મહાભારતના યુદ્ધ બાદ જ્યારે યુધિષ્ઠિર માનસિક મથામણમાં હતા, ત્યારે પિતામહ ભીષ્મે બાણશય્યા પરથી તેમને જે જ્ઞાન આપ્યું તે આજે પણ મોડર્ન મેનેજમેન્ટ અને લીડરશિપ માટે પાયાનું ગણાય છે.
ખાસ કરીને અધિકારનું વિભાજન એટલે કે ડેલિગેશન ઓફ ઓથોરિટી વિશેના તેમના વિચારો કોઈ પણ સંસ્થાના સંતુલિત વિકાસ માટે અનિવાર્ય છે. પિતામહ ભીષ્મ સમજાવે છે કે એક કુશળ લીડર તે નથી જે તમામ સત્તા પોતાની મુઠ્ઠીમાં રાખે છે. તેઓ તો કહે છે કે સત્તાનું કેન્દ્રીયકરણ કરવું એ નબળા અને ડરપોક લીડરની નિશાની. એટલે જ તેમના મતે સાચો લીડર એ છે જે પોતાની ટીમના સભ્યોની ક્ષમતા ઓળખીને તેમને યોગ્ય સત્તા અને જવાબદારી સોંપે છે.
એક આદર્શ મેનેજર માટે આ સૌથી મોટો ગુણ છે, કારણ કે જો બધી જ લગામ લીડર પોતાના હાથમાં રાખવા જાય તો કાર્યની ગતિ ધીમી પડી જાય છે અને સંસ્થાનો વિકાસ રૂંધાઈ જાય છે. ભીષ્મ આ વાતને ખૂબ જ ગહન રીતે સમજાવતાં કહે છે કે જ્યારે કોઈ લીડર અધિકારોનું યોગ્ય વિભાજન કરે છે, ત્યારે તે માત્ર પોતાનો કાર્યભાર હળવો નથી કરતો, પરંતુ પોતાની નીચેના સ્તરના મેનેજર્સમાં આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિનો સંચાર પણ કરે છે. તેઓ કહે છે કે જ્યારે જવાબદારીઓ વહેંચાય છે ત્યારે પરિણામો પણ શ્રેષ્ઠ આવવાનાં શરૂ થાય છે.
અલબત્ત, એનો અર્થ એ પણ નથી કે લીડરે હાલતા ને ચાલતા તેની જવાબદારીઓ બીજાને સોંપી દેવી. શાંતિપર્વમાં ભીષ્મના મતે અધિકારનું વિભાજન કરતી વખતે લીડરે ખાસ સાવચેતી પણ રાખવી જોઈએ. તેઓ કહે છે કે સત્તા એવા લોકોને જ આપવી જોઈએ, જેઓ માનસિક રીતે મક્કમ હોય અને કાર્ય પ્રત્યે વફાદાર હોય. આજના કોર્પોરેટ જગતમાં આને હાયરિંગ અને પ્લેસમેન્ટની પ્રક્રિયા તરીકે જોઈ શકાય છે. જો કોઈ લીડર ખોટી વ્યક્તિને અધિકારો સોંપે છે તો તે આખી ટીમ માટે જોખમ ઊભું કરે છે. એક અસરકારક મેનેજર એ જ છે, જે માઈક્રો મેનેજમેન્ટ કરવાને બદલે પોતાના હાથ નીચેના પ્રોફેશનલ્સને સ્વતંત્રતા આપે. આ સ્વતંત્રતા જ સર્જનાત્મકતા અને નવા આઈડિયાઝને જન્મ આપે છે. ભીષ્મ યુધિષ્ઠિરને શીખવે છે કે લીડરે હંમેશાં પોતાની ટીમના સભ્યોની મન:સ્થિતિ અને તેમની નૈતિકતાનું અવલોકન કરતા રહેવું જોઈએ, જેથી જ્યારે સત્તા સોંપવામાં આવે ત્યારે કોઈ પક્ષપાત કે ભૂલની શક્યતા ન રહે.
અધિકારના વિભાજનનું બીજું મહત્ત્વનું પાસું એ છે કે લીડરે ક્યારેય જવાબદારીથી ભાગવું ન જોઈએ. ભીષ્મ સ્પષ્ટ કરે છે કે સત્તા સોંપ્યા પછી પણ અંતિમ પરિણામ માટે તો લીડર કે મેનેજર જ જવાબદાર ગણાય છે. જો ટીમના સભ્યો કોઈ ભૂલ કરે તો લીડરે તેમની પડખે ઊભા રહીને ભૂલ સુધારવાની તક આપવી જોઈએ. આ એક એવી લીડરશિપ સ્કિલ છે જે ટીમને પ્રોત્સાહિત કરે છે. પિતામહના મતે અધિકારનું વિભાજન એ કોઈને કામ સોંપીને ભૂલી જવાની પ્રક્રિયા નથી, પરંતુ તે પ્રોગ્રેસનું સતત મોનિટરિંગ કરવાની પદ્ધતિ છે. એક સક્ષમ લીડર પોતાની ટીમને રસ્તો બતાવે છે, તેમને જરૂરી રિસોર્સીસ પૂરા પાડે છે અને પછી તેમને કામ કરવાની મોકળાશ આપે છે. આનાથી કાર્યક્ષમતામાં વધારો થાય છે અને લીડર પોતે સંસ્થાના મોટા વિઝન અને ફ્યૂચર પ્લાનિંગ પર ધ્યાન આપી શકે છે.
ભીષ્મ આગળ જણાવે છે કે જે લીડર સત્તાનું કેન્દ્રીકરણ કરે છે, એટલે કે બધું જ પોતાની પાસે રાખે છે, તે લાંબો સમય ટકી શકતો નથી. સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાથી સંસ્થાના દરેક સ્તરે જવાબદારીની ભાવના પેદા થાય છે. એક સારો મેનેજર જાણે છે કે કયું કામ પોતે કરવાનું છે અને કયું કામ ટીમને સોંપવાનું છે. આ જ મેનેજમેન્ટની સફળતાની ચાવી છે. અધિકારનું વિભાજન કરવાથી મેનેજમેન્ટમાં પારદર્શિતા આવે છે અને ભ્રષ્ટાચાર કે અનૈતિકતાની શક્યતાઓ ઘટી જાય છે, કારણ કે જવાબદારી વહેંચાયેલી હોય છે. પિતામહના મતે લીડરશિપ એ માત્ર સત્તા ભોગવવી નથી, પણ બીજાને સક્ષમ બનાવવાની પ્રક્રિયા છે. જ્યારે તમે બીજાને સત્તા આપો છો, ત્યારે તમે વાસ્તવમાં નવી લીડરશિપ તૈયાર કરી રહ્યા હોવ છો. આજના સમયમાં જે કંપનીઓ પોતાના એમ્પ્લોઈને નિર્ણય લેવાની છૂટ આપે છે અને અધિકારો સોંપે છે, તે કંપનીઓ વધુ ઝડપથી ગ્રોથ કરે છે.
ઈનશોર્ટ, ભીષ્મનો આ ઉપદેશ એક લીડર માટે બેલેન્સ શીખવે છે. તેમણે યુધિષ્ઠિરને સમજાવ્યું કે સત્તા સોંપ્યા પછી તેના પર બિનજરૂરી અંકુશ રાખવો એ વિશ્વાસના અભાવને દર્શાવે છે, જે ટીમનું મોરલ તોડી શકે છે.
લીડરશિપનો અર્થ એ છે કે તમે તમારી ટીમના સભ્યોને એવી રીતે તૈયાર કરો કે તમારી ગેરહાજરીમાં પણ કામ અટકે નહીં. અધિકારનું વિભાજન એ માત્ર મેનેજમેન્ટનું સાધન નથી, પરંતુ તે એક કળા છે જે અનુભવ અને માણસોની પરખથી આવે છે. જો કોઈ મેનેજર પિતામહ ભીષ્મની આ સલાહને અમલમાં મૂકે, તો તે માત્ર એક સારો પ્રોફેશનલ જ નહીં, પણ એક આદરણીય લીડર તરીકે પણ ઊભરી શકે છે. અધૂરામાં પૂરું સંસ્થાને આના અનેક લાભો મળે છે એ તો વધારાના.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો