હવે ફ્લૂની તપાસ કરવા માટે જે તે દર્દીને માત્ર ચ્યુઇંગ ગમ જ ખાવાની રહેશે! જર્મન વૈજ્ઞાનિકોએ ફ્લૂને ઓળખવા માટે નવી પદ્ધતિ વિકસાવી છે, જે ટેસ્ટ(ચ્યુંઇગ ગમ) ખાવા યોગ્ય રહેશે. આ ચ્યુંઇગ ગમ મોઢામાં નાખ્યા બાદ ઝડપથી પરિણામ મળી શકે છે. જે કોઇ પણ વ્યક્તિ કે દર્દી આ ચ્યુંઇગ ગમને જ્યારે મોઢામાં રાખશે ત્યારે તેમાં ઉપલબ્ધ કેમિકલ સેન્સર વાઇરસની જાણકારી આપી દેશે. એટલે કે જો ફ્લૂ વાઇરસ શરીરમાં હશે તો એક અલગ સ્વાદ આવશે અને જો વાઇરસ નહીં હોય તો કોઇ પણ પ્રકારનો સ્વાદ આવશે નહીં. વૈજ્ઞાનિકોએ જે મોલિક્યૂલ (ચ્યુંઇગ ગમ) બનાવી છે તે માત્ર ફ્લૂ વાઇરસના એન્જાઇમ ન્યૂરામિનિડેઝ પર પ્રતિક્રિયા આપે છે. વાઇરસની હાજરીમાં તે પ્રતિક્રિયા સ્વરૂપે થાઇમોલ નામના ફ્લેવર કમ્પાઉન્ડને રિલીઝ કરશે, જેથી તેનો સ્વાદ મોઢામાં તરત જ અનુભવાશે અને અગાઉ જણાવ્યું તેમ જો શરીરમાં વાઇરસ નહીં હોય તો કોઇ જ ફ્લેવર ઉત્પન્ન નહીં કરે. નોંધનીય છે કે, હજી આ શોધ પ્રથમ તબક્કામાં છે અને તેમાં હજી ક્લિનિકલ ટ્રાયલની પણ વધુ જરૂર છે.

ચેતી જજો, માઇક્રોપ્લાસ્ટિક ફૂડમાંય જોવા મળે છે

રોજબરોજની જિંદગીમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, પરંતુ હવે આ જ પ્લાસ્ટિક જે માઇક્રોપ્લાસ્ટિક બનીને આપણા ખાદ્યપદાર્થોમાં પણ જોવા મળે છે, જે ગંભીર બાબત છે. ફૂડ પેકેજિંગ ફોરમ સાથે સંકળાયેલા જિમરમેને સ્વિટ્ઝર્લેન્ડના Eawag અને નોર્વેજિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ તાજેતરમાં જે રિસર્ચ કર્યું છે તેમાંથી ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમના જણાવ્યા પ્રમાણે આપણી રોજિંદી પ્લાસ્ટિક પેકેજિંગ અને રસોડામાં વપરાતા પ્લાસ્ટિકનાં સાધનોના ઉપયોગથી નાના-નાના પ્લાસ્ટિકના કણ આપણી ખાણી-પીણીની વસ્તુઓમાં જોવા મળી શકે છે. આ કણ માઇક્રોપ્લાસ્ટિક (1-1000 માઇક્રોમીટર) અને નેનોપ્લાસ્ટિક (1 માઇક્રોમીટરથી નાના) કહેવાય છે. આ કણો ખાણી-પીણીની પેકેજિંગની વસ્તુઓ ખોલતી વખતે, બોટલ કેપ ખોલ-બંધ કરતી વખતે, કોઇ રેપર કાપતી વખતે આપણા શરીરમાં સરળતાથી પહોંચી જાય છે. વધુમાં ભીષણ ગરમી અને લાંબા સમયનું સ્ટોરેજ પણ માઇક્રોપ્લાસ્ટિક્સને વધારી દે છે. ચા માટેની પોલિમર ટી બેગ્સ એક કપમાં 11.6 અરબ માઇક્રોપ્લાસ્ટિક અને 3.1 અરબ નેનોપ્લાસ્ટિક કણ છોડતા હોય છે.

ઓક્સિજન સિલિન્ડર વગર એવરેસ્ટ સર થાય?

મોટાભાગના પર્વતારોહકોનું સપનું માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું હોય છે. જેમાંથી કેટલાક લોકો સફળ થાય છે તો કેટલાક અડધેથી જ પરત ફરી જાય છે. નોંધનીય છે કે, માઉન્ટ એવરેસ્ટ પર આવેલા `ડેથ ઝોન'માં ઓક્સિજન સિલિન્ડર વગર પર્વતારોહણ કરવું કપરું સાબિત થાય છે, પરંતુ 37 વર્ષીય આન્દ્રેજ બાર્ગીએલે ઓક્સિજન સિલિન્ડર વગર એવરેસ્ટની ઊંચાઇ સર કરીને સ્કિંગ(skiing) કરીને પરત ફરીને એક નવો જ વિશ્વ વિક્રમ સ્થાપિત કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, માઉન્ટ એવરેસ્ટની ચોટી સુધી અત્યાર સુધી અંદાજિત 6,000 લોકો જ પહોંચી શક્યા છે અને આ આંકડાઓમાંથી માત્ર 200 જણ જ વગર ઓક્સિજન સિલિન્ડર વગર માઉન્ટ એવરેસ્ટ સર કરી શક્યા છે. જોકે, આ બધામાં પરત ફરતી વખતે કોઇએ પણ સ્કીનો ઉપયોગ કર્યો ન હતો! પરંતુ આન્દ્રેજે માઉન્ટ એવરેસ્ટ સર કરી પરત ફરવા માટે સ્કીનો સફળ ઉપયોગ કર્યો અને ઈતિહાસ સર્જ્યો! મૂળ એવરેસ્ટ સર કરતાં 8,000 મીટર પર પહોંચતાં એક `ડેથ ઝોન' આવે છે, જ્યાં શ્વાસ લેવો દુષ્કર બની જાય છે અને અહીં જ મોટાભાગના પર્વતારોહકોના હાંજા ગગડી જાય છે, પરંતુ આન્દ્રેજે સંયમ અને સતર્કતા વાપરીને એવરેસ્ટ સર કર્યું અને નીચે પણ ઊતર્યા.