દુનિયામાં એવા ઘણા દરિયાકિનારા હોય છે, જે પોતાની સફેદ રેતને કારણે તો કોઇ તેના સ્પષ્ટ ચોખ્ખા નીલા પાણીને કારણે જાણીતા હોય છે. કેટલાક દરિયાકિનારા તો સ્ટાર ફિશ કે અન્ય ફિશ માટે પણ જાણીતા હોય છે, પરંતુ રશિયામાં એક એવો દરિયાકિનારો છે, જે તેના કલરફુલ પોલિશ્ડ ગ્લાસ (રંગબેરંગી લિસ્સા ગ્લાસ) માટે જાણીતો છે. રશિયાના વ્લાદિવોસ્તોક શહેરથી થોડાક જ અંતરે આવેલી ઉસુરી ખાડીનો તટ દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અહીં કિનારા પર રંગબેરંગી લિસ્સા કાચના ટુકડાઓ જોવા મળે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે, આટલા બધા કાચ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હશે? નોંધનીય છે કે, સોવિયેત સમયમાં આ તટીય ક્ષેત્રોનો ઉપયોગ મોટાભાગે ડમ્પિંગ માટે થતો હતો. વળી, અહીં ચિનાઇ માટીનાં વાસણો તેમજ કાચની ફેક્ટરીઓનો વેસ્ટ અહીંયાં ફેંકવામાં આવતો હતો. અલબત્ત, ઘણા લોકોનું એમ પણ માનવું છે કે, અહીં કાચના કચરાઓને નદીઓ દ્વારા વહેડાવવામાં આવતા હતા, જે વહેણ સાથે સીધા આ સમુદ્રકિનારે ફેલાતા ગયા. વધુમાં આ કાચ પણ પાણીના ઘર્ષણને કારણે લીસા થતા ગયા. આ દરિયાકિનારા પર જ્યારે તડકો પડે છે ત્યારે આખો દરિયાકિનારો ચમકી ઊઠે છે!
તમે ક્યારેય `બંધુ રોટી' ખાધી છે?
તમે અત્યાર સુધી ઘણી રોટી ખાધી હશે. આ રોટીઓમાં તંદૂરી રોટી, રૂમાલી રોટી, તવા રોટી અને ફૂલકા રોટી વગેરેનો સમાવેશ થાય છે, પરંતુ તમે ક્યારેય `બંધુ રોટી' ખાધી છે? આ રોટી પાકિસ્તાનમાં લગ્નપ્રસંગોમાં બનાવવામાં આવે છે. જોકે, આ એક રીતે તો સાવ નોર્મલ રોટી જ છે, પરંતુ તેની સાઇઝ 10થી 12 ફૂટ જેટલી હોય છે. આ રોટીને સામૂહિક રીતે ખવાતી હોવાથી તેને `બંધુ રોટી' એવું નામ આપવામાં આવ્યું છે! મૂળ આ રોટી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa) અને પસ્તૂન સંસ્કૃતિની પારંપરિક રોટી છે અને તે લગ્ન માટે તેમજ મોટા સામૂહિક ભોજન માટે બનાવવામાં આવે છે. અહીંના લોકો આ રોટીને ઘણા દાયકાઓથી બનાવી રહ્યા છે અને તેઓ તેને સ્થાનિક સંસ્કૃતિ તેમજ મહેમાનોની આગતાસ્વાગતા એટલે કે મહેમાનનવાજીના પ્રતીક તરીકે પણ સરખાવી રહ્યા છે. આ રોટી બનાવવા માટે લોટને બાંધીને હાથ વડે ગોળ ગોળ રીતે ફેરવવામાં આવે છે, જે દરમિયાન તેને ખૂબ જ મોટી બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને જૂની ઈંટોના ખાસ બનાવેલા ખુલ્લા ચૂલામાં પકવવામાં આવે છે.
શ્વાસ લીધા વગર પુશઅપ્સનો રેકોર્ડ
આપણે સૌ કોઇ જાણીએ છીએ કે `હેલ્થ ઇઝ વેલ્થ', તેથી જ ઘણા લોકો ભલે જિમ નથી જતા, પરંતુ વોકિંગ, સ્કિપિંગ કે પુલઅપ્સ કે પુશઅપ્સ કરીને પોતાનું સ્વાથ્ય સાચવતા જ હોય છે. જે લોકો ક્યારેય પુશઅપ્સ નથી કરતા તે લોકોને પણ જો પુશઅપ્સ કરવા માટે કહેવામાં આવે તો તે પણ ત્રણથી ચાર પુશઅપ્સ કરી જ લેતા હોય છે, પણ જો આ જ પુશઅપ્સ તેમને સ્વિમિંગ પુલની અંદર રહીને કરવાનું કહેવામાં આવે તો? તો તેઓ એક પણ પુશઅપ નહીં કરી શકે! જોકે, 38 વર્ષીય ભારતીય યોગગુરુ કમલ કાલોઇએ સ્વિમિંગ પુલમાં જ રહીને બીજીવાર શ્વાસ લીધા વગર સતત 86 પુશઅપ્સનો ગિનીસ રેકોર્ડ પોતાના નામે નોંધાવીને દેશનું નામ રોશન કર્યું છે. હાલમાં તેઓ વિયેતનામના દીન્હ નામના શહેરમાં રહે છે અને તેમનો આ ત્રીજો રેકોર્ડ છે. ત્રીજા રેકોર્ડ માટે તેમણે સતત બે વર્ષ મહેનત કરી હતી અને અંતે તેઓ સફળ નીવડ્યા. અગાઉ તેમના બે રેકોર્ડમાં જેમાં પ્રથમ પાણીમાં 21 યોગ મુદ્રાઓનો રેકોર્ડ અને બીજો રેકોર્ડ પાણીમાં 72 એયર રિંગ્સ બનાવવાનો નોંધાવ્યો હતો. નોંધનીય છે કે, તેમનો બીજો રેકોર્ડ અમેરિકાના અમેલિયા ડી લોસ રિયોસે 81 રિંગ્સ બનાવીને તોડ્યો હતો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો