બાળપણ એ ભવિષ્યનો પાયો છે. બાળપણમાં બાળકને જે મળે છે તે જ એ ભવિષ્યમાં પરત કરે છે. ખાસ કરીને બાળક મોટું થાય ત્યારે એની શારીરિક-માનસિક અભિવ્યક્તિ એને મળેલાં પ્રેમ-નફરત, માન-અપમાન તથા સ્વીકાર-અસ્વીકાર પર આધારિત હશે.
દરેક બાળકને બોન્ડિંગની જન્મજાત જરૂર હોય છે. જે બાળકના ડર-તણાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બાળકનો આ અનુભવ વયસ્કના રૂપમાં એને શાંત અને સુરક્ષિત બનાવે છે. જો ખરાબ અનુભવ છે તો એનું મન અસુરક્ષા સાથે વિકસે છે. જે ભવિષ્યમાં કોઇ પણ સંબંધમાં ભરોસો મૂકી શકતો નથી. બાળપણમાં સુરક્ષિતતા અને સહકાર મળે તો બાળક સ્વાયત્તતા અને સાહસિકતા કેળવી શકે છે. બાળકના ઉછેરની શૈલીને આધારે જ ભવિષ્યના સંબંધોની અટેચમેન્ટ શૈલી ડેવલપ થાય છે.
સંબંધોની પ્રથમ શૈલી છે Secure Attachment style યાનિ સલામત જોડાણ શૈલી. જ્યાં વયસ્ક વ્યક્તિ અન્ય સાથે લાગણીના બંધનથી જોડાતા ડરતી નથી, એ ખુદને તો સલામત સમજે જ છે, પરંતુ સામી વ્યક્તિને પણ સુરક્ષા મહેસૂસ કરાવે છે, જે બાળકને નિરંતર લાગણી અને વિશ્વાસ મળ્યો છે તે જ વયસ્ક થતાં બીજા પર ભરોસો મૂકી શકે છે. જેમનું આત્મસન્માન ઉચ્ચ હોય છે તેઓ મજબૂત પ્રેમસંબંધ બનાવી શકે છે એટલું જ નહીં, ડર્યા વિના પોતાની વાત-લાગણી રજૂ કરી શકે છે. બાળપણમાં મળેલી ઇમોશનલ સિક્યુરિટી વયસ્ક થતાં બીજાની સાથે સમસંવેદન સાધી શકે છે. એટલું જ નહીં સંબંધોની સીમા પણ દોરી શકે છે. દાખલા તરીકે એક પતિ-પત્ની છે. પત્નીએ કામ માટે બીજા શહેરમાં જવું પડે છે. અગર પતિ સલામત રીતે અટેચ્ડ છે તો એને પોતાની પત્ની પર પૂરો ભરોસો હશે. એ એવું નહીં વિચારે કે મારી પત્ની મને ભૂલી જશે કે મારી સાથે વિશ્વાસઘાત કરશે. માત્ર પત્ની સાથેના જ નહીં અન્ય સંબંધો પર પણ પૂર્ણ વિશ્વાસ મૂકશે. શંકા-આશંકા તથા આક્ષેપ-પ્રતિઆક્ષેપ પૂરા સંબંધોને બગાડશે નહીં.
જોડાણ-લગાવની બીજી શૈલી છે Anxious Attachment Style યાનિ ચિંતિત જોડાણ શૈલી. બાળપણમાં બાળકને પેરેન્ટ્સ તરફથી ક્યારેક ખૂબ પ્રેમ અને ક્યારેક ઠંડોપ્રતિસાદ મળ્યો હોય. યાનિ પેરેન્ટ્સના પ્રેમ-વ્યવહારની કોઇ નિશ્ચિતતા નહીં. આવાં બાળકોમાં મોટા થતા સંબંધોમાં સામી વ્યક્તિ એમને છોડી દેશે એવા ડર સાથે જીવે છે. તેઓ પાર્ટનર પાસે સતત એવું આશ્વાસન માંગે છે કે પાર્ટનર એને પ્રેમ કરે અને દરેક સંજોગોમાં એની સાથે રહેશે અને છોડીને નહીં જાય. આવી વ્યક્તિ પાર્ટનરનો ફોન ન આવે, નાનો-મોટો ઝઘડો થાય કે પાર્ટનર કોઇ સાથે વધારે બોન્ડિંગ ધરાવે તો પણ અસલામત થઇ જાય. તેઓ પોતાની પ્રિય વ્યક્તિનું લાગણી બાબતેનું ઢીલું કે બેદરકાર વર્તન સહન નથી કરી શકતા. એ વ્યક્તિ પોતાની કેર કરે છે કે નહીં? એનો પ્રેમ ઓછો તો નહીં થઇ જાયને? એના જીવનમાં મારાંથી વધારે મહત્ત્વ અન્ય કોઇનું ન હોયને? એવા સતત વિચારોથી મન બેચેન અને ઉદ્વિગ્ન રહે છે.
ત્રીજી શૈલી છે Aroidant Dismissive Attachment યાનિ અવગણના યા ઉપેક્ષા શૈલી. બાળપણમાં જ્યારે પેરેન્ટ્સ ભાવનાત્મક રીતે બાળકથી દૂર રહીને બાળકની માત્ર ભૌતિક જરૂરિયાત સંતોષે છે ત્યારે પ્રતિક્રિયા સ્વરૂપે બાળક અસ્વીકૃતિના દર્દથી બચવા પોતાની ભાવનાઓને દબાવતી શીખી જાય છે. ભાવનાઓને છુપાવવાના વલણ સાથે મોટું થયેલું બાળક હંમેશાં બીજાની મદદ કે સહાનુભૂતિને નકારે છે ને સ્વતંત્ર હોવા પર ગર્વ અનુભવે છે. નજદીકીને તેઓ પોતાની સ્વાયત્તતા માટે ખતરાના રૂપમાં જુએ છે. જ્યારે કોઇ પાર્ટનર એની નજીક આવે છે ત્યારે એ પાછળ હટી જાય છે દાખલા તરીકે એક પતિ પોતાની પત્ની સાથે પોતાની પરેશાનીઓ ક્યારેય શેર નથી કરતો. અગર પત્ની પરેશાનીનું કારણ પૂછશે તો એ કહેશે કે કંઇ નહીં, મને એકલો છોડી દે. તેઓ પોતાની ભાવનાઓને એક દીવાલ પાછળ છુપાવી લે છે અને સંબંધમાં ઘનિષ્ઠતા આવે તો ગૂંગળામણ અનુભવે છે.
ચોથી શૈલી છે Disorganized Attachment જેમાં ડરનો વિરોધાભાસ જોવા મળશે. આવાં બાળકોએ જેનાથી ડર હતો એમની પાસે જ સલામતી શોધવા જવું પડતું હતું. મોટા થતાં એમનો વ્યવહાર `પુશ-પુલ' (Push-Pull)રૂપે પ્રગટે છે. તેઓ સંબંધમાં નજીક તો જાય છે, પરંતુ ડરીને પાછા દૂર જતાં રહે છે. નજીક જવાથી કોઇ આઘાત મળશે એવી આશંકા એમને સંબંધોમાં સ્થિર નથી થવા દેતી.
ભારતીય સંદર્ભમાં 50 ટકા બાળકોમાં સુરક્ષિત શૈલી વિકસિત થયેલી જોવા મળે છે. તેઓ માને છે કે હું પ્રેમ માટે યોગ્ય છું અને અન્ય લોકો ભરોસાને લાયક છે. 20 ટકા બાળકો હું યોગ્ય નથી, બીજાને મારી નજીક રાખવા માટે મારે પ્રયાસો કરવા પડશે એવી ચિંતિત શૈલી સાથે મોટાં થાય છે. ત્રીજા ક્રમે નજદીકી અસુરક્ષિત છે અને મારે માત્ર મારાં પર જ નિર્ભર રહેવું જોઇએ. એવાં બાળકોનું પ્રમાણ 20 ટકા છે. જ્યારે બાકીનાં 10 ટકા લોકો પ્રેમ ડરામણો છે અને જે મને પ્રેમ કરે છે એ જ આઘાત આપશે એવી અવ્યવસ્થિત શૈલીમાં સમાવિષ્ટ છે.
આ ઉપરાંત બાળપણમાં માતા-પિતા દ્વારા નિયંત્રિત બાળક મોટું થતાં ગાઢ સંબંધથી દૂર રહે છે. જેમને ઘરમાં સંઘર્ષ જોયો છે, તે સંઘર્ષથી દૂર રહેવા લોકોને સતત ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. ઉપેક્ષિત બાળક મોટું થતાં અટેન્શન ફોબિયાથી પીડાય છે. જેને બાળપણમાં પોતાની સમસ્યા ખુદ મેનેજ કરવી પડી હોય એ બાળક બીજાને ઇગ્નોર કરે છે. કોઇ વ્યક્તિ સંબંધોમાં સ્થિર નથી, એનું વર્તન ગૂંચવણભર્યું છે, તો એના બાળપણના મૂળને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.