સિત્તેર-એંસીના દશકોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે એક ખૂંખાર વિલન હતો. એનું નામ અજીત, પણ એક ફિલ્મમાં ભજવેલા રોલને કારણે લોકો એને `લોયન' તરીકે ઓળખતા. આ લોયન એક એવું કેરેક્ટર હતો કે આજે જો એ જીવિત હોત તો એના નામે ઢગલો મીમ્સ બન્યા હોત. જોકે, એ જમાનામાંય લોકોએ લોયનના પ્રખ્યાત ડાયલોગ્સની મિમિક્રી કરીને અનેક જોક્સ બનાવેલા. જેમ કે, `રોબર્ટ, ઇસ ગદ્દાર કો લિક્વિડ ઓક્સિજન મેં ડાલ દો. લિક્વિડ ઉસે જીને નહિ દેગા ઔર ઓક્સિજન ઉસે મરને નહિ દેગા!' તમને જો વિજ્ઞાનનું સાવ કામ પૂરતું જ્ઞાન હોય તોય એટલું તો સમજી જ શકાય કે લોયનના આ ડાયલોગને વિજ્ઞાન સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી, પણ જાપાન હમણાં જે કરી રહ્યું છે, એ કંઈક અંશે લોયનના ડાયલોગ જેવું જ છે, છતાં પ્રોસેસ પૂરેપૂરી વૈજ્ઞાનિક છે. વાતમાં થોડો મસાલો ભભરાવીને કહીએ તો જાપાન અત્યારે હવામાંથી ફ્યુઅલ બનાવવાની ટેક્નોલોજી વિકસાવી રહ્યું છે.  

જાપાન પોતે એક ટાપુ દેશ છે. અહીંનું તાપમાન અને કુદરત જરા વિષમ છે. એમાંય વળી એની પાસે પોતાની ઊર્જા ખપતને પહોંચી વળવા માટે કોઈ રિસોર્સીસ નથી એટલે ઊર્જા માટે ખાસ કરીને ઈંધણ માટે જાપાને સંપૂર્ણપણે બીજા દેશો પર આધારિત રહેવું પડે છે. હોર્મુઝની ખાડી બંધ થઇ જાય તો પેટ્રોલ-ડીઝલ કેવા મોંઘા થઇ જાય એ આપણે અનુભવ્યું. જાપાને ઠેઠ 1973માં ઈજિપ્ત, સીરિયા અને ઇઝરાયેલના યુદ્ધ વખતે ઈંધણની ભયંકર કટોકટી વેઠેલી એટલે ઈંધણના બિનપરંપરાગત સ્રોતો વિકસાવવા માટે જાપાનીઝ વૈજ્ઞાનિકો હંમેશાં મગજનું દહીં કરતા જ રહે છે. એમાં વળી થોડાં વર્ષોથી એમને કાર્બનમુક્ત ઈંધણ `હવામાંથી વિકસાવવા'ની ટેકનોલોજી હાથ લાગી છે.  

આમ તો આ આખી પ્રક્રિયા અત્યંત જટિલ છે, પણ બને એટલી સરળ ભાષામાં તબક્કાવાર સમજીએ. સૌથી પહેલાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ (CO2) શોષવામાં આવે છે. સાથે જ પાણી એટલે કે H2Oમાં રહેલા હાઈડ્રોજનને છૂટો પાડવામાં આવે છે. પછી વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન વચ્ચે પ્રોસેસ થાય છે, જેના પ્રતાપે મળતો લિક્વિડ હાઈડ્રોજન અને કાર્બન મોનોક્સાઈડ છૂટા પડે છે. આ પૈકીનો લિક્વિડ હાઈડ્રોજન ઈંધણ એટલે કે વાહનોના ફ્યુઅલ તરીકે વાપરી શકાય છે. હવે આ આખી વાર્તા તમને લોયનન પેલા મીમછાપ ડાયલોગ જેવી લાગતી હશે. એટલે વિષયમાં જરા ઊંડા ઊતરીને સમજીએ.  

હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષી લેતી ટેક્નોલોજીને Direct Air Capture - DAC તરીકે ઓળખવામાં આવે છે. DAC દ્વારા ફેક્ટરીના ધુમાડામાંથી પણ CO2 શોષી શકાય છે. એ ઉપરાંત સોલાર અથવા વિન્ડ એનર્જીનો ઉપયોગ કરીને પાણી (H2O) ઉપર ઇલેક્ટ્રોલિસિસ તરીકે ઓળખાતી પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા પાણીમાંથી હાઈડ્રોજન (H2) અને ઓક્સિજન (O)ના અણુઓને છૂટા પાડે છે. તમે એક વાત નોંધી હશે કે ઇલેક્ટ્રોલિસિસ માટે સોલાર અથવા વિન્ડ એનર્જી જેવો બિનપરંપરાગત ઊર્જાસ્રોત વાપરવાની વાત કરી છે, જેથી આ પ્રોસેસ પર્યાવરણ માટે સંપૂર્ણપણે બિનહાનિકારક નીવડે. પરિણામે આ ઇલેક્ટ્રોલિસિસ દ્વારા જે હાઈડ્રોજન છૂટો પડશે, એ પણ સંપૂર્ણપણે ગ્રીન હાઈડ્રોજન (એટલે કે કાર્બન વિનાનો હાઈડ્રોજન) હશે. એટલે જ આ ફ્યુઅલને કાર્બન-ન્યુટ્રલ ફ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે.  

હવે મુખ્ય તબક્કો આવે છે. DAC દ્વારા શોષાયેલ CO2 અને ઇલેક્ટ્રોલિસિસ દ્વારા નીપજેલ કાર્બનવિહીન ગ્રીન હાઈડ્રોજન (H2) વચ્ચે ફિશર-ટ્રોપ્શ (Fischer-Tropsch) પ્રક્રિયા અથવા આધુનિક SOEC કો-ઇલેક્ટ્રોલિસિસ દ્વારા હાઈડ્રોજન લિક્વિડ મેળવવામાં આવે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ રીતે મેળવાયેલ પ્રવાહી હાઈડ્રોજન અત્યારે ઉપલબ્ધ એન્જિનોમાં ફેરફાર કર્યા વિના સીધું ફ્યુઅલ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.  

જો ખરેખર આવું શક્ય હોય, તો આ શોધ કર્યા પછી જાપાને તો એક ટીપું પેટ્રોલ બહારથી ખરીદવું ન જોઈએ. તેમ છતાં જાપાન આજેય પોતાની ઊર્જામાંગને પહોંચી વળવા બહારના દેશો પર નિર્ભર છે. આવું શા માટે?   

ENEOSનું યોકોહામા પ્લાન્ટ 2024થી કાર્યરત થયો, જે જાપાનનો પહેલો સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ છે. 2025ના ઓસાકા-કાન્સાઈ એક્સ્પોમાં આ ફ્યુઅલથી શટલ બસો અને અન્ય વાહનો ચલાવીને સફળ ટ્રાયલ લેવામાં આવી હતી, પરંતુ આ પ્લાન્ટ રોજનું માત્ર 1 બેરલ (159 લિટર) ફ્યુઅલ જ બનાવી શકે છે. આ જ વાત જાપાનના કાર્બન-ન્યુટ્રલ ફ્યુઅલની સૌથી મોટી મર્યાદા સાબિત થાય છે. જો વ્યાપારિક વપરાશ માટે મોટા પાયે ઉત્પાદન કરવું હોય તો એની કોસ્ટ બહુ વધી જાય.  

જો કિંમત ઘટે અને રિન્યુએબલ એનર્જી સસ્તી થાય તો જાપાનનું આ કાર્બન-ન્યુટ્રલ ફ્યુઅલ હવાઈ મુસાફરી અને ટ્રાન્સપોર્ટ બિઝનેસને ડિકાર્બનાઇઝ કરવામાં બહુ મોટું પ્રદાન આપશે. જાપાન આ પ્રોજેક્ટને બહુ સિરિયસલી લઇ રહ્યું છે. આ બધું હજુ પ્રારંભિક તબક્કામાં છે, પણ `હવામાંથી ફ્યુઅલ' પેદા કરવાનો વિચાર કોઈ હવાઈ તુક્કો નથી પણ વૈજ્ઞાનિક રીતે શક્ય છે, એ બાબત જ કેટલી રાહત આપનારી છે! 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો