જ્યારે આધુનિક આર્કિટેક્ચર, હરિયાળી અને શાંતિનો અદ્ભુત સંગમ જોવો હોય, ત્યારે મનમાં એક જ શહેરનું નામ આવે ચંદીગઢ. પંજાબ અને હરિયાણા બંને રાજ્યોની સંયુક્ત રાજધાની અને કેન્દ્રશાસિત પ્રદેશ એવું આ શહેર ભારતનું પ્રથમ સુનિયોજિત શહેર છે. પ્રખ્યાત ફ્રેન્ચ આર્કિટેક્ટ `લી કોર્બુઝિયર' દ્વારા ડિઝાઇન કરાયેલું ચંદીગઢ તેના સ્વચ્છ રસ્તાઓ, સેક્ટર વાઇઝ આયોજન અને પ્રકૃતિની નિકટતા માટે વિશ્વભરમાં જાણીતું છે. જો તમે રોજબરોજની ભાગદોડથી કંટાળીને એક આહ્લાદક અને પ્રફુલ્લિત કરનારા પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ, તો ચંદીગઢ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
ચંદીગઢનાં મુખ્ય જોવાલાયક સ્થળો નેકચંદનો રોક ગાર્ડન
ચંદીગઢની ઓળખ સમાન `રોક ગાર્ડન' માણસની કલ્પનાશક્તિનું એક અદ્ભુત ઉદાહરણ છે. નેકચંદ નામના સરકારી કર્મચારીએ પોતાના ઘરના નકામા કચરા, તૂટેલી બંગડીઓ, ચિનાઈ માટીનાં વાસણો અને ટાઇલ્સમાંથી આ અદ્ભુત ગાર્ડન બનાવ્યો છે. ટ્યૂબલાઇટો અને ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટનો ઉપયોગ કરીને અહીં અદ્ભુત કલાકૃતિઓ, માનવ આકૃતિઓ અને પશુ-પંખીઓનાં શિલ્પો બનાવવામાં આવ્યાં છે. જેનો જેવો પણ એક લહાવો છે. આખા ગાર્ડનમાં ફરવું એ કોઈ કાલ્પનિક દુનિયામાં વિહરવા બરાબર છે.
સુખના લેક
શિવાલિક પહાડીઓની તળેટીમાં આવેલું સુખના લેક એ એક માનવસર્જિત તળાવ છે. સવાર-સાંજ પ્રકૃતિપ્રેમીઓ, જોગર્સ અને પ્રવાસીઓથી આ જગ્યા ધમધમતી રહે છે. અહીં તમે શાંત વાતાવરણમાં સૂર્યાસ્તનો નજારો માણી શકો છો અથવા શિકારા રાઇડિંગ અને બોટિંગની મજા લઈ શકો છો. શિયાળા દરમિયાન અહીં ઘણા પ્રવાસી પક્ષીઓ પણ મહેમાન બને છે.
ઝાકિર હુસૈન રોઝ ગાર્ડન
એશિયાનો સૌથી મોટો રોઝ ગાર્ડન સેક્ટર 16માં આવેલો છે. આશરે 30 એકર જમીનમાં ફેલાયેલા આ બગીચામાં ગુલાબની 1600થી વધુ અતિ દુર્લભ અને સુંદર પ્રજાતિઓ જોવા મળે છે. જ્યારે આ ગુલાબો ખીલે છે ત્યારે આખો બગીચો રંગબેરંગી ચાદર જેવો લાગે છે. ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં અહીં પ્રખ્યાત `રોઝ ફેસ્ટિવલ' પણ યોજાય છે.
કેપિટોલ કોમ્પ્લેક્સ અને ઓપન હેન્ડ મોન્યુમેન્ટ
આર્કિટેક્ચરમાં રસ ધરાવતા લોકો માટે આ યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઇટ એક તીર્થસ્થાન સમાન છે. અહીં ચંદીગઢનું પ્રતીક એવું 85 ફૂટ ઊંચું `ઓપન હેન્ડ મોન્યુમેન્ટ' (ખુલ્લો હાથ) આવેલું છે, જે `આપવા અને લેવા માટે મુક્ત' એટલે કે શાંતિ અને પ્રગતિનો સંદેશ આપે છે.
સેક્ટર-17 માર્કેટ અને ઇલાન્તે મોલ
જો તમે શોપિંગના શોખીન હોવ, તો ચંદીગઢનું સેક્ટર-17 માર્કેટ પરંપરાગત ખરીદી અને સ્વાદિષ્ટ પંજાબી ફૂડ માટે બેસ્ટ છે. વળી, જો તમારે બ્રાન્ડેડ આધુનિક શોપિંગ જોઈતી હોય, તો પંજાબનો સૌથી મોટો મોલ `ઇલાન્તે મોલ' પણ અચૂક મુલાકાત લેવા જેવો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો