તમે આગિયા તો જોયા જ હશે. આગિયા એટલે એવા નાનકડાં જીવડાં, જેની પૂંછડી અંધારામાં એવી રીતે ચમકે કે જાણે જીરો વોટનો નાનોઅમથો બલ્બ લગાવ્યો હોય! હવે એક કલ્પના કરો. ધારો કે તમે જીવનમાં પહેલી વખત લાંબી દરિયાઈ મુસાફરીએ નીકળ્યા છો. શરૂઆતમાં એક-બે દિવસ તો મોજમાં પસાર થઇ ગયા, પણ એકાદ દિવસ રાત્રે પાણીની સપાટી પર સતત હાલકડોલક થતા જહાજમાં ઊંઘ નથી આવતી અને તમે લટાર મારવા માટે ડેક પર આવો છો. એવામાં સમુદ્રની સપાટી પર ધ્યાન પડે છે અને તમે ભયભીત થઇ જાવ છો, કારણ કે મધદરિયે મુસાફરી કરી રહેલા તમારા જહાજને અચાનક હજારો આગિયાએ ઘેરી લીધું હોય એવો પ્રકાશ દેખાઈ રહ્યો છે! પણ પાણીની અંદર આગિયા ક્યાંથી હોય? કે પછી પાણીમાં છુપાયેલા અગોચર જીવો પ્રકાશ રેલાવીને તમને કોઈક સંકેત આપવા માંગે છે?
ખૈર, અહીં ડરના માર્યા તમે શું કરશો એ બહુ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે દરિયાના પાણીમાં પેલો `ચમત્કારિક' પ્રકાશ આવ્યો ક્યાંથી? વિશ્વના સાહિત્યમાં અગોચર ઘટનાઓથી ભરપૂર હજારો સાગરકથાઓ છે. મધદરિયે અનેક ગેબી ઘટનાઓ બનતી રહે છે. એની પાછળનું વિજ્ઞાન ખબર ન હોવાથી આપણે એને ભૂતિયા ઘટનામાં ખપાવી દઈએ છીએ. અહીં અડધી રાત્રે દરિયાનું પાણી ચમકી ઊઠવાની ઘટના પણ કંઈક એવી જ છે.
વાસ્તવમાં પાણીમાં જે પ્રકાશ દેખાય છે, એ પાછળ જવાબદાર છે બાયોલુમિનેશન (Bioluminescence) નામની વિશિષ્ટ ઘટના. તમે મોડી રાત્રે દરિયાના પાણીમાં કંપન સર્જો તો તરત પાણીમાં એવી રીતે વાદળી પ્રકાશમાં ચમકી ઊઠશે જાણે જળચરોએ લાઈટના નાના નાના હજારો બલ્બ પ્રકટાવ્યા હોય! આવી ઘટના દરેક સ્થળે જોવા નથી મળતી, એ તો જ્યાં ચોક્કસ પ્રકારના જળચરો વસતા હોય ત્યાં જ જોવા મળશે. અમુક બેક્ટેરિયાઝ, મશરૂમની કેટલીક પ્રજાતિઓ, જેલીફિશ, ફિશિંગ રોડ જેવી લાઈટ ધરાવતી એંગ્લરફિશ, શરીર પર લાઈટ્સની પેટર્ન ધરાવતી લેન્ટર્નફિશ વગેરે જળચરોને કુદરતે સંરક્ષણ માટે તેમજ શિકારને આકર્ષવા માટે ખાસ પ્રકારની લાઈટ્સ લગાવી આપી છે. આ લાઈટ્સ દરિયાના પાણીમાં પ્રકાશ રેલાવવાનું કામ કરે છે. ખાસ કરીને દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં સૂર્યનો પ્રકાશ બહુ જૂજ માત્રામાં પહોંચે, એટલે અહીં વસતા જળચરો માટે કુદરત આ પ્રકારની વ્યવસ્થા ન કરે તો જ નવાઈ!
જોકે, શરૂઆતમાં જે દૃશ્યની કલ્પના કરી એ પ્રકારના બાયોલુમિનેશન માટે સૌથી વધુ જવાબદાર હોય છે ડાયનોફ્લેજેલેટ્સ નામના એકકોષીય જીવો. બાયોલુમિનેશન એટલે એવી પ્રક્રિયા જેમાં કેટલાક વિશિષ્ટ જીવોના શરીરમાં ચાલતી કેમિકલ પ્રોસેસને પગલે પ્રકાશ પેદા થાય. આ જીવાણુઓમાં લ્યુસિફેરિન (Luciferin) અને લ્યુસિફેરેઝ (Luciferase) નામનાં રસાયણો હોય છે. જ્યારે પાણીમાં હલચલ થાય અથવા કોઈક કારણોસર કંપન પેદા થાય, ત્યારે કેટલાક જળચરોના કોષમાં રહેલાં રસાયણો ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરે છે. આ પ્રતિક્રિયાને પ્રતાપે ઠંડો વાદળી પ્રકાશ ઉત્પન્ન થાય છે. આ પ્રકાશ ખૂબ ટૂંકા સમય માટે - આશરે 0.1 સેકન્ડ પૂરતો ચમકે છે. જાણે કે એક નાનકડો તારો ઝબકીને ઓલવાઈ ગયો હોય! પણ જ્યારે હજારો એકકોષીય જીવોમાં એકસાથે આવી પ્રક્રિયા થાય ત્યારે તમને પાણીની સપાટી ઝળહળતી લાગે.
કુદરતમાં કશું કારણ વિના નથી હોતું. આ જીવાણુઓમાં પ્રકાશના ઝબકાર થવાની જે વ્યવસ્થા છે, એનો હેતુ શિકારીઓથી બચવાનો તેમજ પોતાના શિકારને આકર્ષવાનો છે. જ્યારે એકાદ જીવાણુને અન્ય કોઈ શિકારી તરફથી ખતરો લાગે કે તરત એના શરીરમાંથી રસાયણોનો સ્રાવ થઇ જાય અને લાઈટનો સ્પાર્ક જોવા મળે. પ્રકાશના આ ઝબકારને કારણે સમૂહના બીજા જીવાણુઓ પણ ચેતી જાય. સોસાયટીના કોઈ એક ઘરમાં ચોર ઘૂસે અને જાગી ગયેલો ઘરમાલિક લાઈટ સળગાવી દે અને બૂમાબૂમ કરીને બીજા રહીશોને જગાડે, એના જેવી જ આ વ્યવસ્થા છે. ઘણી વાર આ પ્રકાશ
પ્રજનન માટે સાથીઓને આકર્ષવાના કામમાંય આવે.
નવાઈ લાગે એવી બીજી એક વાત પણ જાણી લો. બાયોલુમિનેશનની ઘટનામાં માત્ર પ્રકાશ જ પેદા થાય છે, ગરમી નહિ, તેથી આ પ્રકાશને `કોલ્ડ લાઇટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતે ગરમી વિના પ્રકાશ પેદા થાય, એટલે કે ઊર્જાનું સંપૂર્ણપણે પ્રકાશમાં રૂપાંતર થાય, એ ઘટનાય દુર્લભ ગણાય, કેમ કે સામાન્ય સંજોગોમાં પ્રકાશ પેદા કરવામાં આવે તો મોટાભાગની ઊર્જા તો ગરમી સ્વરૂપે જ
વેડફાઈ જતી હોય છે. જેમ કે આપણા ઘરમાં વપરાતા બલ્બની 90% એનર્જી ગરમી તરીકે વેડફાઈ જાય છે. એનાથી વિપરીત દરિયામાં પ્રકાશ ફેલાવતા જીવો 90% પોતે વાપરેલી કુલ એનર્જી પૈકીની 90 ટકાનું પ્રકાશમાં રૂપાંતર કરી શકે છે.
બાયોલુમિનેશનની ઘટનાને કારણે કેટલાક દરિયા કિનારાઓ તો ટૂરિસ્ટ સ્પોટ્સ તરીકે ખ્યાતિ પામ્યા છે. માલદિવ્સના કેટલાક બીચ ઉપર જૂનથી ડિસેમ્બર મહિના દરમિયાન પાણીની લહેરો તારાઓની માફક ચમકી ઊઠે છે. જમૈકાનું લ્યુમિનસ લગૂન પણ આ જ કારણોસર ફેમસ છે. ભારતમાંય આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ અને ગોવાના અમુક બીચ ઉપર આવી ઘટનાઓ જોવા મળશે. પોર્ટોરિકો ખાતેનો મોસ્ક્યુટો બીચ બાયોલુમિનેશનના સૌથી તેજસ્વી દૃશ્યો દેખાડે છે, કેમ કે અહીં એક ગેલન પાણીમાં 1-2 મિલિયન જેટલા ડાયનોફ્લેજેલેટ્સ હોય છે. અમાસની રાત્રે હોડી લઈને નીકળનારા પ્રવાસીઓને અહીંનો દરિયો તારાઓથી ટમટમતા પ્રવાહી આકાશ જેવો અદ્ભુત લાગે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો