જીન્સ, એટલે કે માણસના જનીન વિશે થતાં સંશોધનો અંગે ઘણું લખાતું રહે છે, પણ આ વિષય એટલો જટિલ છે કે મોટાભાગના મુદ્દા સામાન્ય વાચકોના માથા પરથી પસાર થઇ જાય. દાખલા તરીકે, વિજ્ઞાન કહે છે કે કોઈ વ્યક્તિના ચોક્કસ સ્વભાવ પાછળ એના જીન્સ અને હોર્મોન્સ કારણભૂત હોય છે. કોઈ બહુ આક્રમક સ્વભાવ ધરાવતું હોય તો એને જીન્સ થેરાપી દ્વારા સુધારવા સુધીની વાત થાય છે. જો આ શક્ય હોય તો તો ભવિષ્યમાં કોઈ નાગરિક ગુનેગાર બનશે જ નહિ, કારણ કે સરકાર દરેક બાળકના જીન્સની તપાસ કરશે. ગુનાખોરી માટે ઉશ્કેરે એવા જીન્સનો ઈલાજ કરી નાખવામાં આવશે. એટલુ જ નહિ પણ દરેક ગુનેગારને પકડી પકડીને વિવિધ હોર્મોન્સને કાબૂમાં રાખે એવાં ઇન્જેક્શન્સ ઘોંચી દેવામાં આવે, તોય સમાજમાંથી ગુનાખોરીનો ખાત્મો થઇ જાય, ખરુંને? વાત આટલી સીધી સાદી નથી. થોડું વિગતે સમજીએ.

 આપણા દેખાવ, લાક્ષણિકતાઓ અને જાતીયતા (સ્ત્રી અથવા પુરુષ) નક્કી કરવામાં રંગસૂત્રો (ક્રોમોસોમ્સ) બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પુરુષોમાં XY ક્રોમોસોમ્સ હોય છે. જ્યારે સ્ત્રીઓમાં XX ક્રોમોસોમ્સ હોય છે. આ રંગસૂત્રો પર જનીન, એટલે કે જીન્સ આવેલા હોય છે. આવું જ એક જીન્સ એટલે MAOA જીન. કેટલાક એને `વોરિયર જીન'ના હુલામણા નામે ઓળખાવે છે.

 સેરોટોનિન, ડોપામાઈન અને નોરેપિનેફ્રિન જેવા મહત્ત્વના ન્યુરોટ્રાન્સમીટર્સ મનુષ્યના મૂડ, લાગણીઓ, આક્રમકતા, ઇમ્પલ્સ કંટ્રોલ અને વર્તનને અસર કરે છે. જો આ ન્યૂરોટ્રાન્સમીટર્સને કંટ્રોલ કરવામાં કશીક ગરબડ થાય તો એની સીધી અસર વ્યક્તિના વર્તન પર પડે. MAOA એટલે Monoamine Oxidase A જીન X ક્રોમોસોમ પર આવેલું છે અને તે monoamine oxidase A નામના એન્ઝાઇમનું ઉત્પાદન કરે છે. આ એન્ઝાઇમ પેલા સેરોટોનિન, ડોપામાઇન અને નોરેપિનેફ્રિન જેવા મહત્ત્વના ન્યુરોટ્રાન્સમીટર્સનું સંતુલન જાળવે છે. ટૂંકમાં કહીએ તો તમારી આત્યંતિક અને આક્રમક લાગણીઓને કાબૂમાં રાખવાનું કામ MAOA કરે છે. કદાચ એટલે જ એને વોરિયર જીન તરીકે ઓળખવામાં આવે છે.

 અહીં એક આડ વાત તરીકે જીવનનું મહાન સત્ય સમજી લો. MAOA જીન X ક્રોમોસોમ પર આવેલું છે. પુરુષોમાં XY રંગસૂત્રો હોવાથી એક જ MAOA હોય છે. જ્યારે સ્ત્રીઓમાં XX રંગસૂત્રો હોવાને કારણે બે MAOA હોય છે. આથી પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ ઓછી આક્રમક હોય છે. પડી સમજ? (જોકે, કેટલાક પરિણીત પુરુષોનો અભિપ્રાય આ બાબતે જુદો હોઈ શકે છે, પણ એની પાછળ રંગસૂત્રો સિવાયનાં બીજાં કારણો જવાબદાર હશે.)

 ઓકે ફાઈન. હવે આપણે આ MAOAના ઉત્પાદન પર સરખું ધ્યાન આપીએ તો માનવીના વર્તન, ખાસ કરીને ગુનાહિત વર્તનને સુધારી શકાય? જવાબ થોડો ભેદભરમવાળો છે. કેટલાક દેશોમાં બળાત્કાર સહિતના ગુનાઓ આચરનારા જાતીય અપરાધીઓને ટેસ્ટોસ્ટેરોન ઘટાડે એવા હોર્મોનલ ઇન્જેક્શન દ્વારા કેમિકલ કેસ્ટ્રેશન કરવાની જોગવાઈ છે. આવું કરવાથી એ ગુનેગારની જાતીય ઇચ્છા ઘટે છે. ઘણા કેસમાં એનાથી ફરક પડ્યો હોવાનું નોંધાયું છે. ઘણા કિસ્સામાં એવું બન્યું કે એક વાર આવી હોર્મોનલ થેરાપી લેનાર ગુનેગારે બીજી વખત કોઈ જાતીય ગુનો ન આચાર્યો હોય, પણ આવું બધા કિસ્સામાં શક્ય નથી બન્યું. વળી, આ પદ્ધતિ મૂળભૂત માનવ અધિકારો સામે પણ પ્રશ્નો ઊભા કરે છે. ખોટા કેસમાં ફસાઈ ગયેલ વ્યક્તિ પોતાને નિર્દોષ સાબિત ન કરી શકે તો એના જાતીય જીવન અને વંશવૃદ્ધિ પર અંકુશ મુકાઈ જવાનો ભય તોળાતો રહે. વળી, હોર્મોનલ થેરાપીને થોડી ઘણી સફળતા પણ જાતીય અપરાધો બાબતે જ મળી છે. બીજા અપરાધો બાબતે હજી ઘણી ગૂંચવણ છે.

 હવે સમાજમાં ગુનેગાર કેમ પેદા થાય છે, એનો અભ્યાસ કરતાં સમજાય છે કે માત્ર જીન્સ કે હોર્મોન્સને કારણે ગુનેગારો પેદા નથી થતા. એક તરફ સૈનિકો, રમતવીરો, અન્ય ક્ષેત્રોમાં સફળતા મેળવનાર સાહસિકોને મૂકીએ અને બીજી તરફ ગુનેગારોને રાખીએ તો સમજાશે કે બંને પ્રકારના લોકોને `ઉશ્કેરનાર' હોર્મોન્સ એકસરખા જ છે. જે તફાવત છે એ વ્યક્તિના ઉછેર અને એને મળતા વાતાવરણમાં છે. બોક્સર માઈક ટાયસનનો દાખલો જાણીતો છે. બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન ગલીના છોકરાઓ સાથે નાની-મોટી ગુંડાગીરી કરી ખાતો માઈક યોગ્ય ગુરુના તાબામાં આવ્યો અને બોક્સિંગ શીખ્યો. ગુંડો બનવાને બદલે પોતાની શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરીને હેવીવેઇટ ચેમ્પિયન સુધ્ધાં બન્યો, પણ શક્તિઓને સંપૂર્ણપણે સાચી દિશામાં વાળી ન શક્યો, એમાં જીવન વિવાદાસ્પદ જ રહ્યું.

 કુલ મિલાકર બાત યે હૈ કિ, માણસને ગુનેગાર બનાવતો હોય એવો કોઈ વિશિષ્ટ `ક્રાઈમ જીન' અસ્તિત્વ ધરાવતો નથી. યોગ્ય વાતાવરણ અને ઉછેર બહુ મોટો ભાગ ભજવે છે. વાસ્તવમાં તમારા જીન્સ લોડેડ ગન જેવા છે. તમને મળતું વાતાવરણ આ ગન માટે `ટ્રિગર'નું કામ કરે છે. એટલા માટે જ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો માટે મર્યાદિત હોર્મોનલ થેરાપીની સાથે સાથે યોગ્ય કાઉન્સેલિંગ અત્યંત જરૂરી બની જાય છે. બાકી ક્રિમિનલ બનતા રોકી શકે, એવી કોઈ જિનેટિક યોજના આજની તારીખે તો વિજ્ઞાન પાસે નથી જ. હા, અમુક પ્રકારની જનીન થેરાપી વડે ક્રિમિનલ વ્યક્તિની અમુક હદ સુધીની સારવાર જરૂર થઇ શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો