રંગીલાઓ ભળતુંસળતું નહીં વિચારે. દુનિયામાં મેદસ્વિતા વધી રહી છે, ત્યારે વજન ઘટાડવાની બહુ મોડી ઈન્ડસ્ટ્રી ચાલે છે. એ સંજોગોમાં લોકો પણ વજન ઘટાડવા માટે અવનવા અખતરાઓ કરતા રહે છે. હાલમાં ચીનમાં વજન ઘટાડવા માટેનો જોખમી અખતરો ટ્રેન્ડ કરી રહ્યો છે, એ છે - માઉથ કોન્ડમ.
મહાકાય હોવું ભલે `વજનદાર' લાગે, પરંતુ ભારેખમ કાયાનાં અનેક જોખમો પણ છે. શરીર પર ચરબીનાં થર બાઝવા માંડે એ સાથે અનેક રોગો પણ પ્રવેશ કરવા માંડે. ખૈર, એ ઉપરાંત બીજી શારીરિક મુશ્કેલીઓ પણ સાથે વગર નોતરે આવી જાય. એ કારણે જ હવે લોકો વજન પ્રતિ જાગૃત થયા છે. વજન વધે નહીં એ માટે લોકો સતત પ્રયાસ કરતા રહે છે. ઓછું ખાવાથી માંડીને ઉપવાસ કરવા જેવા નિર્દોષ ઉપાયો તો જાણે સમજ્યા, પરંતુ કેટલાક ખતરનાક અખતરાઓ પણ લોકો કરે છે. હા, બધામાં પાછી સર્જરી પણ લોકો કરાવતા થયા છે.
હા, પરંતુ વજન વધી જ ગયું એ પછી તેને ઉતારવા માટે લોકો જુદા જુદા પ્રયાગો કરતા રહે છે. ચીનમાં હાલમાં એનો જ નુસખો લોકો અજમાવી રહ્યા છે - માઉથ કોન્ડમ. ના, આ કોઈ પરિવાર નિયોજનનું સાધન નથી, પરંતુ ચીનાઓ જેમ આહારમાં આપણને અળવીતરા લાગે એમ તેમનો આ પ્રયોગ પણ અળવીતરો જ નહીં જોખમી પણ છે. વજન ઘટાડી પાતળા દેખાવા માટે ચીનમાં હાલમાં સોશિયલ મીડિયા પ્લોટફોર્મ્સ પર જોખમી `ઈટિંગ હેક' ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડમાં યુવાનો મોઢા પર ક્લીંગ ફિલ્મ કે પ્લાસ્ટિક લપેટી દે છે. પ્લાસ્ટિક લગાવી દીધા બાદ તેમાં જે ખાવાની ઈચ્છા હોય એ રાખી દે અને એ ભાવતું ભોજન ખાતા હોય એમ ચાવવા લાગે, પરંતુ પ્લાસ્ટિક હોવાને કારણે આહાર મોમાં જતો જ નથી, ફક્ત એ ચાવવાનો ડોળ કરવાનો હોય છે. લોકો એમ માને છે કે ફક્ત ચાવવાનો ડોળ કરવાથી શરીરને એમ થાય કે તે ખાઈ રહ્યું છે, પરંતુ વાસ્તવમાં એક પણ કણ શરીરમાં જતો જ નથી!
પ્લાસ્ટિકમાં વીંટાળેલું ભોજન મોમાં તો હોય છે, પણ પ્લાસ્ટિકમાં હોવાને કારણે તે શરીરમાં જાય એમ નથી. દેશી ભાષામાં સમજાવીએ તો આપણે ત્યાં મસાલો કે માવો ઘસડીને પ્લાસ્ટિક ફેંકીને ખવાતો હોય છે, પરંતુ પ્લાસ્ટિકમાં રાખીને જ એ માવો મોંમાં મૂકી દેવો. એ પછી ચાવવો અને થોડા સમય પછી એ પ્લાસ્ટિકમાં રાખેલો માવો બહાર ફેંકી દેવો. ટૂંકમાં, ચાવવાની કસરત થાય, પણ આહાર કે માવો શરીરમાં જાય જ નહીં. આહાર પેટમાં જાય જ નહીં એટલે ચરબી વધવાનો સવાલ તો પેદા થાય જ નહીં. વળી, ખાવા માટે ચાવતા રહો એટલે મન મૂરખ બને કે તે ખાઈ રહ્યું છે.
પરંતુ ચીનમાં ટ્રેન્ડ થઈ રહેલા આ ઉપાયને નિષ્ણાતો જોખમી ગણાવી રહ્યા છે. આ રીતે વજન ઘટે કે ન ઘટે, પણ એક બુલિમિયા કે એનોરેક્સિયા જેવા ઈટિંગ ડિસઓર્ડર પેદા થઈ શકે છે. સ્વાભાવિક રીતે પ્લાસ્ટિકમાં રાખેલો આહાર તમે ચાવીને બહાર ફેંકી દો, ત્યારે એ થૂંકી કાઢવા માટે શરીર પાસે તાકાત બચતી નથી. એમ કરવાથી સમય જતાં ખાવાની લાલસા વધુ બળવત્તર થઈ જતી હોય છે. એ સાથે જ મગજને એ લાલસા એવી રીતે તૈયાર કરી દે છે, જેમાં કેલરી વગનો ફક્ત સ્વાદ કે ખાઈ રહ્યાનો ડોળ કરવાથી આનંદ મળવા લાગે છે, જે એક માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એ ઉપરાંત મોમાં પ્લાસ્ટિકમાં રાખેલો ખોરાક ચાવવાથી પ્લાસ્ટિકના કણ શરીરમાં જઈ શકે છે. જો અજાણતાંથી પણ આ માઈક્રોપ્લાસ્ટિકના કણ શરીરમાં લાળ સાથે જતા રહે તો તે કેન્સર અને હોર્મોનનું અસંતુલન પણ પેદા કરી શકે છે.
ટૂંકમાં કહીએ તો આવા અખતરા કરવાને બદલે સૌથી સારો ઉપાય તો એ જ કે માપસરનું ભોજન લેવું, જંક ફૂડ ઓછાં કે ન જ લેવાં અને ભૂખ કરતાં ઓછું ખાઈને વજન વધે જ નહીં એવી કાળજી રાખવી. એમ થાય તો વજન ઘટાડવાની ઉપાધિ જ ન રહે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો