પંડિત શિવકુમાર શર્માની તસવીર તમે જુઓ કે પછી રૂબરૂમાં એમને સ્ટેજ પર સંતુરવાદન કરતાં સાંભળો. સાક્ષાત્ સૌજન્યમૂર્તિ આપણી આંખો સામે છે એવું લાગે. એમનો સૌમ્ય છતાં મક્કમ ચહેરો, એમના વ્યક્તિત્વમાં ઠાંસી ઠાંસીને ભરેલું આભિજાત્ય જે એ ક્યારેક બોલતા હોય ત્યારે દરેક શબ્દના ઉચ્ચારોમાંથી ટપકે, ખોળામાં સંતુર મૂકીને એ કલમને હળવેથી પકડીને એક પછી એક તાર રણઝણાવતા હોય ત્યારે સાધનામાં ડૂબી ગયેલા યોગી જેવા ભાસે.
13 જાન્યુઆરી, 1938માં એમનો જન્મ. ચાર વર્ષ પહેલાં 10 મે, 2022ના રોજ એમણે વિદાય લીધી. છેવટ સુધી એમનો તરવરાટ યુવાનોને શરમાવે એવો. કળાની સાધના કરતાં કરતાં એક એક પગથિયું ચડતા ગયા તેમ અહમ્ ઓગાળતા ગયા હશે એવા વિનમ્રભાવ સાથે એમના ચહેરા પર ખૂબ તેજ પ્રકાશે. સંતુરવાદક તરીકે આંતરરાષ્ટ્રીય નામના મેળવી. પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે `શિવ-હરિ'ની જોડીએ યશ ચોપડાની `ચાંદની', `સિલસિલા', `ડર' અને `લમ્હે' જેવી ફિલ્મોમાં ક્યારેય નથી ભુલાવાનું એવું ફિલ્મી સંગીત પણ સર્જ્યું અને `કૉલ ઑફ ધ વેલી' જેવાં શાસ્ત્રીય સંગીતનાં કંઈ કેટલાંય આલ્બમો આપ્યાં.
પંડિત શિવકુમાર શર્માને યાદ કરવાનું કારણ એ કે હમણાં જ એમના સંતુરવાદનની એક જૂની વિનાઇલ એલપી રેકૉર્ડ ખરીદી અને એમનો એક જૂનો ઈન્ટરવ્યૂ વાંચ્યો, ફરી ફરી એમના શબ્દો વાંચતો જ રહ્યો. ઇન્ટરવ્યૂ વાંચીને ઘરમાં મ્યુઝિક સિસ્ટમ પર સંતુરવાદન ગુંજતું હોય અને જેવું વાતાવરણ સર્જાય એવું જ આહ્લાદક એટમોસ્ફિયર મનમાં સર્જાયું જે હજુય વિખેરાયું નથી.
નામી લેખક-સંપાદક ડૉ. દેવદત્ત શર્માને આપેલી મુલાકાતમાં પંડિત શિવકુમાર શર્મા આરંભમાં જે કહી દે છે કે : સંગીતની ઉત્પત્તિ આપણે ત્યાં અધ્યાત્મની સાથે જોડાયેલી છે. સંગીતના માધ્યમથી ધ્યાન જલદી લાગે છે અને યોગમાં પણ આપણે ધ્યાન ધરતા હોઈએ છીએ. સંગીતની સાધના પણ યોગનો જ એક પ્રકાર થયો. એ પછી એનું શાસ્ત્ર બની ગયું. સંગીત શાસ્ત્રીય બની ગયું અને રાગરાગિણીઓ આવી. ધ્યાન સાથે જોડાયેલું સંગીત દરબારોમાં થઈને આમ જનતા લગી પહોંચી ગયું.
સંગીત જ્યારે આમ જનતા વચ્ચે આવ્યું ત્યારે એમાં શું બદલાવ આવ્યો એવા પ્રશ્નના જવાબમાં પંડિતજીએ આપેલો ઉત્તર મનમાં તીરની જેમ ઊતરી જાય છે. કળા વિશે, મનોરંજન વિશે, લોકપ્રિયતા અને તાળીઓ વિશે તમને ફરી એક વાર વિચારવા મજબૂર કરે એવા એમના વિચારો છે. છેલ્લાં પચાસ વર્ષમાં આવેલા પરિવર્તનને કારણે સંગીતને મનોરંજનની દૃષ્ટિએ મૂલવવામાં આવી રહ્યું છે, પણ હકીકતમાં તો આપણે ત્યાં સંગીત મનોરંજન માટેનું નહીં પણ સાધનામાં આગળ વધવાનું સાધન રહ્યું છે. આપણે ભૂલી રહ્યા છીએ કે સંગીતનો ઉદ્ભવ કેવી રીતે થયો, એની ગંગોત્રી ક્યાં છે. સંગીતની અપૂર્વ શક્તિથી આપણે દૂર જઈ રહ્યા છીએ. આજકાલ તાળીપડાઉ સંગીત બની ગયું છે. લોકોની તાળી પાડીને પ્રશંસા કરવાની રીતનો મારા હિસાબે શાસ્ત્રીય સંગીત સાથે મેળ નથી પડતો.
પંડિત શિવકુમાર શર્માની આ ભાવના ઘણી જૂની છે. શાસ્ત્રીય સંગીતના જલસાઓમાં આવો ડિસ્ટર્બિંગ અનુભવ વારંવાર થતો હોય છે. અણસમજુ અને ઉત્સાહી શ્રોતાઓ સંગીતકારના વાદન કે ગાયનનાં વખાણ કરવા માગતા હોય ત્યારે કંઈ જોયા કર્યા વગર તાળીઓ પીટવાનું શરૂ કરી દે જેમાં સ્ટેજ પરથી પીરસાઈ રહેલા સંગીતની બારીકીઓ ઢંકાઈ જાય. ઑડિટોરિયમમાં બેઠેલા શ્રોતાઓને કાનમાં તાળીઓનો ગડગડાટ સંભળાય, સંગીતની નોટ્સ નહીં. શ્રોતાઓ કંઈ અહીં તાળીઓ સાંભળવા નથી આવ્યા, સંગીતકારની વર્ષોની તપસ્યાના ફળરૂપે સર્જાતા કળાની ઉચ્ચ કોટિનાં શિખરોને માણવા આવ્યા છે. કલાકારો પ્રશંસાના ભૂખ્યા હોય છે એવા વહેમમાં રહીને એમનો ધ્યાનભંગ થાય એવા શ્રોતાઓની જબરજસ્ત સંખ્યા આપણે ત્યાં છે. વિદેશી સિમ્ફનીઓના ગ્રૂપ્સ ભારત આવે છે ત્યારે જોયું છે કે વિદેશની તહેઝિબ મુજબ અહીં પણ શ્રોતાઓ એક પર્ટિક્યુલર ચીજ પૂરી થાય અને બીજી શરૂ થાય તેની વચ્ચેના ગાળામાં જ તાળીઓથી કળાકારોને વધાવી લેતા હોય છે. પિયાનોની કોઈ ધૂન ગમી ગઈ કે વાયોલિનનો કોઈ સૂર હૃદયમાં ઊંડે સુધી ઊતરી ગયો તો તરત જ તાળીઓ પાડી નાખવાની અધિરાઈ નહીં દેખાડવાની. એમાં કળાકારની સાધના તૂટે અને શ્રોતાઓનું પણ ધ્યાનભંગ થાય.
પણ આમાં શ્રોતાઓનો એટલો વાંક નથી જેટલો વાંક સંચાલકોનો હોય છે. કવ્વાલીનો કાર્યક્રમ હોય કે કવિ સંમેલનનો, ક્લબમાં પ્રોગ્રામ હોય કે સંસ્થામાં કે સ્કૂલમાં. દરેક દોઢડાહ્યો સંચાલક ગિવ હિમ અ બિગ હૅન્ડ કહીને કે આપ સૌની તાળીઓના ગડગડાટ વચ્ચે-એવું બોલીને શ્રોતાઓને ધમકાવી ધમકાવીને એમની પાસેથી તાળીઓ ઉઘરાવવાનું કામ કરે છે. આ તદ્દન ખોટું છે, અસંસ્કારીપણાનું પ્રદર્શન છે. તાળીઓનું સ્થાન ચોક્કસ જગ્યાએ અને ચોક્કસ સમયે હોય છે. રજનીશજી કે જે. કૃષ્ણમૂર્તિનાં પ્રવચનોમાં તાળીઓ સાંભળી છે ક્યારેય? જ્યાં શબ્દો માણવાના હોય, મનમાં ઉતારવાના હોય અને ગમતી વાતોને આજીવન સંઘરી રાખવા માટે ધ્યાનમાં લાગે એવી સમાધિ લેવાની હોય ત્યાં તાળીઓ ખલેલ પહોંચાડે છે.
પંડિત શિવકુમાર શર્મા પોતે સ્ટેજ પર સંતુરવાદન કરતા હોય ત્યારે શું અનુભવતા હોય છે એવી કેટલીક વાતો વાંચીશું તો ખબર પડશે કે કળાની ઊંચાઈને તાળીઓની જરૂર નથી હોતી.
કોઈ પણ કલાકાર મંચ પરથી રજૂઆત કરે છે ત્યારે એણે એકાગ્ર બનવું પડે છે. ગુજરાતી નાટકોમાં શેઠિયા મેન્ટાલિટીવાળા પ્રેક્ષકો આગળની હરોળની ટિકિટો ખરીદીને નાટક શરૂ થયા પછી હૉલમાં પ્રવેશે. અહીં આવેલા બાકીના પ્રેક્ષકો પોતાની રૈયત હોય અને મંચ પરના કલાકારો પોતાના પગારદાર નોકરો હોય એમ ભવાં ઊંચાં કરીને બીજાઓને લાત મારતાં મારતાં પોતાની સીટ સુધી પહોંચે. મોટેમોટેથી આપસમાં વાત કરે કે સાલો ટ્રાફિક કેટલો વધી ગયો છે અને પાર્કિંગની જગ્યા કેટલી મુસીબતથી મળે છે. આ શેઠિયાઓ બૅંગકોક મસાજ કરાવવા જાય ત્યારે કદીય ફ્લાઈટ ચૂકતા નથી. એમની શેઠાણીઓ ગુજરાતી નાટકમાં આવીને બે-પાંચ વરસનાં બાળકોને ઑડિટોરિયમમાં રમવા માટે છુટ્ટાં મૂકી દે, જાણે બાપાનો બગીચો હોય. ગુજરાતી નાટકોના કલાકારોએ જ નહીં, પ્રવચનકારોએ, કથાકારોએ, ગાયકોએ-સૌ કોઈએ આવા ગમાર પ્રેક્ષકો સાથે પનારો પાડવો પડે છે. વચ્ચે પંકજ કપૂરે એમના સૉલો શોમાં કોઈના મોબાઈલની ઘંટડી વાગી ત્યારે ધ્યાનભંગ થઈને રોકાઈ જવું પડ્યું હતું અને એક બહેનને ટોકવા પડ્યાં હતાં, પણ કૂતરાની જેમ અમુક લોકોની પૂંછડી વાંકી જ રહે છે.
પંડિત શિવકુમાર શર્માને ડૉ. દેવદત્ત શર્માએ મુલાકાત દરમિયાન પૂછ્યું કે સ્ટેજ પર તમારો મૂડ કઈ પરિસ્થિતિઓ દરમિયાન બગડી જતો હોય છે? ત્યારે પંડિતજીએ ખૂબ સ્વસ્થતાથી એનો જવાબ આપ્યો: મંચ પર કાર્યક્રમ પ્રસ્તુત કરવા જતાં પહેલાં હું મેડિટેશન કરીને જતો હોઉં છું. હું એવું જ વિચારીને હૉલ પર જવા નીકળું છું કે હું તો એક માધ્યમ છું અને કોઈ એવી શક્તિ છે જે મારી પાસે સંતુર વગાવડાવી રહી છે. જેમ (ભગવાનની) આરાધના કરવા માટે યોગ્ય વાતાવરણની જરૂર હોય છે એમ મારા માટે યોગ્ય વાતાવરણ એ હોય છે કે મારું વાજિંત્ર પ્રોપર્લી ટ્યૂન કરેલું હોય. જો એકાદ શ્રુતિ જેટલું પણ આઘુંપાછું હોય તો એને લીધે એકાગ્રતાનો ભંગ થઈ જતો હોય છે. સાઉન્ડ સિસ્ટમ સારી હોય અને શ્રોતાઓ તરફથી કોઈ વિઘ્ન ન આવે. શ્રોતાઓની હરકતોની અસર દિમાગ પર પડતી જ હોય છે, પરંતુ જ્યારે હું વાદ્ય વગાડવાની શરૂઆત કરું છું ત્યારે બધું જ ભૂલી જઉં છું. પછી મને કંઈ સરત રહેતી નથી કે કોણ ક્યાં બેઠું છે. હું મારા સંગીતનો સ્વયં આનંદ લેતો હોઉં છું. સંતુર એવા આનંદથી વગાડું છું કે મનમાં મને એમ થાય કે મને અત્યારે જેવી મજા આવી રહી છે એવી જ મજા એ લોકોને પણ અત્યારે આવી રહી હશે.
એક આડ વાત.પંડિતજી પોતાના પ્રોગ્રામમાં જે કુર્તો પહેરવાના હોય તેને કાર્યક્રમ શરૂ થતાં પહેલાં ગ્રીન રૂમમાં જાતે જ ફરી ઇસ્ત્રી કરતા. એમના સામાનમાં ઇસ્ત્રી હમેશાં હોય, પરદેશમાં કૉન્સર્ટ માટે જાય ત્યારે પણ. એ કહેતા કે કાર્યક્રમ પહેલાંનું મારું મેડિટેશન ઇસ્ત્રી કરું ત્યારે થઈ જાય છે.
પંડિત શિવકુમાર શર્માની જેમ તમે જુઓ કે કોઈ પણ કલાકાર તન્મય થઈને મંચ પરથી પોતાની કળા રજૂ કરે છે ત્યારે એ પોતે એન્જોય કરતો હોય એવું તમને લાગે. વચ્ચે નસીરુદ્દીન શાહના એક જ નાટકને ત્રણ વાર જોયું હતું. એમને રંગમંચ પર જોતી વખતે તમને લાગે કે એ પોતે પણ નાટક માણી રહ્યા છે.
એક શ્રોતા તરીકે તમે મંચ પરની વ્યક્તિને પોતાના ગાયનમાં કે વાદનમાં કે પ્રવચનમાં કે અભિનયમાં કે પછી કથાકથનમાં ઓતપ્રોત થઈ ગયેલા મહેસૂસ કરો છો ત્યારે તમારો પોતાનો શ્રવણનો આનંદ બેવડાઈ જાય છે.
આવું જ વાચનની બાબતમાં થતું હોય છે. કોઈ લેખ, કવિતા, નિબંધ કે નવલકથાનું પ્રકરણ તમે વાંચો અને વાંચતા વાંચતાં એમાં ડૂબી જાઓ છો ત્યારે માની લેવાનું કે એના સર્જકે પણ એટલા જ ઓતપ્રોત થઈ આ લખાણ લખ્યું હશે. જે લખાણમાં આપણે ડૂબી ન શકીએ તે લખાણ સર્જકે પણ પોતાનું વાજિંત્ર ટ્યૂન કર્યા વગર લખ્યું હોવું જોઈએ એવું લાગે. સર્જકનું વાજિંત્ર એટલે એની પેન-પૅન્સિલ કે એનાં કાગળ-કમ્પ્યૂટર નહીં, પણ એનું મન. દરેક વ્યક્તિએ કામ કરતી વખતે પોતાનું મન ટ્યૂન કરવું પડે. માત્ર સર્જકે જ નહીં, ડૉક્ટર-રસોઈયાથી માંડીને શિક્ષક-મોચી સુધીની દરેક વ્યક્તિએ.
દિમાગને વેલ ટ્યૂન્ડ રાખવા માટે સૌથી પહેલાં તો આજુબાજુનો શોરબકોર મ્યૂટ કરી દેવો પડે. એનો અર્થ એ નથી કે તમારે સાઉન્ડપ્રૂફ રૂમમાં, બહારના અવાજોને બહાર રાખીને જ કામ કરવું પડે. કૉફી શૉપમાં બાજુના ટેબલ પર કોઈ પ્રેમિકા એના પ્રેમીના કોઈ એકસ્ટ્રા અફેરને પકડી પાડ્યા પછી એને ધમકાવતી, ડરાવતી અને ગભરાવતી હોય એવી એકેએક વાતો તમારા કાન સુધી પહોંચે, પણ તમારું મન આવતા અઠવાડિયા માટેનો લેખ લખવામાં રોકાયેલું હોય એવુંય બને. આજુબાજુનો કોલાહલ કાન સુધી ભલે પહોંચે, પણ ભીતરની શાંતિ ડિસ્ટર્બ ન થાય એવી એકાગ્રતા મેળવવાનું કામ ન તો અઘરું છે, ન અશક્ય. તમારે નક્કી કરી લેવાનું છે કે તમારો અલ્ટિમેટ ગોલ શું છે? તમે તમને ડિસ્ટર્બ કરનારાઓને પાઠ ભણાવીને ભીતરમાં ઔર ડિસ્ટર્બન્સ સર્જવા માગો છો કે તમારા જીવન ધ્યેયના ભાગરૂપે આજે તમારા હિસ્સાનું જે કામ કરવાનું છે તેને પૂરું કરવા માગો છો. જો આટલું ફોકસ હશે તો તમારી આગળપાછળ ઢોલનગારાં વાગતાં હશે તો પણ તમે મૌન વિશે સરસ પીસ લખી શકશો, એકાંત અને એકાગ્રતા વિશે લખી શકશો, પંડિત શિવકુમાર શર્માની સંતુરવાદનની કળા વિશે પણ લખી શકશો.
સાયલન્સ પ્લીઝ
બને કે સાવ કાણો એ હવાડો હોય,
હંમેશાં દોષ ન દેવાય કૂવાને.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
