છોટે બચ્ચે જાનકે હમકો ના સમઝાના રે'' કે "બચ્ચે મન કે સચ્ચે'' જેવાં ગીતો બાળકની સચ્ચાઈ અને હોશિયારીને વ્યક્ત કરે છે. બાળક એટલે નિર્દોષતા અને વ્હાલનું પ્રતીક.

એનું હાસ્ય, એની ચાલાકી કે બદમાશી અને કૌતુક આપણને પરાણે વહાલાં લાગે છે, પરંતુ બાળકના એ ગુણોને આપણે અપનાવી શકતા નથી. બાળકો નિર્દોષ હોય છે, પણ ભોટ નથી હોતાં. તેઓ બોલતાં ન હોય, પણ સમજતાં હોય છે. માનવીય ગુણો લગભગ દરેક બાળકમાં જોવા મળે છે. બાળકમાં એવી અનેક બાબતો છે કે જે આપણે એમની પાસે શીખવી જોઈએ. બાળકની માસૂમિયત તાજગી અને ઉત્સાહ આપણને નવી દૃષ્ટિથી જીવવાની પ્રેરણા આપે છે.

બાળકો ઇમાનદારીમાં વડીલોના ગુરુ બની શકે. બાળકો પોતાની ભાવનાઓને ઇમાનદારીથી વ્યક્ત કરે છે. અગર તેઓ ખુશ છે તો એમનું હાસ્ય ગુંજે છે અને દુઃખી છે તો એમની આંખ વ્યક્ત કરે છે. તેઓ એક ચહેરા પર અનેક ચહેરા નથી લગાવતાં. એમની આ ઇમાનદારી આપણને શીખવે છે કે ભાવનાઓ ને ખૂબીને વ્યક્ત કરો. માતા-પિતા હંમેશાં પોતાની ભાવનાઓને છુપાવે છે. જે એમની મેન્ટલ હેલ્થને અસર કરે છે. બાળકો આપણને ઇમોશન્સને સમજતા અને સ્વીકારતા શીખવે છે. તેઓ જે કંઇ બોલે છે એ પણ કોઈ પણ જાતના ફિલ્ટર વગર બોલે છે.

એક ઉંમર થતાં વડીલો જીવનમાંથી કૌતુક અને જિજ્ઞાસા ગુમાવી દે છે. જ્યારે બાળકોની સૌથી મોટી ખાસિયત છે એમની જિજ્ઞાસા. તેઓ દરેક ચીજવસ્તુ અને સવાલ પૂછે છે, જ્યાં સુધી એમને સંતોષજનક ઉત્તર ન મળે ત્યાં સુધી તેઓ જંપતા નથી. તેઓ આસપાસની દુનિયાને હંમેશાં નવી દૃષ્ટિથી જુએ છે. જ્યારે આપણે મોટાઓ વસ્તુને એના એ જ જૂના સ્વરૂપે જોઈએ છીએ. એમાંથી કોઇ નવો અર્થ શોધવાની તસદી લેતા નથી. બાળકો આપણને યાદ અપાવે છે કે દરેક દિવસ કંઇ નવું શોધવા અને જાણવા માટેનો અવસર હોય છે, જે જીવનને ઉત્સાહ અને તાજગીસભર બનાવે છે.

બાળક પડે છે, પરંતુ દરેક વખતે તરત જ ઊભા થઇને ફરી દોડવા માંડે છે. રડતાં-રડતાં પણ એમનું લક્ષ્ય તો ઊભા થઇને દોડવાનું હોય છે. ચાહે તેઓ સાઇકલ ચલાવતાં પડે કે રમતાં-રમતાં પડે. તેઓ નિષ્ફળતાથી ડરતાં નથી. મતલબ કે જીવનમાં નિષ્ફળતા અને સંકટ આવવાનાં જ છે, પણ હાર માનવાને બદલે બમણા ઉત્સાહથી આગળ વધવાનો પ્રયાસ માતા-પિતા હંમેશાં જોખમ લઈને કરે છે. બાળકો પાસેથી પ્રેરણા લઇને પેરન્ટ્સ પોતાના ડરને અલવિદા કરી શકે. બીજું, બાળકો વર્તમાનમાં જીવવા ઇચ્છે છે. તેમને ભૂતકાળની વાતોની પડી નથી હોતી. તેઓ ક્ષણવારમાં સઘળું ભૂલીને હસી શકે છે, એટલું જ નહીં ભવિષ્યમાં શું થશે એ વિશે પણ તેઓ વિચારે છે. એમનું ધ્યાન વર્તમાન પર પણ હોય છે. તેઓ રમતાં હોય, હસતાં હોય કે અન્ય પ્રવૃત્તિ કરતાં હોય, પણ તેઓ એમાં એકલીન બની જશે. જ્યારે વડીલો હંમેશાં વીતેલા સમયનું પિષ્ટપેષણ કરવામાંથી ઊંચા નથી આવતા અને વર્તમાનને સુધારવાને બદલે ભવિષ્યના સપનાના મહેલ ચણતા રહે છે. વર્તમાનમાં જીવવાના તણાવમાંથી મુક્તિ મળે છે અને વર્તમાનને વધુ સમૃદ્ધ બનાવી શકાય છે. બાળક ભૂલવામાં માને છે. પેરેન્ટ્સને યાદોને વાગોળવી વધારે ગમે છે, તેથી તેઓએ વધારે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વળી, બાળક નાની-નાની ખુશીઓને યાદ રાખે છે. તેઓને ભૂખ લાગે તો એકાદ ભાવતી વસ્તુ મળે તો ચાલી જાય. દોસ્તો સાથે રમવું, વાતો કરવી, કોઇની મજાક કરવી, નાની ઘટના પર હસવું કે ચોકલેટ-આઈસક્રીમ મેળવવા આ બધું એમને અઢળક આનંદ આપે છે.

એમને ગમતાં કપડાં મળે તો બસ. બ્રાન્ડ કે કિંમત સાથે એમને કોઇ લેવાદેવા નથી હોતી. એ જ રીતે નાના-મોટા, ગરીબ-પૈસાદાર કે રૂપાળા-સામાન્ય એવા કોઇ ભેદભાવ એમના મનમાં હોતા નથી. જ્યાં મન મળે, પ્રેમ મળે ત્યાં તેઓ ખુશ રહે છે. માણસની હિસ્ટ્રી જિઓગ્રાફી જોઈને તેઓ કોઈથી જોડાતાં નથી અને જજ પણ નથી કરતાં. બાળકો કોઇની સાથે શરતી પ્યાર નથી કરતાં. એમને તો કોઇ ગમે તો તેઓ દિલ આપી દે છે. એમનામાં સ્વાર્થ પણ નહિવત્ જોવા મળશે. બાળક સ્વભાવથી મસ્તીખોર હોવા છતાં કોઇનું દિલ તૂટે એ રીતનું વર્તન નહીં કરે. તેઓ અન્યના ગુસ્સાને પણ ભૂલી અને માફ કરી શકે છે. તેઓ કોઇ આવરણ વિના સહુને સ્વીકારે છે. બાળક આપણને શીખવે છે કે ભૂલી જવું, માફ કરવું અને સામી વ્યક્તિને જેવી છે તેવી સ્વીકારવી એ જીવનના શક્તિશાળી વ્યવહાર છે. પેરેન્ટ્સ નાની-નાની બાબતોમાં અકળાઈ જાય છે. ઝડપ અને તાત્કાલિક પરિણામ એ પેરેન્ટ્સની નબળાઈ છે, જ્યારે બાળકમાં ધીરજ હોય છે. તેઓ એમનું કામ પૂરું ન થાય ત્યાં સુધી એની પાછળ મંડ્યાં રહેશે. બાળક માતા-પિતાને પ્રતીક્ષા કરતા શીખવે છે અને પોતાની ઇચ્છા મુજબ કામકાજ ન થાય તો શાંત કઇ રીતે રહેવું એ બાળકનો ગુણ છે.

બાળક હંમેશાં બીજાની ભાવનાઓ પ્રતિ સંવેદનશીલ હોય છે. ખાસ કરીને જ્યારે તેઓ કોઇને દુઃખી કે પરેશાન જુએ છે ત્યારે પોતાની નિર્દોષતાને કારણે બીજા માટે સહાનુભૂતિ અને કરુણા વ્યક્ત કરે છે. તેઓ માતા-પિતાને શીખવે છે કે કઇ રીતે બીજા માટે દયાળુ અને કરુણાવાન બની શકાય. મોટાઓ પોતાની દુનિયામાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓને બીજાનાં દુઃખ દેખાતાં જ નથી.

અને છેલ્લે, બાળકની રચનાત્મકતા અને કલ્પનાશક્તિ તરફ આપણે મીટ માંડવી જોઇએ. કાગળના ખોખાથી લઇને તકિયાની કેવા અલગ-અલગ રૂપમાં કલ્પના કરીને રમે છે. તૂટેલી વસ્તુમાંથી નવું બનાવે છે. દરેક બાળક બીજા કરતાં કંઇ અલગ અને નવા દૃષ્ટિકોણથી વિચારે છે. એમની તાજગી, ઉત્સાહ, ધીરજ, ઇમાનદારી અને ખંત પેરેન્ટ્સને ખુદનું મૂલ્યાંકન કરવાની તક આપે છે.