એમ તો જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે. એ એક કડવું સત્ય છે, ત્યારે દુનિયામાં કેટલાંક શહેરો એવાં છે કે જ્યાં મૃત્યુ ગેરકાયદે જાહેર થયેલું છે. એનો મતલબ એ થાય કે મરના મના હૈ.
જન્મ અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ છે. કોઈક વહેલું તો કોઈક મોડું મૃત્યુ પામે છે. એ રીતે દરેક પ્રજાતિના જીવોનું સરેરાશ આયુષ્ય પણ અલગ હોય છે. ટૂંકમાં, માનવ હોય કે પ્રાણી કે વનસ્પતિ તમામ જીવો પૃથ્વી પર એક્સપાયર્ડ ડેટ લખાવીને જ આવ્યા છે. એ ખરું કે બધાની મૃત્યુ નોંધ જુદી જુદી તારીખની હોય છે, પણ બધાની નોંધ તૈયાર જ હોય છે. એટલે જ જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત ગણાય છે. હા, આપણા હિન્દુ ધર્મ પ્રમાણે તો શરીર જ મૃત્યુ પામે છે. આત્મા મૃત્યુ પામતો નથી. એ કારણે જ પુનર્જન્મ અને બીજી રૂઢિઓમાં માનનારા લોકો પણ વધુ છે. કદાચ એ કારણે જ મૃત્યુ પછીની વિધિઓનું આપણે ત્યાં પ્રચલન છે. હવે તો મૃત્યુ થાય ત્યારે શું થાય એ અંગે પણ અનેક લોકો સંશોધન કરે છે. જોકે, એ આખો ચર્ચાનો અલગ વિષય છે. અહીં તો મુખ્ય મુદ્દો એ છે કે મૃત્યુ સૌનું છે, છતાં દુનિયામાં એવાં અનેક શહેરો છે, જ્યાં મૃત્યુને ગેરકાયદે ઠેરવવામાં આવ્યું છે.
વિચિત્ર લાગે એવી આ વાત છે, પરંતુ કેટલાંક નગરોમાં આવા વિચિત્ર કાયદાઓ આજે પણ ચાલે છે. જાપાનથી જ વાતની શરૂઆત કરીએ. એમ પણ જાપાનના લોકો બહુ લાંબું આયુષ્ય ધરાવનારા લોકોમાંના એક છે. જાપાનમાં એક ઈત્સુકુશિમા નામનો ટાપુ આવેલો છે. આ ટાપુને જાપાનીઓ પવિત્ર સ્થળ માને છે. આ ટાપુ પર 157 વર્ષ પહેલાં સુધી લોકોને મૃત્યુ પામવાની મંજૂરી ન હતી. એ તો ઠીક એ ટાપુ પર કોઈને જન્મ આપવાની પણ મંજૂરી ન હતી. એ કારણે જ આજે પણ ઈત્સુકુશિયામાં કોઈ કબ્રસ્તાન કે હોસ્પિટલ નથી. અહીં ગર્ભવતી મહિલાઓ બાળકને જન્મ આપવાની હોય ત્યારે મૂળ ભૂમિ પર જતી રહે છે, પરંતુ મૃત્યુ તો ગમે તે પળે આવી શકે છે, તે અંગે શું કરવામાં આવતું, એ હજુ રહસ્ય છે. છતાં એક વાત નક્કી કે 1868 સુધી આ ટાપુ પર રહેતા લોકોને મૃત્યુ પામવાની કે બાળકને જન્મ આપવાની મંજૂરી ન હતી.
ઈત્સુકુશિમા જેવું જ બીજું એક શહેર સ્પેનનું લેન્ઝારોટ છે. ગ્રેનાડા પ્રાંતમાં આવેલા લેન્ઝારોટ ગામમાં કબ્રસ્તાન નાનું હતું. 1999માં શહેરની વસ્તી 4000 ની હતી. એ વસ્તીને ધ્યાનમાં રાખીને 1999માં શહેરના મેયરે લોકોના મૃત્યુ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આ પ્રતિબંધ મૂકવાના પગલાને રાજકીય પગલું ગણવામાં આવ્યું હતું. મૃતકોની સંખ્યા વધુ હોય અને કબ્રસ્તાન નાનું હોય ત્યારે દફનાવવાની મુશ્કેલી પેદા થવાને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એવો વિચિત્ર કાયદો ઘડવામાં આવ્યો હતો કે જ્યાં સુધી નવું કબ્રસ્તાન નહીં મળે ત્યાં સુધી જીવવું જોઈએ. ફ્રાન્સમાં પણ એવું જ એક નગર આવેલું છે. ફ્રાન્સના કુગ્નેક્સમાં પણ આવી જ સ્થિતિ છે. કુગ્નેક્સમાં 2007માં તો મેયરને નવું કબ્રસ્તાન બનાવવાની પરવાનગી મળી ન હતી. એ કારણે મેયરે લોકોના મૃત્યુ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે પાછળથી સ્થાનિક કબ્રસ્તાનને પહોળું કરવામાં આવ્યું એ પછી મૃત્યુ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.
જ્યારે કોલસાની ખાણ માટે ખૂબ જાણીતું નોર્વેના લોંગયરબાયન નામના શહેરમાં પણ લોકોનાં મૃત્યુ અથવા મૃતકોની દફનવિધિને કાનૂની ગુનો માનવામાં આવે છે. આ કાયદા પાછળનું કારણ એ છે કે આ નાનું શહેર આર્કટિક સર્કલની ખૂબ નજીક છે. ઉત્તર ધ્રુવની નજીક આ શહેર આવેલું હોવાને કારણે અહીં હવામાન સામાન્ય રીતે ઠંડું હોય છે. શૂન્યની નીચે તાપમાનનો પારો રહેતો હોવાને કારણે પર્માફ્રોસ્ટ મૃતદેહને સડતો અટકાવે છે, પરંતુ મૃતદેહ સડે નહીં,
તેથી તે ચેપી રોગનું સંક્રમણ કરવાનું જોખમ વધારે છે. એ કારણે જ લોંગયરબાયનમાં કોઈ મૃત્યુ પામે, તો તેને તાત્કાલિક નોર્વેનાં અન્ય શહેરોમાં દફનવિધિ માટે લઈ જવાય છે. એવું જ ફ્રાન્સનું લે લવંડો શહેર છે. લે લવંડો શહેરમાં પણ મૃત્યુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. લે લવંડો શહેરના મેયરે નવું કબ્રસ્તાન બનાવવાની પરવાનગી મેળવી ન હતી. એ કારણે પ્રશ્ન એ થઈ પડે કે મૃત્યુ પામનારને દફન ક્યાં કરવો? એ સમસ્યાના ઉકેલ માટે નવી સહસ્ત્રાબ્દીના પ્રારંભે જ વર્ષ 2000માં શહેરમાં મૃત્યુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
જોકે, આ સમસ્યા જોતાં આપણી અંતિમવિધિ સો પ્રતિશત યોગ્ય લાગ્યા વિના નહીં રહે. ન તો જમીનની અછતની માથાકૂટ ન ચેપી રોગ ફેલાવાની ઝંઝટ. આપણા પૂર્વજો લાંબું વિચારીને જ તમામ પરંપરા ઊભી કરતા ગયા હોય એમ લાગે છે.