ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં બહુ ઓછા એવા કાર્યક્રમો થયા છે, જેનું નામ સમયની સાથે વધુ ને વધુ ચમકદાર થયું હોય. દૂરદર્શન પર 1988માં પ્રસારિત ધારાવાહિક `મિર્ઝા ગાલિબ' તેમાંથી એક છે. ના તો ટીઆરપીની હોડ, ના તો નાટ્યમક કટ્સ કે ના તો ચીસાચીસ. `મિર્ઝા ગાલિબ' એક શાંત સમયની એવી સીરિઝ છે જેને આજે પણ લોકો યાદ કરે છે.
આ સીરિઝ બે કારણોથી યાદગાર છે. એક તો તે 19મી સદીના દિલ્હીના માહોલને અને શાયર ગાલિબના નીજી જીવનના સંઘર્ષ તેમજ તેમના દાર્શનિક અંદાજને પ્રામાણિકતાથી પેશ કરવામાં સફળ રહી હતી. એક આટલા જૂના પાત્ર, જેના વિશે ખાસ કશું અધિકૃત મળતું ન હોય, ત્યારે કિંવદંતીઓના આધારે એક સચોટ ગાલિબનું ચિત્રણ કરવું સ્વયં પડકારજનક છે.
તેના નિર્દેશક ગુલઝારે આ કામ સફળતાપૂર્વક કર્યું અને ગાલિબને ઉર્દૂ અદબ સાથે ભારતીયોના ડ્રોઈંગ રૂમ સુધી પહોંચાડી દીધા. તેનું બીજું યાદગાર પાસું હતું એક્ટર નસીરુદ્દીન શાહ. ગાલિબના વેશમાં નસીરુદ્દીન એક ચમત્કારથી ઓછા નહોતા અને ચમત્કાર એક જીદમાંથી જન્મ્યો હતો. સાહિત્યની જીદ, સંવેદનાની જીદ અને એક ચહેરાની જીદ.
આજે જ્યારે આપણે નસીરુદ્દીન શાહને ગાલિબ તરીકે યાદ કરીએ છીએ, ત્યારે એ માનવું મુશ્કેલ લાગે કે એક સમય એવો પણ હતો જ્યારે ગાલિબની ભૂમિકા માટે તેમનું નામ ચર્ચામાં પણ નહોતું. ઊલટાનું, આ ભૂમિકા માટે ગુલઝારની પ્રથમ પસંદ હતા, તેમના ફેવરિટ એક્ટર સંજીવ કુમાર.
ગુલઝાર અને સંજીવ કુમારની જુગલબંધી બહુ જૂની હતી. તેમણે કોશિશ, આંધી, અંગૂર, પરિચય અને નમકીન જેવી યાદગાર ફિલ્મો આપી હતી. સંજીવ કુમાર તે સમયે સૌથી માન્ય અને બહુમુખી અભિનેતા હતા. ગંભીરતા, કરુણા અને ગરિમા - આ ત્રણેય ગુણ તેમનામાં સ્વાભાવિક રીતે મોજૂદ હતા. ગુલઝારને તેમનામાં પરિપક્વતા, તૂટેલા, જીવનથી થાકેલા ગાલિબ નજર આવતા હતા. તેમણે કાગળ પર જે રીતે ગાલિબનું ચારિત્ર્ય કલ્પ્યું હતું, તેમાં હરિભાઈની પસંદગી પૂરેપૂરી રીતે તર્કસંગત હતી. એક મોટો અભિનેતા, સાહિત્યિક રુચિ અને ગંભીર ભૂમિકાઓનો અનુભવ બધું જ તેમનામાં હતું.
પરંતુ અહીં કહાનીમાં એક વળાંક આવે છે, જે `મિર્ઝા ગાલિબ'ને કેવળ એક ધારાવાહિક નહીં, બલ્કે એક કિંવદંતી બનાવી દે છે.
હમણાં ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં યોજાયેલા ઉર્દૂ કવિતાઓની મહેફિલ `રેખ્તા'માં ગુલઝારને `મિર્ઝા ગાલિબ' વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમણે શરૂઆતમાં પાંચ-છ ગઝલો સાથે ત્રણ કલાકની એક ફિલ્મની કલ્પના કરી હતી અને તેમાં સંજીવ કુમારનું નામ રજૂ કર્યું હતું. એ વાત ત્યાં અટકી પડી અને બાર વર્ષ સુધી તેઓ `મિર્ઝા ગાલિબ'ની પટકથા પર સુધારાવધારા કરતા રહ્યા.
એ પછી તેને 6-7 કલાકની સીરિયલમાં ફેરવવામાં આવી અને આ વખતે નસીરુદ્દીન શાહનું નામ આગળ કર્યું. સીરિયલના પ્રોડ્યૂસર ઇચ્છતા હતા કે ગુલઝાર કોઈ દેખાવડા, જાણીતા એક્ટરને ગાલિબની ભૂમિકામાં લે. ગુલઝારનો મત હતો કે નસીર સારો એક્ટર છે અને એ જ ગાલિબ બનશે. પ્રોડ્યૂસર કમને માની ગયો, પણ પૈસાના મામલે વાત અટકી. નસીરે વધુ પૈસા માંગ્યા. પ્રોડ્યૂસર આપવા તૈયાર નહોતા.
એક દિવસ ગુલઝાર અને પ્રોડ્યૂસર બંને ઓફિસમાં બેઠા હતાં અને પૈસાની રકઝક અંગે વાતો કરતા હતા ત્યાં નસીર દાખલ થયા. નસીર ગુલઝારને કહે, `ગુલઝાર ભાઈ, જુઓ હું સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં હતો, ત્યારે મેં તમને એક ચિઠ્ઠી લખી હતી કે સંજીવ કુમાર ગાલિબ જેવો નહીં લાગે, કારણ કે તે જાડિયો છે અને ગાલિબ જાડા નહોતા. એ ચિઠ્ઠીમાં મેં તમને લખ્યું હતું કે મારી રાહ જોજો, હું ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યો છું!'
ગુલઝાર કહે કે મને એ ચિઠ્ઠી યાદ નથી. નસીર કહે, `મને ખબર છે, એ ખોવાઈ ગઈ હશે અથવા ફેન-મેલમાં ફેંકાઈ ગઈ હશે, પણ એ ચિઠ્ઠી લખ્યા પછી આજે મને ખબર પડે કે મિર્ઝા ગાલિબ પર સીરિયલ બની રહી છે, તો તમને એવું લાગે છે કે એ રોલ હું બીજા કોઈને કરવા દઉં? અને આ પ્રોડક્શનવાળાઓને મારી પાસે ન મોકલતા, હું એક રૂપિયો ઓછો નથી લેવાનો. આ રોલ હું જ કરીશ અને નહીં તો કોઈને કરવા નહીં દઉં!'
એમ કહીને નસીર ઊભા થઈને જતા રહ્યા. પેલા પ્રોડ્યૂસર (જેમને તેઓ બાબુજી કહેતા હતા) આ બધું સાંભળતા હતા. તેઓ કહે, `ગુલઝાર સા'બ, દેખા આપને?' ગુલઝાર કહે, `જી હાં, આપને દેખા? યે ગાલિબ થા, જો ઉઠકે ચલા ગયા, જિસકે તેવર થે ગાલિબ જૈસે! યે આદમી હૈ જો મુઝે ગાલિબ દેખા કે ચલા ગયા. વોહી કરેગા.'
પણ પૈસાનું શું? નસીરે તો કહી દીધું હતું કે એક રૂપિયો ઓછો નહીં કરું અને આ રોલ બીજા કોઈને કરવા નહીં દઉં! ગુલઝારે તોડ કાઢ્યો. તેમણે પ્રોડ્યૂસરને કહ્યું, `તમે એક કામ કરો, મારી લખવાની, ડિરેક્શનની ફી જવા દો, મને ન આપતા, પણ આ એક્ટરને લઇ લો.' અને એ રીતે એક યાદગાર સીરિયલ `મિર્ઝા ગાલિબ' બની.
નસીરુદ્દીન શાહની એક ચિઠ્ઠીએ એ કમાલ કરી હતી. તે ચિઠ્ઠીમાં કોઈ શિષ્ટાચાર નહોતો, અભિનયની રાજનીતિ નહોતી. તેમાં ફક્ત એક તર્ક અને તેવર હતો અને એ લગભગ નિર્દયી હતો. નસીરુદ્દીન શાહે લખ્યું કે મિર્ઝા ગાલિબ આર્થિક તંગી, બીમારી અને માનસિક તણાવથી પીડાતો માણસ હતો. તેને ખાવાનાં ફાંફા હતાં અને શરાબમાં ડૂબેલો રહેતો હતો. એ શરીરે અલમસ્ત કેવી રીતે હોય?
એ અભિનય કળાના એક વિદ્યાર્થીની દુસ્સાહસિક ચિઠ્ઠી હતી, એક સ્થાપિત કવિ-ગીતકાર અને નિર્દેશકને પડકાર ફેંકતી કે, `હું આવી રહ્યો છું.' એવું ન કહેવાય કે એ ચિઠ્ઠીએ નિર્ણય બદલી નાખ્યો, પણ તે દિવસે પ્રોડ્યૂસરની હાજરીમાં નસીરે જે તેવર બતાવ્યા હતા, તે એક અસલી અભિનેતાનો અવાજ હતો. આ રોલ જો કોઈ કરી શકે તેમ હોય, તો તે હું છું અને એ મારી શરતે કરીશ. તે દિવસે ગુલઝારને લાગ્યું હતું કે આ છોકરો ગાલિબને `જાણતો' જ નથી, બલ્કે `મહેસૂસ' પણ કરે છે. તેના તેવરમાં ઉંમરનું જોશ નહોતું, અભિનય ક્ષમતાનો આત્મવિશ્વાસ હતો.
એ પછી શરૂ થયો તપસ્વીની તૈયારીનો સમયગાળો. નસીરુદ્દીન શાહે ગાલિબના પત્રો વાંચ્યા, તેમની માનસિકતાને સમજ્યા, તેમની નિષ્ફળતાઓ અનુભવી. તેમણે ગાલિબને એક `મહાન કવિ' તરીકે નહીં, પરંતુ એક નિષ્ફળ, ચીડચીડિયા, વ્યંગ્યપ્રિય અને અત્યંત એકાંતવાસી વ્યક્તિ તરીકે ઓળખ્યા. એ કારણથી જ તેમના ગાલિબમાં કરુણા છે, પરંતુ જાત માટે દયા નથી.
જ્યારે `મિર્ઝા ગાલિબ' પ્રસારિત થઇ, ત્યારે તે તરત લોકપ્રિય ન થઇ. તે ધીમે ધીમે લોકોના હૃદયમાં ઊતરી, પણ જે ઊતર્યું તે સ્થિર હતું. જગજિત સિંહની ગઝલોએ ભાવનાઓને સ્વર આપ્યો અને નસીરુદ્દીન શાહે શબ્દોને શરીર આપ્યું.
આજ પાછળ વળીને જોતાં લાગે છે, જો એ ચિઠ્ઠી ન લખાઈ હોત, જો તે દિવસે નસીરે તેવર બતાવ્યા ન હોત અને જો સંજીવ કુમારે એ રોલ કર્યો હોત, તો આજે એ ગાલિબ ન મળ્યા હોત, જેને આપણે યાદ કરીએ છીએ. આ ભૂમિકા નસીરુદ્દીન શાહને મળી નહોતી, તેમણે એક વિદ્યાર્થીની જીદથી તેને છીનવી લીધી હતી અને એટલા માટે જ `મિર્ઝા ગાલિબ'ને આજે કેવળ જોવામાં નથી આવતા, મહેસૂસ કરવામાં આવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
