શરીરરચનાની દૃષ્ટિએ સ્તનો વચ્ચે માનવ શરીરમાં ફાટને ઇન્ટરમેમરી ક્લેફ્ટ અથવા ઇન્ટરમેમરી સલ્કસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લીવેજ દર્શાવવી એ કોઈ આધુનિક સમયની શોધ નથી; ફેશનમાં ક્લીવેજ અંગે સમજ અને દેખાવ બદલાતી સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક અપેક્ષાઓ દ્વારા ઘડાઈ છે. મહિલાઓના વસ્ત્ર-પસંદગીના નિર્ણયોમાં જે-તે સમયનાં મૂલ્યો અને અભિગમો વારંવાર પ્રતિબિંબિત થયા છે. મધ્યયુગીન યુરોપમાં છાતીનો વિસ્તાર સંપૂર્ણપણે ઢંકાયેલો હતો. કલા, સંસ્કૃતિ અને ફેશનનો વિકાસ થયો તેમ સ્ત્રી સ્વરૂપ પ્રત્યે સામાજિક વલણ વધુ હળવું બન્યું. સ્ત્રીઓ લો-કટ ડ્રેસ પહેરતી, ઉચ્ચ વર્ગમાં ફેશનેબલ બની ગઈ હતી. આ સમયગાળામાં વૈભવ અને સ્ત્રીત્વના સંકેત તરીકે ક્લીવેજની શરૂઆત થઈ. વિક્ટોરિયન યુગમાં સાદગી અને મર્યાદા તરફ સ્પષ્ટ વળાંક આવ્યો. છાતીનો ભાગ દેખાય તેવો પહેરવેશ અપમાનજનક કે અયોગ્ય ગણાતો હતો. અરે! ખભા કે ગળાનાં હાડકાં દેખાય તે બાબતને પણ સારી માનવામાં આવતી ન હતી.  

બીજા વિશ્વયુદ્ધ પછીના યુગમાં પરંપરાગત સ્ત્રીત્વ તરફ પાછા ફર્યા. મેરિલીન મનરો જેવાં હોલિવૂડ સ્ટાર્સે ગ્લેમર અને વિષયાસક્તતાના પ્રતીક તરીકે ક્લીવેજને લોકપ્રિય બનાવ્યું. 1980-90માં દાયકા `પાવર ડ્રેસિંગ' અને `પોપ કલ્ચર ઇન્ફ્લુઅન્સ' દ્વારા સંચાલિત હતા. મેડોના જેવાં પોપ કલ્ચર આઇકોન્સે સશક્તીકરણ તરીકે ક્લીવેજને ફરીથી દર્શાવ્યું.   

મહિલાઓ વિવિધ વ્યક્તિગત, વ્યવહારુ અને સામાજિક કારણોસર ક્લીવેજ બતાવે છે. કેટલીક સ્ત્રીઓ ટ્રેન્ડી હોવાને કારણે, કેટલીક તેને માત્ર ગમતું હોવાને કારણે, કેટલીક સામાજિક ધોરણોને પડકારવા બતાવે છે. ચોક્કસ નેકલાઇન્સ (જેમ કે, વી-નેક અથવા સ્કૂપ નેક) ચોક્કસ શરીરના પ્રકારો માટે ખુશામત કરતી હોય છે. બીજું આરામદાયકતા અને આબોહવા કારણભૂત છે. આ ઉપરાંત જે કારણ હંમેશાં સ્ત્રીઓનાં વેસ્ટર્ન કપડાં સાથે જોડી જ દેવામાં આવે છે તે આત્મવિશ્વાસ અને આત્મઅભિવ્યક્તિ છે. આ એક પ્રકારની સ્ત્રીઓને સ્ત્રીઓ દ્વારા જ ઉકસાવવાની અથવા છેતરવાની પ્રવૃત્તિ છે. એમ કહેવામાં આવે છે કે શરીરને હાઇલાઇટ કરતો પોશાક પહેરવાથી વ્યક્તિગત આત્મવિશ્વાસની મજબૂત ભાવના વધે છે અને તેમને તેમની પોતાની સૌંદર્યશાસ્ત્ર અથવા શૈલી વ્યક્ત કરવાની મંજૂરી મળે છે. શું ભારતીય ઉપખંડમાં બ્લાઉઝ, ચણિયા સાથે સાડી જેવાં સંપૂર્ણ વસ્ત્રો પહેરેલી સ્ત્રીઓમાં આત્મવિશ્વાસની કમી જોવા મળે છે? તેમનું પોતાનું સૌંદર્ય કે શૈલી વ્યક્ત નથી થતી? ક્લીવેજ બતાવવાથી સ્ત્રી `ખોટી' કે `ઓછી આદરણીય' થઇ જતી નથી કે ઢાંકવાથી તે `શરમાળ' કે `દબાયેલી' બની જતી નથી.   

આવા દરેક અંગપ્રદર્શન કરતાં કપડાં `પહેરતી' કે `પહેરાવતી' વખતે અમુક સ્ટીરિયોટાઈપ દલીલો કરવામાં આવે છે. જેમ કે, શું પહેરવું તે પસંદ કરવાનો અધિકાર દરેક મહિલાને છે. તે તેનું શરીર છે અને તેનો નિર્ણય છે. બધી વાતોની શરૂઆત અને અંત અહીં જ થાય છે. નારીવાદ (ફેમિનિઝમ) એ સ્વાયત્તતા વિશે, સશક્તીકરણ વિશે છે. કેવાં કપડાં પહેરવાં અને જાતને કેવી રીતે રજૂ કરવી એ પસંદગી સ્ત્રીની પોતાની છે. દરેક સ્ત્રી મુક્તપણે પસંદગી કરી શકે. ઘણી સંસ્કૃતિઓમાં ક્લીવેજને ખુલ્લું પાડવું એ ફ્લર્ટિંગ, ઇચ્છનીય લાગણી અથવા જાતીય/રોમેન્ટિક ધ્યાન આકર્ષિત કરવા માટે ઉપયોગમાં લેવાતી ઇરાદાપૂર્વકની પસંદગી માનવામાં આવે છે. પોશાક પહેરવાની પસંદગી વ્યક્તિની હોય છે અને કારણો કપડાં પહેરનારા લોકો જેટલાં જ અલગ અલગ હોય છે.  

સ્ત્રીઓ હંમેશાં પોતાને વ્યક્ત કરવા માટે ફેશન અને બોડી લેંગ્વેજનો ઉપયોગ કરતી આવી છે. 

19મી સદીના કોર્સેટથી લઈને આજના ઇન્સ્ટાગ્રામ પ્રભાવકો સુધી સ્ત્રીઓ પોતાને કેવી રીતે રજૂ કરવા માંગે છે તે વિશે બોલ્ડ પસંદગીઓ કરતી હોવાનો લાંબો ઇતિહાસ છે. કુદરતે કે ઈશ્વરે પુરુષને ઉપરથી નીચે, માથાથી પગ સુધી સપાટ બનાવ્યો છે જ્યારે સ્ત્રીને વળાંકદાર અને ઘાટીલી બનાવી છે. જ્યારે કોઈ સ્ત્રીના આકર્ષતા ગ્લેમર કે ગ્લેમરસ અંદાજની વાત થાય છે ત્યારે સ્ત્રીનાં સ્તનોની આસપાસના આભામંડળ નજરમાં હોય જ છે, પછી તે સ્ત્રી તેને પ્રદર્શિત કરતી હોય કે ન કરતી હોય. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો