પ્રાચીન રોમની સંસ્કૃતિમાં એક આકરી સજા આપવામાં આવતી. એ સજા જેલ કે દેશનિકાલ કરતાં પણ વધુ અઘરી કહેવાય એવું મનોવિજ્ઞાનીઓ કહે છે. એ રોમન સજા ડોમેન્શીઓ મેમોરે તરીકે ઓળખાતી. આ સજામાં શું કરવામાં આવે? જે પણ ગુનેગાર હોય એનું નામ દીવાલો ઉપરથી ભૂંસી કાઢવામાં આવે, જાહેરના બધા રેકોર્ડ પરથી તે નામ રદ કરી નાખવામાં આવે. જો ગુનેગારનું પહેલાં કોઈ ચિત્ર કે શિલ્પ બની ચૂક્યું હોય તો તેનો નાશ કરી નાખવામાં આવે. તે જે પણ જાહેર સ્થળોનો એના નામ સાથે ઉપયોગ કરતો હોય એ બધી જગ્યાએથી તેનું નામ કાઢી નાખવામાં આવે. એ માણસ તો જીવતો છે, પણ એના અસ્તિત્વની સાબિતીઓ સાફ કરી નાખવામાં આવે. ગુનેગારને મારવાનો નહીં, પણ ગુનેગાર જે સમાજમાં રહે છે તે સમાજની યાદશક્તિમાંથી જ ગુનેગારને હાંકી કાઢવાનો. આધુનિક મનોવિજ્ઞાન હવે છેક સમજી શક્યું એ રોમનો આજથી હજારો વર્ષ પહેલાં સમજતા કે જીવવું પણ સતત અવગણના પામવું એ મૃત્યુ કરતાં પણ બદતર છે. શારીરિક ટોર્ચર કરતાં માનસિક હેરાનગતિ વધુ ખતરનાક હોય છે. એના પછી મેઈન સ્ટ્રીમ વ્યવસ્થા તરીકે ઘર બનાવવાની અને એમાં એક જ પરિવારે રહેવાની શોધ થઈ.

મકાનો નહીં પણ ઘર. મકાનો તો ત્યારે પણ હતાં, પણ ઘરની વિભાવના આદર્યા પછી માણસને વધુ સુરક્ષા અનુભવાઈ. ટાઢ, તાપ, જાનવરથી રક્ષણ મેળવતા તો આવડી ગયેલું, પણ આ ઘરે કુદરતી આપત્તિઓના જોખમ સિવાયના બીજાં સામાજિક જોખમો સામે રક્ષણ આપવાનું શરૂ કર્યું. માણસે મકાનમાંથી ઘર એ રીતે બનાવ્યું જે એને ભાવનાત્મક અભયારણ્ય જેવું લાગે. એવી જગ્યા જ્યાંથી એનું નામ, એની યાદો કે એની ઓળખ ભૂંસી ન શકાય. જ્યાં તે તેના પરિવારજનો સાથે તો રહે જ, પણ તેની મનગમતી ચીજવસ્તુઓ સાથે પણ રહે. માટે ઘર એવી જગ્યા બનતી ગઈ જ્યાં માણસ પોતાની આદતોને પાળી શકે. માણસની આદતનું મૂળ સ્થાન ઘર છે. "તમારા ભાઈને ઊઠતાંવેંત તરત જ એના જ લોટામાં ગરમ ચા જોઈએ/બેબી તો દસ વાગ્યા પહેલાં ઊઠે જ નહીં/સાંજે પાછળની ઓસરીમાં તડકો આવે તો માસી ત્યાં જ બેસીને અનાજ સાફ કરતા હોય/એમને રજાના બીજા દિવસે ઈસ્ત્રી ટાઈટ છાપું વાંચવા ન મળે તો મજા જ ન આવે." આવાં બધાં વાક્યો પોતાની અતુલ્ય સિદ્ધિની જેમ લોકો ગણાવતા હોય છે, પણ આ બધી બંધન જેવી આદતોનું ઉદ્ભવસ્થાન ઘર નામની વિભાવના/સવલત/શોધ/વ્યવસ્થા છે.

અને માટે રોમનો કરતાં પણ મનોવિજ્ઞાન ક્ષેત્રે બાપ કહી શકાય એવું પાત્ર ભારતીય સંસ્કૃતિમાં અમર થઈ ગયું અને તેનું નામ કૈકેયી. શું માંગ્યું? રામનો ઘરનિકાલ. રામે વર્ષો સુધી ઘરમાં ન રહેવાનું. આ તો રામ હતા. રામ જ્યાં ગયા તે જગ્યા એનું ઘર બની ગઈ. રાવણ સીતાનું અપહરણ કરીને પણ એની સોનાની લંકામાં ઘરનું સુખ ન મેળવી શક્યો અને આ તરફ અયોધ્યામાં શું થયું? રામની ગેરહાજરી હતી તો પણ રામની પાદુકા એ રાજ્ય પર રાજ કરતી હતી અને વનવાસ દરમિયાન પણ એ રામનગરી બનેલી રહી. ઘર એ નથી કે જ્યાં માણસ સદેહે હાજર હોય જ. ઘર એ છે કે જ્યાં એની ખોટ ખાલીપણું ન બને. ગેરહાજરીમાં પણ હાજરી શ્વાસ લેતી રહે એ ઘર છે. માટે દરેક માટે ઘરની વિભાવના અલગ હોય છે. માટે જ દરેક માણસ ઘરને અલગ નજરથી જોતો હોય છે, ઘરમાંથી અલગ લાગણી મેળવવાની કોશિશ કરતો હોય છે.

પણ આ આર્કિટેક્ચર અને પુખ્તાવસ્થાની વચ્ચેથી કશુંક સરકી ગયું. આજના સમયમાં ચોપાસ એક નજર ફેરવો. લોકો ક્યાં રહે છે, કેવી રીતે રહે છે, શું કામ રહે છે? આજે કોઈ માણસ ઉપર પ્રાચીન રોમન સંસ્કૃતિની જેમ હાથ ઉપાડવામાં આવતો નથી કે એને મારવામાં આવતો નથી, તો પણ એ માણસ ખુદ પોતાના જ ઘરની ચાર દીવાલો વચ્ચે પોતાને ભૂંસાયેલો ભાળે છે. તેનો સામાજિક બહિષ્કાર નથી થયો હોતો, તેની ઉપર દુશ્મનોએ આક્રમણ કર્યું નથી હોતું, પણ તે ચાર દીવાલો વચ્ચેના ઘરમાં સંધાન અનુભવતો નથી.

ઇન્સ્ટાગ્રામમાં બધા કહે છે કે હોમ ઇઝ વ્હેર ધ હાર્ટ ઇઝ. દિલ ત્યાં ઘરની પંક્તિ કાવ્યાત્મક છે, પણ અસલ ઘર ત્યાં છે જ્યાં દિલને સરકવાની, તોફાન કરવાની, ગોથું ખાવાની, પ્રયોગ કરવાની આઝાદી હોય. જ્યાં તેને કોઈ જજ ન કરે, જ્યાં તે કામ કર્યા વિના પણ થાકી શકે, જ્યાં તે કારણ વિના મૌન થઈ શકે, જ્યાં તે કંઈ પણ લલકારી શકે, પણ જો કોઈ જગ્યાએ સતત લાગણીઓને શિસ્તબદ્ધ રાખવી પડતી હોય તો એ લક્ઝુરિયસ પ્રોપર્ટી ઘર નથી, નિયંત્રિત વાતાવરણ માત્ર છે.

આજના કશ્મકશ ભર્યા સમયમાં મોટાભાગના લોકો માટે ઘર એટલે માત્ર છત. થોડા વધુ સુખી લોકો માટે ઘર એટલે એવી છત જેની નીચે ઇન્ટીરિયર થયેલું હોય, પોતાને જોઈતી સગવડતા હોય. અમુક માટે ઘર આ ક્રાઇટેરિયાથી વિશેષ હોય છે. બની શકેને કે એના માટે ઘર એટલે ગુફા. બહારના જંગલમાં જીવ બચાવતાં બચાવતાં એ પોતાની ગુફામાં ભરાઈને શ્વાસ હેઠો બેસાડી શકે અને પોતાના અનેક જખમો હિલ કરી શકે. એવી જગ્યા જોઈતી હોય જ્યાં એની આંખો ઠરે, કાનને સુકૂન મળે ને એકલા પણ રહી શકાય. પહેલાં જેમ સામાજિક અવગણના મોટી સજા ગણાતી અને એમ આજની એઆઈ લાઈફમાં ઘર એવી જગ્યા હોઈ શકે જ્યાં રહીને તમારે કલાકો સુધી કોઈને પણ ન જોવા હોય, એવું પણ બનેને. આગળ કહ્યું ને કે દરેક માણસ ઘરને અલગ નજરથી જોતો હોય. પેલા જાણીતા કિસ્સાની જેમ, બારી પાસે સૂતેલો પેશન્ટ કે કેદી બીજા પેશન્ટ પાસે મનોહર દૃશ્યનું વિવરણ કરતો જ્યારે હકીકતમાં તે બારીની આડે દીવાલ હતી.

પણ આજે ઘરોની સંખ્યા વધુ છે અને એ જ ઘરોમાં રહેતા લોકો બેઘર હોવાની લાગણી અનુભવે છે. જે રુફ રેસ્ટ ન આપી શકે એનું શું કામ? સૌથી સુંદર ઘર હોય તો શબરીનું જે એમણે જાતમહેનતે એમના ભગવાનની રાહમાં તણખલાથી બનાવ્યું હતું અને જ્યાં બોર ખાઈને રામને અપ્રતિમ તૃપ્તિની અનુભૂતિ થઇ હતી. આવી પરમ તૃપ્તિ તમને તમારા ઘરમાં મળે છે વિરાટવાચકો? જો હા, તો અભિનંદન અને જો ના તો તમને નથી લાગતું કે જિંદગીમાં થોડા બદલાવની જરૂર છે?