આપણા દેશમાં સર્વત્ર થતાં કેળાંના અનેક ઔષધીય પ્રયોગો આયુર્વેદના ગ્રંથોમાં આપવામાં આવ્યા છે, પરંતુ અહીં વિસ્તાર ભયથી એ બધાનું નિરૂપણ શક્ય ન હોવાથી માત્ર કેળાના ગુણધર્મો અને તેના બે-ચાર પ્રયોગોનું નિરૂપણ આ લઘુ લેખમાં કરીશ.  

કેળાંમાં કાર્બોહાઈડ્રેટ પ્રચુર માત્રામાં લગભગ 25 ટકા જેટલા રહેલા હોય છે. જે શક્તિ-પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય તેમાં સોડિયમ, પોટેશિયમ, લોહ, તામ્ર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ફોસ્ફરસ જેવા ક્ષારીય અને ખનિજ તત્ત્વો પણ રહેલાં હોય છે. તેમાં રહેલ લોહતત્ત્વ અને તામ્રતત્ત્વથી લોહીની વૃદ્ધિ થાય છે.   

આયુર્વેદીય મતે કેળાં પચવામાં ભારે, સ્નિગ્ધ, મધુર, ગ્રાહી, મેધ્ય, રોચક અને કફકારક છે. તે કફકારક હોવાથી વરાધવાળાં બાળકોએ અને દમ, શ્વાસ, શરદી-સળેખમ અને ઉધરસ વગેરે કફજન્ય રોગોવાળા દર્દીઓએ તેનો ઉપયોગ કરવો નહીં.   

પ્રયોગો  

(1) બંગાળમાં ખૂબ જ પ્રચલિત કેળાંના એક પ્રયોગનું નિરૂપણ કરું છું. સંગ્રહણી, અતિસાર કે જૂના મરડાનો હુમલો થાય ત્યારે સૌથી પહેલાં બે પાકાં કેળાં, તેનાથી ચોથા ભાગની બીજ વગરની જૂની આમલી અને એટલો જ ગોળ મિશ્ર કરી, તેના ત્રણ ભાગ કરી દર અડધા કલાકે આપવામાં આવે તો સારું પરિણામ મળે છે.  

(2) લીલાં એટલે કે કાચાં કેળાંને સારી રીતે બાફી લેવાં. પછી તેમાં થોડું દહીં અને સાકર નાખીને લેવામાં આવે તો સંગ્રહણી અને વારંવાર થતાં ઝાડામાં ખૂબ જ રાહત મળે છે.  

(3) આપણે ત્યાં 70% સ્ત્રીઓને શ્વેતસ્રાવ એટલે કે સફેદ પાણી પડવાની તકલીફ હોય છે. તેમણે આ પ્રયોગ ડાયરીમાં નોંધી લેવા જેવો છે.   

કમળકાકડીના મીંજ 100 ગ્રામ, સફેદ મુસળી 100 ગ્રામ, અશ્વગંધા 75 ગ્રામ, શતાવરી 75 ગ્રામ, ચોપચીની 25 ગ્રામ અને એલચી 20 ગ્રામ. આ છએ ઔષધોને ખૂબ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી કાચની એક સ્વચ્છ બાટલીમાં ભરી લેવું.  

એક પાકું કેળું છાલ સાથે ચીરી, તેમાં એકથી દોઢ ચમચી આ ચૂર્ણ ભરી દેવું. જો આટલું ચૂર્ણ એક કેળામાં ન આવે તો બે કેળાંમાં ભરવું. કેળાંમાં ઔષધ ભર્યા પછી બે કલાક પછી તેની છાલ કાઢી નાખી સવારે નરણા કોઠે અને રાત્રે સૂતી વખતે તેને ખૂબ ચાવીને ખાવામાં આવે તો એકાદ મહિનામાં આ શ્વેતસ્રાવની તકલીફ મટે છે.  

શ્વેતસ્રાવની તકલીફવાળી સ્ત્રીઓને કબજિયાત રહેતી હોય છે. આવી સ્ત્રીઓએ રાત્રે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, હિમેજ, હરડે કે ત્રિફળા ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું લેવું અને સવારે મળ પ્રવૃત્તિ થયા પછી આ પ્રયોગ કરવો.  

(4) ઘણાં બાળકોને માટી ખાવાની ટેવ પડી જાય છે. આવાં બાળકોને જો અડધા કેળામાં ચીરો કરી તેમાં ચણાના એક દાણા જેટલી લોહભસ્મ અને શંખભસ્મ મિશ્ર કરી એકાદ કલાક પછી આ કેળું ખાવા આપવું. 15થી 25 દિવસ આ પ્રયોગ કરવાથી બાળક માટી ખાવાનું ભૂલી જશે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો