બાળપણ એ એવો સમય છે જ્યારે આપણે જાતજાતનું બનવાનાં સપનાં જોતા હોઈએ છીએ. રોજ સપનામાં નવું નવું બનવાનું. ક્યારેક પાઇલટ, ડૉક્ટર, પોલીસ, એસ્ટ્રોનોટ, ટીચર, ક્રિકેટર, બિઝનેસમેન કંઇ પણ. પછી મોટા થઈએ ત્યારે ભોન પડે છે કે ભૈ, આ બધામાં તો આપણો પનો ટૂંકો પડે છે. અને પછી કંઈક ભળતુંસળતું જ બનીને આંટાફેરા કરવા માંડીએ છીએ.

બાળપણમાં લાગતું કે મોટા થઈશું એટલે માલદાર બની જઈશું, રૂપિયાની રેલમછેલ હશે. પછી મોટા થઈએ ત્યારે લોનના હપ્તા ચૂકવવામાં રૂપિયાની તાણ પડવા માંડે છે. મારી પાસે ખૂબ પૈસા હશે અને હું જે ગમશે એ ખરીદી લઈશ એવાં ખ્વાબ જોનારા ડિસ્કાઉન્ટ, સેલ, બાય વન ગેટ વન એવી બધી ઓફરો શોધતા હોય છે.

બાળપણમાં જ્યારે સ્કૂલબેગ એ દુનિયાની સૌથી ભારે વસ્તુ લાગતી હતી. સૌથી મોટો ભાર લાગતો. મોટા થઈએ ત્યારે સમજાય છે કે સ્કૂલબેગ તો સાવ હલકી હતી. એના કરતાં માથા પર આવી પડેલી જવાબદારીઓ અનેકગણી વધારે વજનદાર હોય છે. જેનું વજન તો વેઈંગસ્કેલ પર નહીં, પણ સ્ટ્રેસમાં મપાય છે.

બાળપણમાં પોલીસને જોઈ આપણેને હીરો યાદ આવતો. આજે પોલીસ દેખાય કે તરત જ સીટબેલ્ટ, હેલ્મેટ, લાઇસન્સ, પીયુસી એવું બધું યાદ આવે છે. જો ન હોય તો આપણને પોલીસમાં હીરોના બદલે વિલન દેખાય છે.

બાળપણમાં ડૉક્ટર બનવાનું સપનું આવતું. પછી મોટા થઈએ, બારમામાં બે માર્કશીટ થાય, એટલે કોમર્સ કે આર્ટ્સ લઈ ગ્રેજ્યુએટ થઈ જઈએ. પછી અત્યારે ગૂગલ પર દવાઓ વિશે વાંચી, કોઈને દવા સજેસ્ટ કરી ગૂગલિયા ડૉક્ટર બની ગયાનો આનંદ મેળવીએ.

સ્કૂલમાં ભણાવતા શિક્ષકને જોઈ બાળપણમાં ટીચર બનવાનાં સપનાં આવતાં. મોટા થઈને ખ્યાલ આવે છે કે ટીચર બનવું કેટલું માથાકુટિયું કામ છે. ટીચરોને ભણાવવાની જગ્યાએ એમને તો તીડ ભગાડવા, કૂતરાં ગણવાં, પાનના ગલ્લા હટાવવા, ચૂંટણીની કામગીરી કરવી એવાં બધાં કામો કરવાં પડે છે. સ્કૂલના હોમવર્ક કરતાં પત્નીએ હોમમાં સોંપેલું વર્ક કેટલું અઘરું છે એ મોટા થઈએ ત્યારે જાત અનુભવે જ સમજાય છે. ઘણા બાળપણમાં પાઇલટ, એસ્ટ્રોનોટ બનાવનાં સપનાં જોતા હોય છે. હવામાં, આકાશમાં, અંતરીક્ષમાં ઊડવાની વાતો કરતા હોય છે. પછી મોટા થઈને એ જ લોકો એસટીમાં હડદોલાં ખાતા કે છકડામાં સાકડમુકડ બેઠેલા નજરે પડે છે.

ઘણાં બાળકોને ટીવી પર રમતા ખેલાડીઓને રમતા જોઈ ક્રિકેટર બનવાનાં સપનાં પણ આવતાં હોય છે. પછી ગલીમાં ક્રિકેટ રમી, કોકના ઘરના કાચ ફોડી, બબાલો કરી મોટા થાય ત્યારે ખ્યાલ આવે કે ક્રિકેટરોને પોતાને જ ક્રિકેટર બની રહેવું કેટલું અઘરું છે. પછી મોટી ઉંમરે ટેણિયાંઓ સાથે રબરના, પ્લાસ્ટિકના બોલથી ક્રિકેટ રમી અભરખા પૂરા કરતા હોય છે.

મમ્મી, પપ્પાની વઢ ખાતા બાળકનું સપનું હોય છે કે મોટો થઈ હું મને ગમશે એ કરીશ, મારી મરજીથી જીવીશ, કોઈનું કશું જ નહીં સાંભળું, એ જ બાળક મોટું થાય, સમાજમાં બહાર પડે એટલે એને પોતાના દિલના અવાજ સિવાય બધાનું સાંભળવું પડે છે. ઘરમાં પતિ/પત્ની બાળકોનું, વડીલોનું કહ્યું કરવું પડે છે. ઓફિસમાં બૉસનો પડ્યો બોલ ઝીલવો પડે છે. એની મન કી બાત મનમાં જ રહી જતી હોય છે.

નાના હોઈએ ત્યારે વિચારતા હોઈએ છીએ કે મોટા થઈશું ત્યારે દોસ્તો સાથે મજા કરીશું, જલસા કરીશું, પણ મોટા થઈએ પછી બધા પોતપોતાના કામમાં એવા જોતરાઇ જાય છે કે કોઈ એકબીજાને મળી જ શકતાં નથી. ક્યારેક વોટ્સએપ ગ્રૂપ બનાવી મેસેજો કર્યા કરીએ છીએ. મળીને મોજ કરવાનું સપનું તો બાષ્પીભવન જ થઈ જતું હોય છે. નાનપણમાં આપણે આપણાં સપનાં સાથે મસ્તીથી પોતાના માટે જીવતા હોઈએ છીએ, જ્યારે મોટા થઈ આપણે બીજાનાં સપનાં માટે જીવવું પડે છે. મજાની વાત એ છે કે આપણા બાળપણનાં સપનાં ભલે સાચાં ન પડ્યાં હોય, પણ એની યાદો તો આજે પણ હસાવે છે. ત્યારે કારણ વગર હસતા હતા, આજે કારણ શોધીને હસવું પડે છે. જીવનમાં સપનાં બદલાયાં છે, રિયાલિટી બદલાઈ છે, પણ કૉમેડી તો હજુ ચાલુ જ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો