ભારતના પૂર્વોત્તર રાજ્ય મિઝોરમ અને મ્યાનમાર સરહદ પર આવેલું ચામ્પાઇ (Champhai) એક અત્યંત સુંદર, શાંત અને કુદરતી સૌંદર્યથી ભરપૂર પહાડી શહેર છે. સમુદ્ર સપાટીથી આશરે 1,678 મીટરની ઊંચાઈએ આવેલું આ શહેર તેની લીલીછમ ટેકરીઓ, દ્રાક્ષના બગીચા અને ચોખાનાં ખેતરો માટે જાણીતું છે. મિઝોરમની સંસ્કૃતિ અને વેપારનું મુખ્ય કેન્દ્ર હોવાને કારણે ચામ્પાઇને `મિઝોરમનો ચોખાનો કટોરો' (Rice Bowl of Mizoram) પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે મિઝોરમના ચામ્પાઇ ફરવા આવેલા લોકો જો અહીંની દ્રાક્ષ અને ચોખાનો ટેસ્ટ કરી લે પછી એમને બીજે ક્યાંયની દ્રાક્ષ અને ચોખા સહેજેય ભાવતાં નથી. દ્રાક્ષ તો સાક્ષાત્ મધ જેવી લાગે છે.
ચામ્પાઇનો રસપ્રદ ઇતિહાસ
ચામ્પાઇનો ઇતિહાસ મિઝો જનજાતિઓના સ્થાનાંતરણ અને મ્યાનમાર સાથેના તેમના સંબંધો સાથે ગાઢ રીતે જોડાયેલો છે. પ્રાચીન સમયમાં ચામ્પાઇ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના મુખ્ય વેપારી માર્ગ તરીકે કામ કરતું હતું. 19મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન અહીં લુશાઈ (મિઝો) સરદારોનું વર્ચસ્વ હતું. બ્રિટિશરો અને સ્થાનિક સરદારો વચ્ચેની ઘણી ઐતિહાસિક લડાઈઓ અને સંધિઓ આ વિસ્તારમાં થઈ હતી. મિઝો સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવામાં ચામ્પાઇનું સ્થાનિક યોગદાન સદા અગ્રેસર રહ્યું છે.
ફરવાલાયક મુખ્ય સ્થળો
રિહ દિલ તળાવ : ચામ્પાઇ નજીક મ્યાનમાર સરહદની અંદર આવેલું આ દિલ મિઝો લોકો માટે અત્યંત પવિત્ર ગણાય છે. હૃદય આકારનું આ સુંદર તળાવ પ્રકૃતિપ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણ છે.
મુરા પુક : આ છ પ્રાચીન ગુફાઓનો સમૂહ છે. એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં સ્થાનિક ગામલોકો નરભક્ષી રાક્ષસથી બચવા માટે આ ગુફાઓમાં છુપાયા હતા. બસ એ સમયથી આ ગુફાનું અસ્તિત્વ અહીં છે.
થોસી ફાઇ : આ એક ઊંચી ટેકરી છે, જ્યાંથી આસપાસના પહાડો અને ખીણોનો પેનોરોમિક વ્યૂ જોવા મળે છે. સાહસિક ટ્રેકિંગ માટે આ સ્થળ ખૂબ જાણીતું છે. જે લોકો ટ્રેકિંગના શોખીન છે એમણે તો આ જગ્યાએ ચોક્કસ આવવું જોઇએ.
લિયાનચિહી ફાઇ : આ બે પ્રેમીઓની પ્રેમકથા સાથે જોડાયેલો એક પ્રખ્યાત ખડક છે, જે મિઝો લોકસાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ચામ્પાઇની મુખ્ય સ્પેશિયાલિટી
દ્રાક્ષની ખેતી અને વાઇન : ચામ્પાઇ તેની દ્રાક્ષની ઉત્કૃષ્ટ ખેતી માટે જાણીતું છે. અહીં બનેલી સ્થાનિક `ચામ્પાઇ વાઇન' આખા મિઝોરમમાં પ્રખ્યાત છે.
ભારત-મ્યાનમાર સરહદ વેપાર : અહીં આવેલું ઝોખાવથાર બોર્ડર ટ્રેડ પોઇન્ટ મ્યાનમાર સાથેના આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાંથી અનોખી ચાઇનીઝ અને બર્મીઝ વસ્તુઓ મળે છે.
હસ્તકળા અને કાપડ : અહીંના સ્થાનિક હાથશાળ પર વણેલાં મિઝો શોલ અને પરંપરાગત વસ્ત્રો તેમની કારીગરી માટે જાણીતાં છે. ચામ્પાઇ જવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ મહિનાનો છે.
નોંધ : ભારતીય નાગરિકોએ મિઝોરમમાં પ્રવેશવા માટે ઇનર લાઇન પરમિટ (ILP) મેળવવી ફરજિયાત છે, જે લેંગપુઇ એરપોર્ટ અથવા ઓનલાઇન મેળવી શકાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો