હોર્મુઝે આપણને બરાબર હેરાન કર્યા, કારણ કે આપણને જોઈતી એનર્જીનો સૌથી મોટો સોર્સ મિડલ-ઈસ્ટમાંથી આવે છે. ઈરાને હોર્મુઝના દરિયાઈ માર્ગની નાકાબંધી કરી એમાં ભારત સુધી આવતો ક્રૂડ અને ગેસનો જથ્થો અટકી પડ્યો. એનાં પરિણામો આપણે બધાએ તંગી અને ભાવવધારા 

સ્વરૂપે ભોગવ્યાં. હવે જરા વિચાર કરો કે એનર્જી સપ્લાયને બ્લોક કરી દેવામાં આવ્યો એટલા માત્રથી જો આપણું અર્થતંત્ર હલી જતું હોય, તો દુનિયાનો સૌથી મહત્ત્વનો સપ્લાય અટકી પડવાથી તો કદાચ અધમૂઆ જ થઇ જઈએ, ખરુંને!  

અહીં પ્રશ્ન એ છે કે એનર્જી એટલે કે ક્રૂડ ઓઈલ અને ગેસથી પણ વધુ મહત્ત્વનો પુરવઠો કયો? સાંપ્રત સમયમાં એક એવી ચીજ આપણી જીવાદોરી બની ચૂકી છે, જેના વિના રોજીંદો કારભાર ચલાવવો લગભગ અશક્ય થઇ પડ્યો છે. એક એવી સેવા છે, જેનો સપ્લાય અટકી પડે તો સરકારી તંત્ર, મોટી મોટી કોર્પોરેટ જાયન્ટ્સ, શિક્ષણ સંસ્થાનો, બેન્કિંગ સેક્ટર્સ વગેરેથી માંડીને આપણી ડિફેન્સ સિસ્ટમ સુધીનું એકેએક ક્ષેત્ર ઠપ્પ થઇ જાય. આ સેવા એટલે ઈન્ટરનેટ. આજની તારીખે ઈન્ટરનેટ વિનાના જીવનની કલ્પના પણ થઇ શકે એમ નથી.  

સવાલ એ છે કે ઈન્ટરનેટ સપ્લાયને અટકાવે કોણ? જવાબ બહુ સીધોસાદો છે. જે રીતે એક યુદ્ધને કારણે ક્રૂડ-ગેસનો સપ્લાય અટકી પડ્યો, એ રીતે કોઈક અવળચંડો દેશ આપણો ઈન્ટરનેટ સપ્લાય પણ કાપી શકે છે. નસીબજોગે આપણી પાસે એવા બે અવળચંડા પડોશી દેશો છે. વિગતે સમજીએ.  

વિશ્વનું 95થી 99 ટકા આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ ટ્રાફિક સબમરીન ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ પર આધારિત છે. આ કેબલ્સ દરિયાના તળિયે હજારો કિલોમીટર લાંબા અંતરમાં ફેલાયેલા છે. વિશાળ જળરાશિના તળિયે બિછાવાયેલું આ અન્ડર વોટર નેટવર્ક દુનિયાભરના દેશોના અર્થતંત્ર અને સંરક્ષણથી માંડીને સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનની ધોરી નસ સમાન છે. હવે જરા કલ્પના કરો કે સમુદ્રના તળિયે પહોંચીને કોઈ આ કેબલ નેટવર્કને જ કાપી નાખે, તો શું થાય? ઈન્ટરનેટ સપ્લાય બંધ થતાંની સાથે દેશનાં તમામ મહત્ત્વનાં સંસ્થાનો, કોર્પોરેટ્સથી માંડીને આપણા વ્યક્તિગત સંદેશાવ્યવહાર અટકી પડે. થોડા કલાકોમાં તો આખા દેશમાં અરાજકતા ફેલાઈ શકે. પણ આવું કરે કોણ? દરિયાની ઊંડાઈ બહુ છેતરામણી અને દુર્ગમ ગણાય. એવા વિસ્તારમાં જાનના જોખમે ડૂબકી લગાવીને ફાઈબર-ઓપ્ટિક કેબલ્સ કાપવા કઈ રીતે?  

2025માં ચીને જાહેર કર્યું કે તેણે એવું કોમ્પેક્ટ ડીપ સી કેબલ કટિંગ ડિવાઇસ વિકસાવ્યું છે, જે 4000 મીટર સુધીની ઊંડાઈમાં આર્મર્ડ કેબલ્સ કાપી શકે. ચીન પાસે Haiyang Dizhi 2 (હાઈયાંગ ડિઝી 2) નામનું અદ્યતન સમુદ્ર સંશોધક જહાજ છે. ચીનના દાવા મુજબ આ જહાજે 2026ના એપ્રિલ મહિના દરમિયાન 3500 મીટરની ઊંડાઈએ જઈને ડીપ સી કેબલ કટિંગ ડિવાઇસનું સફળ પરીક્ષણ કરી લીધું છે.  

ચીનનું ડીપ સી કેબલ કટર મશીન પાણીની સપાટી નીચે આશરે 3,500 મીટર ઊંડે સુધી પહોંચીને કાર્ય કરી શકે છે. આટલી ઊંડાઈએ પાણીનું દબાણ 400 એટમોસ્ફિયર જેટલું ઊંચું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આટલી ઊંડાઈએ પહોંચેલા ઓબ્જેક્ટની બોડી ઉપર પ્રતિ ચોરસ મીટર એકતાળીસ લાખ કિલોગ્રામ જેટલું જબરદસ્ત વજન લાગે છે, પરંતુ ચીને પોતાનું ડીપ સી કેબલ કટર મશીન ટાઇટેનિયમ એલોયમાંથી બનાવ્યું છે, જે ભારે દબાણ સામે રક્ષણ આપે છે.  

ડીપ સી કેબલ કટર માટે બીજી ચેલેન્જ દરિયાના તળિયે પથરાયેલા મજબૂત કેબલ્સને કાપવાની છે. પ્રકાશની ઝડપે ઈન્ટરનેટ ડેટાનું વહન કરતા ફાઇબર-ઓપ્ટિક કેબલ અત્યંત પાતળા કાચના રેસાઓ જેવા હોય છે, પરંતુ મજબૂતી માટે આ વાયર્સને સ્ટીલના કોટિંગ, વોટરપ્રૂફ જેકેટ અને આર્મર્ડ લેયર્સના કવચમાં રાખવામાં આવે છે. સ્વાભાવિક છે કે આવું કવચ કાપવાનું બહુ મુશ્કેલ હોય. બિચારી પરંપરાગત કટિંગ બ્લેડ્સ તો આવા કવચ સામે ભાંગીને ભુક્કો થઇ જાય, પણ ચીનના ડીપ સી કેબલ કટર મશીનમાં 150 મિમી(લગભગ 6 ઇંચ)નું ડાયમંડ-કોટેડ ગ્રાઇન્ડિંગ વ્હીલ હોય છે, જે 1600 આરપીએમની ઝડપે ફરે છે અને સ્ટીલ, રબર અને પોલિમરની આર્મરવાળા 60 મિમી સુધીના કેબલ્સને કાપી શકે છે.  

ભારતની વાત કરીએ તો લગભગ 17-19 આંતરરાષ્ટ્રીય સબમરીન કેબલ સિસ્ટમ્સ આપણને ઈન્ટરનેટ પૂરું પાડે છે. દરિયાઈ માર્ગે આવતા ફાઈબર ઓપ્ટિક કેબલ્સ 14 જેટલા કેબલ લેન્ડિંગ સ્ટેશન્સ (CLS) પર ઊતરે છે. 

આ સ્ટેશન્સ મુખ્યત્વે પાંચ તટીય શહેરો - મુંબઈ, ચેન્નાઈ, કોચી, તુતિકોરિન અને ત્રિવેન્દ્રમમાં આવેલાં છે. મુંબઈ શહેર પશ્ચિમી માર્ગ (યુરોપ, મિડલ ઈસ્ટ તરફ)નું મુખ્ય હબ છે અને મોટાભાગના આંતરરાષ્ટ્રીય બેન્ડવિડ્થનું પ્રવેશદ્વાર છે. ચેન્નાઈ પૂર્વીય માર્ગ (સિંગાપોર અને એશિયા-પેસિફિક તરફ) માટે મહત્ત્વનું છે. આ કેબલ્સ ભારતને યુરોપ, મિડલ ઈસ્ટ, દક્ષિણ-પૂર્વ એશિયા અને અન્ય વિસ્તારો સાથે જોડે છે.  

ચીનનું ડીપ સી કટર માત્ર ભારત માટે જ નહિ, પણ અમેરિકા અને યુરોપ માટે પણ ખતરો પેદા કરી રહ્યું છે. ચીન ધારે તો જાપાન અને તાઈવાન સાથે અમેરિકાનો સંપર્ક કાપી શકે છે. એ કામ અઘરું છે, પણ અશક્ય તો નથી જ. ટૂંકમાં, ચીન વિજ્ઞાન અને ટેક્નોલોજીના સહારે એક પોતાની `ન્યુસન્સ વેલ્યૂ' ઊભી કરી રહ્યું છે. આશા રાખીએ કે ભારત નજીકના ભવિષ્યમાં ચીની ન્યુસન્સનો કોઈક ટેક્નોલોજિકલ તોડ શોધી નાખે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો