દેશ અને દુનિયામાં એવી અનેક જગ્યાઓ છે, જે તેની અદ્દભુત સ્થાપત્યકળા અને રહસ્યો માટે જાણીતી છે. એમાંની એક કોલોન કેથેડ્રલ છે. જર્મનીના કોલોન શહેરમાં રાઈન નદીના કિનારે આવેલ કોલોન કેથેડ્રલ તેની ભવ્યતા અને રહસ્યમય કથાઓ માટે વિશ્વમાં પ્રખ્યાત છે. 1996માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આ સ્થળને જાહેર કરવામાં આવ્યું હતું.
નિર્માણનો 632 વર્ષ જૂનો ઇતિહાસ
કોલોન કેથેડ્રલનો ઇતિહાસ એટલો જ લાંબો અને રસપ્રદ છે જેટલી તેની ઊંચાઈ છે. આ વિશાળ કેથેડ્રલનું નિર્માણ 15મી ઓગસ્ટ, 1248ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ એક વિશાળ અને ભવ્ય ચર્ચ બનાવવાનો હતો, જે સમગ્ર યુરોપનું ધાર્મિક કેન્દ્ર બની શકે. 1546 સુધીમાં નાણાંની અછત અને બદલાતી રાજકીય પરિસ્થિતિઓને કારણે કામ રોકી દેવું પડ્યું. પરિણામે લગભગ 300 વર્ષ સુધી આ ભવ્ય ઇમારત અડધી બનેલી હાલતમાં જ રહી.
19મી સદીમાં રોમેન્ટિક ચળવળ દરમિયાન મૂળ નકશાઓ ફરી મળી આવ્યા અને 1842માં નિર્માણકાર્ય પુનઃ શરૂ થયું. આખરે 1248માં શરૂ થયેલું કામ 632 વર્ષ બાદ 1880માં પૂર્ણ થયું.
સ્થાપત્ય અને ભવ્યતા
કોલોન કેથેડ્રલનું કદ અને બનાવટ વિશે જાણીને નવાઇ લાગશે. તેના બે ગગનચુંબી ટાવર્સની ઊંચાઇ 157.3 મીટર છે. 1880માં જ્યારે તે પૂર્ણ થયું ત્યારે થોડા સમય માટે વિશ્વની સૌથી ઊંચી માનવનિર્મિત ઇમારતમાં સ્થાન ધરાવતું હતું. આ કેથેડ્રલનું ક્ષેત્રફળ આશરે 7,914 ચોરસ મીટર છે. જેથી એમાં એકસાથે પાંચ, દસ નહીં, પરંતુ વીસ હજાર કરતાં પણ વધારે લોકો બેસીને પ્રાર્થના કરી શકે છે. તેની રચના હાઇ ગોથિક શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેની ઊંચી અણીદાર કમાનો અને દીવાલો પર કોતરેલા પથ્થરની ઝીણી ડિઝાઇન જાણે આકાશ તરફ ઉડાન ભરતી હોય એવો ભાસ થાય છે.
કોલોન કેથેડ્રલની અંદર પ્રવેશતાં જ સૂર્યપ્રકાશનો રંગ બદલાઇ જાય છે. તેનું મુખ્ય કારણ તેની વિશાળ રંગીન કાચની બારીઓ છે. આ કાચની બારીઓમાં બાઇબલની વિવિધ ઘટનાઓ અને સંતોના જીવનપ્રસંગો સુંદર રીતે વર્ણવવામાં આવ્યાં છે.
2007માં આધુનિક કલાકાર ગેરહાર્ડ રિચટર દ્વારા એક નવી બારી બનાવવામાં આવી, જેમાં 11,500 રંગીન કાચના ચોરસ ટુકડાઓનો રેન્ડમ કોલાજ છે. જ્યારે સૂર્યનાં કિરણો આ કાચમાંથી પસાર થાય છે ત્યારે અંદર અદ્ભુત રંગોનો નજારો જોવા મળે છે. કેથેડ્રલમાં ફ્રી-સ્વિંગિગ બેલ છે, જે વિશ્વના સૌથી મોટા ઘંટોમાંનો એક છે. તેનું વજન 24 ટનથી વધુ છે.
થ્રી વાઇઝ મેનની મંજૂષા
કોલોન કેથેડ્રલના નિર્માણ પાછળનું સૌથી મોટું ધાર્મિક કારણ જો કોઇ હોય તો એ થ્રી વાઇઝ મેનની એટલે કે ત્રણ રાજાઓની પવિત્ર ઇચ્છા હતી. બાઇબલ અનુસાર, ઇસુ ખ્રિસ્તના જન્મ સમયે તેમની પૂજા કરવા માટે ત્રણ જ્ઞાની રાજાઓ આવ્યા હતા. 1164માં આ પવિત્ર અવશેષો ઇટાલીના મિલાન શહેરથી કોલોન લાવવામાં આવ્યા હતા. તેમને રાખવા માટે શુદ્ધ સોના, ચાંદી અને કીમતી રત્નોથી મઢેલી એક ભવ્ય મંજૂષા બનાવવામાં આવી હતી, જે આજે પણ કેથેડ્રલની અંદર સુરક્ષિત છે. આ મંજૂષા 12મી અને 13મી સદીના પ્રખ્યાત સુવર્ણકાર નિકોલસ ઓફ વર્ડન દ્વારા બનાવવામાં આવી હતી.
તે ઓક લાકડાની બનેલી છે. યુરોપથી કરોડો શ્રદ્ધાળુઓ અહીં આવતા હતા, જેણે કેથેડ્રલ બનાવવાની પ્રેરણા આપી હતી.
રહસ્યો અને લોકવાયકાઓ
કોલોન કેથેડ્રલ સાથે અનેક લોકકથાઓ અને રહસ્યો જોડાયેલાં છે. એક લોકવાયકા મુજબ કેથેડ્રલના મુખ્ય આર્કિટેક્ટે એવો ભવ્ય નકશો બનાવ્યો હતો જે પહેલાં ક્યારેય કોઇએ બનાવ્યો ન હોય, પરંતુ નિષ્ફળ જતાં તેમણે સેતાન સાથે શરત લગાવી કે જો સેતાન એક રાતમાં આખી કેથેડ્રેલ બનાવી દે, તો તેઓ પોતાનો આત્મા તેને આપી દેશે, પરંતુ કૂકડાના બોલવાને કારણે સેતાન શરત હારી ગયો અને તેણે ક્રોધિત થઇને શાપ આપ્યો કે, આ કેથેડ્રલનું કામ ક્યારેય સંપૂર્ણ રીતે પૂર્ણ થશે નહીં. સંયોગથી આજે પણ કેથેડ્રલમાં કંઇ ને કંઇ કામ ચાલુ જ રહે છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર દેશોનાં વિમાનોએ કોલોન શહેર પર હજારો ટન બોમ્બ ફેંક્યા હતા. આખું શહેર કાટમાળમાં ફેરવાઇ ગયું હતું, પરંતુ કોલોન કેથેડ્રલ પર 14 મોટા બોમ્બ નાંખવામાં આવ્યા છતાં તે ધ્વસ્ત ન થયું. કેટલાક લોકો તેને ઇશ્વરીય ચમત્કાર માને છે. તો ઇતિહાસકારોનું માનવું છે કે પાઇલટ આ ઊંચી ઇમારતનો ઉપયોગ નેવિગેશન માટે કરતા હતા.
કોલોન કેથેડ્રલના ઊંચા મીનારા આજે પણ સદીઓ જૂનાં રહસ્યો અને વાર્તાઓની સાક્ષી પૂરે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
