જો તમારે અમેરિકામાં બિઝનેસ અર્થે જવું હોય, ત્યાંના બિઝનેસમેનો જોડે વાટાઘાટો કરવા જવું હોય, એગ્રિમેન્ટો કરવા હોય, ત્યાં ભરાયેલાં પ્રદર્શનો કે સેમિનારો કે એક્સ્પોમાં ભાગ લેવા જવું હોય તો તમારે `બી-1' સંજ્ઞા ધરાવતા નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે છે અને પર્યટકો જેઓ અમેરિકામાં ફરવા જવા ઈચ્છે છે એમણે `બી-2' વિઝા મેળવવાના રહે છે.
સરકારી પ્રધાનો, અધિકારીઓ અને એમના નજીકના કુટુંબીજનો, એલચીઓ આ લોકોએ અમેરિકા જવું હોય તો `એ-1' વિઝા મેળવવાના રહે છે. સરકાર માન્ય અમલદારો અથવા તો સરકારના કર્મચારીઓ અને એમના નજીકના કુટુંબીજનો માટે `એ-2' વિઝા ઘડવામાં આવ્યા છે. આ `એ-1' અને `એ-2' વિઝાધારકોના અંગત કર્મચારીઓ અને નજીકના કુટુંબીજનો તેમજ નોકરો માટે `એ-3' વિઝા ઘડવામાં આવ્યા છે.
અમેરિકાથી વારંવાર આવતાં-જતાં વિદેશી પર્યટકો માટે `સી-1' વિઝા ઘડવામાં આવ્યા છે. દરિયાઈ અને હવાઈ માર્ગે ટૂંક સમય માટે અમેરિકા જતી કાફલાની વ્યક્તિઓ જેઓ જે સ્ટીમર અથવા વિમાનમાં જતા હોય અને પાછા ફરવાના હોય એમના માટે `ડી-1' વિઝા ઘડવામાં આવ્યા છે.
રાષ્ટ્રો વચ્ચેના કરાર માટે જતા વેપારીઓ માટે `ઈ-1' વિઝા ઘડવામાં આવ્યા છે અને રાષ્ટ્રો વચ્ચેના કરારો અનુસાર જતા રોકાણકારો માટે `ઈ-2' વિઝા ઘડવામાં આવ્યા છે.
શૈક્ષણિક તથા ભાષાના વિદ્યાર્થીઓ માટે `એફ-1' વિઝા ઘડવામાં આવ્યા છે. `એફ-1' વિઝાના નજીકના કુટુંબીજનો માટે `એફ-2' વિઝા ઘડવામાં આવ્યા છે.
`જી-1', `જી-2', `જી-3', `જી-4', `જી-5' આ સઘળા વિઝા આંતરરાષ્ટ્રીય સંસ્થામાં કામ કરવા વિદેશી સરકારના મુખ્ય કાયમી પ્રતિનિધિઓ તથા એમના સ્ટાફ તથા કુટુંબીજનો માટે ઘડવામાં આવ્યા છે.
`નાટો-1'થી `નાટો-5' તેમજ `નાટો-6', `નાટો-7' આ બધા નાટો કરાર સંબંધિત વિઝા ઘડવામાં આવ્યા છે.
`એચ-1એ' રજિસ્ટર નર્સો માટે છે. `એચ-1બી' ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ ગ્રેજ્યુએટ હોય અથવા ગ્રેજ્યુએટ જેટલું એમને જ્ઞાન હોય એમના માટે ઘડવામાં આવ્યા છે. `એચ-2એ' અમેરિકન ખેતીવાડી વિભાગ દ્વારા અધિકૃત અમેરિકન મજૂરોની ક્ષણિક તંગી પૂરી કરવા અમેરિકા આવતા હંગામી ખેતીવાડી મજૂરો માટે છે. `એચ-2બી' અમેરિકામાં જે શિક્ષિત મજૂરો જેની તંગી હોય એને ટેમ્પરરી નોકરી કરવા માટે ઘડવામાં આવ્યા છે. `એચ-3' ટ્રેનીઓ માટે છે. `એચ-4' એચ-1, એચ-2 અને એચ-3ધારકોના પતિ યા પત્ની યા 21 વર્ષથી નીચેની વયના અવિવાહિત સંતાનો માટે ઘડવામાં આવ્યા છે.
`આઈ' વિઝા પત્રકારો માટે છે.
`જે-1' વિઝા યુએસ ઈન્ફોર્મેશન સંસ્થા દ્વારા માન્ય એક્સચેન્જ કાર્યક્રમની રૂએ અમેરિકામાં અભ્યાસ, કામકાજ અને તાલીમ અર્થે આવતા મુલાકાતીઓ માટે ઘડવામાં આવ્યા છે. `જે-2' વિઝા એમના ફેમિલી માટે છે.
`કે-1' વિઝા જે વ્યક્તિ અમેરિકન સિટીઝનને છેલ્લા બે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત પર્સનલી મળી હોય અને તેઓ બંને અમેરિકામાં લગ્ન કરવા ઈચ્છતાં હોય એમના માટે ઘડવામાં આવ્યા છે. `કે-2' વિઝા આવી વ્યક્તિઓનાં બાળકો માટે છે. `કે-3' વિઝા અમેરિકન નાગરિકના પતિ યા પત્ની જેમના માટે ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરાઈ હોય, પણ હજુ સુધી એ પ્રોસેસ થઈને એપ્રૂવ થયું ન હોય એની હેઠળ વિઝા મળ્યા ન હોય એમના માટે છે.
`એલ-1' વિઝા આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યૂટિવો યા ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટે છે. `એલ-2' વિઝા એમના ફેમિલી માટે છે.
`એમ-1' વિઝા ભાષાઓનું શિક્ષણ લેનાર સિવાયના વ્યાવસાયિક અથવા અશૈક્ષણિક વિદ્યાર્થીઓ માટે છે, જે લોકો પાઇલટની ટ્રેનિંગ લેવા માંગતા હોય એમને `એમ-1' વિઝા લેવા પડે છે. `એમ-2' વિઝા એમ-1 વિઝાના ફેમિલી માટે છે.
`ઓ-1' વિઝા જે લોકો વિજ્ઞાન, કળા, શિક્ષણ, વેપાર, ઉદ્યોગ તથા રમતગમતના ક્ષેત્રે અતિ કૌશલ્ય ધરાવતા હોય એમના માટે છે. એટલે કે `ઓ-1' વિઝા એક્સ્ટ્રાઓર્ડિનરી પર્સન માટે છે. `ઓ-2' વિઝા એમના ફેમિલી માટે છે.
`પી-1' વિઝા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્વીકૃત ખેલાડીઓ તથા ગાન, વૃંદ વાદકો તથા નૃત્યકાર માટે છે. `પી-2' એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં મનોરંજન કરવા આવતા કલાકારો માટે છે. `પી-3' સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અમેરિકા આવતા કલાકારો અને મનોરંજન કરનારાઓના જૂથ માટે છે. આપણા નાટ્યકારો અમેરિકામાં નાટક ભજવવા `પી-3' વિઝા મેળવીને જાય છે. `પી-3' વિઝાની પિટિશન અમેરિકામાં દાખલ કરવામાં આવે છે. જે દિવસે કાર્યક્રમ અમેરિકામાં ભજવવાનો હોય એના એક વર્ષ પહેલાં એ પિટિશન દાખલ કરી શકાય છે. `પી-4' વિઝા `પી-3' વિઝાના ફેમિલી માટે છે.
હજુ પણ બીજા અમુક ખાસ પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે. આ સર્વે નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની લાયકાતો જુદી જુદી હોય છે અને તમે ઈન્ટરવ્યૂમાં જાઓ ત્યારે એ લાયકાત દેખાડી આપવાની રહે છે. એ મુજબ પછી તમને જે પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝાની જરૂરિયાત હોય એ આપવામાં આવે છે.