ટન એક એવી ધાતુ છે જે ત્રણ હજાર સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાનેય પીગળી નથી જતી.  

સ્વાભાવિક છે કે આવા ખતરનાક ગુણધર્મને કારણે અનેક પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં ટંગસ્ટનની ભારે માંગ હોય. ટંગસ્ટનના કેટલાક પ્રચલિત ઉપયોગો જાણવા જેવા છે.  

ટંગસ્ટન કાર્બાઇડ કઠણ પદાર્થોને કાપવા માટેના કટિંગ ટૂલ્સ તરીકે વપરાય છે. એ ઉપરાંત ડ્રિલ બિટ્સ તેમજ ખાણકામનાં સાધનોમાં પણ ટંગસ્ટન મોટા પાયે વપરાય છે. ઇલેક્ટ્રોનિક્સ અને લાઇટિંગમાંય ટંગસ્ટનનો વપરાશ ખરો. અસલનાં ઘરોમાં જોવા મળતા પીળી રોશની ફેંકતા બલ્બ તમને યાદ હશે જ. આવા બલ્બ આજે પણ મોડર્ન ડિઝાઈન સાથે માર્કેટમાં ઉપલબ્ધ છે. આ બલ્બના ફિલામેન્ટમાં જે તાર જોવા મળે છે, એ ટંગસ્ટનમાંથી જ બને છે. વળી, X-ray ટ્યૂબ અને વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ તરીકે પણ આ ધાતુ વપરાય. આધુનિક ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો હાઇ-સ્પીડ સ્ટીલ અને સુપરએલોયમાં કઠણતા અને ગરમી-પ્રતિરોધકતા વધારવા માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. ઊંચા ગલનબિંદુને કારણે ભારે ઘર્ષણ વચ્ચે પણ ટંગસ્ટન ભસ્મીભૂત નથી થઇ જતું એટલે એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીમાં પણ ટંગસ્ટનની મોટી માંગ ખરી.  

ઇનશોર્ટ, ટંગસ્ટન અત્યંત કામની ધાતુ છે, પણ એમાં પેલી યુદ્ધની આગાહીવાળી `નોન-સાયન્ટિફિક' વાત ક્યાંથી આવી?  

યુદ્ધ સમયે ટંગસ્ટન `ક્રિટિકલ મિનરલ'

ટંગસ્ટન વ્યૂહાત્મક (strategic) ધાતુ માનવામાં આવે છે. તેની ઉચ્ચ ઘનતા અને કઠણતાને કારણે તે આર્મર-પિયર્સિંગ પ્રોજેક્ટાઇલ્સ (કિનેટિક એનર્જી પેનેટ્રેટર્સ), બુલેટ્સ, શેલ્સ અને આર્મર પ્લેટિંગમાં વપરાય છે. તે સ્ટીલને વધુ કઠણ અને ગરમી-પ્રતિરોધક બનાવે છે, જે યુદ્ધનાં સાધનો અને ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ છે. ઇતિહાસમાં પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ, કોરિયન યુદ્ધ અને વિયેતનામ યુદ્ધ દરમિયાન તેની માંગ અને કિંમતમાં વધારો થયો હતો. આજે પણ તે સંરક્ષણ ક્ષેત્રમાં નિર્ણાયક માનવામાં આવે છે. ચીન જેવા મુખ્ય ઉત્પાદકો પર નિર્ભરતા ઘટાડવા માટે ઘણા દેશો તેને ક્રિટિકલ મિનરલ તરીકે જુએ છે. યુદ્ધકાળ દરમિયાન ટંગસ્ટનનું મહત્ત્વ આટલા ઉપરથી સમજાઈ ગયું હશે. અબ લગે હાથોં થોડો ઇતિહાસ તપાસી લઈએ.  

ઉપર જણાવ્યું એમ ડોલ્ફિન માઈનની શોધ 1911માં જ થઇ ગયેલી, પણ પછી એ બંધ કરી દેવામાં આવી. 1917માં પ્રથમ વિશ્વયુદ્ધનાં વાદળો ઘેરાયા, એ સાથે જ આ ખાણ કાર્યરત થઇ ગઈ, પણ 1920માં યુદ્ધ પૂરું થયું એ સાથે જ ખાણ બંધ કરી દેવાઈ. 1938માં ખાણ ફરી ખૂલી અને થોડા જ સમયમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થઇ ગયું! કોરિયન યુદ્ધ અને વિયેતનામ યુદ્ધ પહેલાં પણ આ ખાણ ખૂલેલી અને ખાણ ખૂલ્યાના થોડા જ દિવસોમાં યુદ્ધ શરૂ થઇ ગયેલું.  

આ પ્રકારના ઘટનાક્રમને કારણે સામાન્ય લોકો એવું માનવા માંડ્યા છે કે ડોલ્ફિન ખાણ ખૂલે (એટલે કે કાર્યરત થાય) ક્યાંક ને ક્યાંક મોટું યુદ્ધ ખેલાય જ અને એટલે જ આ ખાણ `યુદ્ધોની આગાહી કરનાર માઈન' તરીકે ઓળખાય છે. જોકે, વાસ્તવિકતા એથી ઊલટી છે.  

વાત એમ છે કે ઔદ્યોગિક વપરાશ માટે જરૂરી ટંગસ્ટન વિશ્વની બીજી ખાણોમાંથી મળી રહે છે, પણ યુદ્ધ સમયે ટંગસ્ટનની માંગમાં તીવ્ર ઉછાળો આવે છે, સાથે જ ટંગસ્ટનના ભાવમાં પણ મોટો ઉછાળો આવે છે. આ માંગની આપૂર્તિ માટે ડોલ્ફિન માઈનને ફરી કાર્યરત કરવામાં આવે છે, પણ શાંતિકાળ દરમિયાન ટંગસ્ટનની માંગ ફરી તળિયે બેસે છે અને ભાવમાં પણ તીવ્ર ઘટાડો નોંધાય છે. એટલે આર્થિક ભારણથી બચવા ડોલ્ફિન માઈનમાંથી ટંગસ્ટન ખોદવાનું કામ અટકાવી દેવામાં આવે છે.  

બસ આટલી જ સાદી વાત છે. અંતે એક માહિતી 2023થી આ ખાણ ફરી કાર્યરત કરવામાં આવી છે, જે આપની જાણ સારું. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો