ડોક્ટર તો ડોક્ટર હોય છે. તેઓ મનુષ્યોનો તો ઈલાજ કરતા જ હોય છે, પણ કેટલાક ડોક્ટર્સ એવા એનિમલની જિંદગી પણ બચાવતા હોય છે, જે અન્યની જિંદગી જોખમમાં મૂકી દેતા હોય છે.

ઉજ્જૈનના એક ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક કોબ્રા પર જેસીબી ફરી વળ્યું હતું. જેસીબી ફરી વળતાં કોબ્રાની હાલત એટલી ગંભીર થઇ ગઇ હતી કે તે ચાલી શકતો ન હતો. તે મરવાની અણી પર જ હતો એવામાં ઈન્ડસ્ટ્રીના કર્મચારીઓએ કોબ્રાને ચીવટપૂર્વક નજીકની એનિમલ હોસ્પિટલ પર પહોંચાડી દીધો હતો. જ્યાં ડોક્ટર્સની ટીમે કોબ્રાને સૌથી પહેલાં એનેસ્થેસિયા આપ્યું હતું, કારણ કે કોબ્રા સાંપની પ્રજાતિમાં અત્યંત ખતરનાક ગણાય છે અને તેનો દંશ પણ જીવલેણ હોય છે. કોબ્રાનું આપરેશન ડોક્ટર્સ માટે ખૂબ જ વિકટ બન્યું હતું, કારણ કે કોબ્રાના અંદરના અંગ ફાટી ગયાં હતાં. ડોક્ટર્સે બે લેયરમાં ટાંકા લીધા હતા અને કોબ્રાના અંદરના ઓર્ગન રિકન્સ્ટ્રક્ટ કર્યા ત્યારબાદ ફરીથી બહાર ટાંકા લીધા. આ દરમિયાન એન્ટિબોયોટિક પ્લસ પેઇન ઇન્જેક્શન પણ આપ્યાં. મૂળ કોબ્રાને ફરીથી હરતો ફરતો કરવામાં કુલ 80 ટાંકા લેવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ કોબ્રાની હાલતમાં ઘણો સુધારો જણાયો હતો.

આ ડિટર્જન્ટ કપડાં સાથે મચ્છરને પણ ધોઈ નાખશે

રાત્રે સૂતી વખતે એકદમ શાંત માહોલમાં મચ્છરનું ગુણ ગુણ તમને હેરાન પરેશાન તો કરી જ દે છે, પરંતુ તે દરમિયાન મચ્છરનો દંશ પણ તમને વધારે હેરાન કરે છે. વધુમાં મચ્છરને લીધે ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો પણ પ્રસરતા જાય છે. દુનિયાભરમાં મચ્છરોનો ત્રાસ જોવા મળે છે. જોકે, મચ્છર તમારાથી જોજન દૂર રહે તે માટે આઇઆઇટી દિલ્હીએ એવો સ્માર્ટ ડિટર્જન્ટ બનાવ્યો છે. આ ડિટર્જન્ટ પાઉડર અને લિક્વિડમાં પણ ઉપલબ્ધ છે. આ ડિટર્જન્ટ પ્લસ લિક્વિડ અન્ય સામાન્ય ડિટર્જન્ટ જેવાં જ છે, પરંતુ આ સ્માર્ટ ડિટર્જન્ટથી તમારાં કપડાં તો સાફ થશે જ સાથે સાથે મચ્છરોનુ ગુણ ગુણ પણ નહીં સંભળાય અને મચ્છર તમને દંશ પણ નહીં મારે! આ નવા ઇનોવેશનના ટેસ્ટિંગમાં વોલેન્ટિયર્સને પોતાનો હાથ આ સ્માર્ટ ડિટર્જન્ટથી ધોયેલાં કપડાં પહેરાવીને એવા બોક્સમાં નાખવાનું કહેવામાં આવ્યું જેમાં પહેલેથી જ મચ્છરો હતા. પરિણામમાં સ્માર્ટ ડિટર્જન્ટથી ધોયેલાં કપડાં પર મચ્છરોનું લેન્ડિંગ ખૂબ જ નહિવત્ જોવા મળ્યું હતું. મૂળ આ ડિટર્જન્ટથી ધોયેલાં કપડાં જો તમે પહેરો છો તો મચ્છરો તમને કરડી શકતા નથી. નજીકના ભવિષ્યમાં જ આ ડિટર્જન્ટ દેશભરમાં સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવશે.

જાપાનનો અનોખો `ગ્રીન' પ્રયોગ

વિશ્વભરનાં મોટાં શહેરોમાં લીલોતરી ઝડપથી ઘટી રહી છે, ત્યારે જાપાને ટેક્નોલોજી અને કુદરતનો અદ્ભુત સુમેળ સાધ્યો છે. આ પ્રયોગમાં ગાડીઓ રંગબેરંગી ફૂલો અને વેલાઓની નીચે પાર્ક કરવામાં આવે છે. આ દૃશ્ય સુંદર તો લાગે જ છે, પણ તેના અનેક વ્યાવહારિક ફાયદા છે. આ લીલી છત કુદરતી છાંયડો આપે છે, જેથી ઉનાળામાં તડકામાં પાર્ક કરેલાં વાહનો, એન્જિનો અને જમીન ઠંડા રહે છે. નોંધનીય છે કે, છોડ ગરમી શોષે છે, તાપમાન ઘટાડે છે અને હવાને શુદ્ધ કરે છે. વળી, તે મધમાખી અને પતંગિયા જેવા જીવોને ખોરાક અને આશરો પણ પૂરો પાડે છે.

આ વિચાર માત્ર નાની જગ્યાઓ પૂરતો સીમિત નથી. ઓસાકાના `નાંબા પાર્ક્સ' કોમ્પ્લેક્સમાં ઓફિસ અને મોલની ઉપર 8 માળ સુધી ફેલાયેલો વિશાળ બગીચો જોવા મળે છે. શહેરની ભીડભાડ વચ્ચે પણ અહીં લોકોને પહાડ પર હોવાનો અહેસાસ થાય છે. જાપાનની આ પહેલ શીખવે છે કે આધુનિક શહેરોમાં પણ કોંક્રીટનાં જંગલોને હરિયાળાં બનાવી જ શકાય છે અને વિકાસની સાથે પર્યાવરણનું રક્ષણ પણ કરી શકાય છે.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો