આપણે ઘણીવાર આકાશમાં ખૂબ જ ઊંચે ઊડતા વિમાનની પાછળ સફેદ પટ્ટા કે લાઈનો બનતા જોઈ છે. જોકે, આ લાઈનો ધીરે-ધીરે ગાયબ થઈ જાય છે.
આ સફેદ લાઈનોને લઈને અનેક માન્યતાઓ જોવા મળે છે. જેમ કે, રોકેટની લાઈનો હોય છે કે પછી આ અલગ પ્રકારનું જેટ વિમાન હોય છે કે પછી વિમાન વાદળાંઓ ચીરે ત્યારે આવી લાઈનો બને છે વગેરે. વળી, આ લાઈનો કેમ બને છે અને તેને શું કહેવાય તે બહુ જ ઓછા લોકો જાણે છે. જો તમે ન જાણતા હો તો જાણી લો આ સફેદ પટ્ટાઓનું વિજ્ઞાન.
આ સફેદ પટ્ટાઓને શું કહેવાય?
ચોખ્ખા વાદળી આકાશમાં ઊંચે ઊડતા વિમાનની પાછળ દોરાતી લાંબી સફેદ લાઈનો જોવી એ દરેક બાળક અને વડીલ માટે કુતૂહલનો વિષય રહ્યો છે. ઘણીવાર આપણને લાગે છે કે આ વિમાનમાંથી નીકળતો ધુમાડો હશે, પણ વિજ્ઞાનની ભાષામાં તેને `કન્ટ્રેલ્સ' (Contrails) કહેવામાં આવે છે. આ શબ્દ `કન્ડેન્સેશન' (Condensation) અને `ટ્રેલ્સ' (Trails) શબ્દોના મિશ્રણથી બન્યો છે.
આ પટ્ટાઓ સફેદ
જ કેમ હોય છે?
સફેદ લાઈનો એટલે કે કન્ટ્રેલ્સનો રંગ એન્જિનમાંથી નીકળનારી ગરમી અને પાણીની બાષ્પ ઠંડી તથા વધારે ઊંચાઈવાળા વાયુમંડળમાં બનવાને કારણે સફેદ હોય છે. આ આઈસ ક્રિસ્ટલ સૂર્યના પ્રકાશને પરાવર્તિત કરે છે. બરાબર એ રીતે જે રીતે વાદળો કરે છે, તેથી જ વાદળોનો રંગ પણ આપણને સફેદ જ જોવા મળે છે.
ક્યારેક વધારે સમય તો ક્યારેય ઓછો સમય રહે છે
વિમાન પાછળના સફેદ પટ્ટા ક્યારેક વધારે સમય સુધી આકાશમાં જોવા મળે છે, તો ક્યારેક ઓછા સમય માટે. સરળ રીતે સમજીએ તો જ્યારે આકાશમાં ભેજનું પ્રમાણ ઓછું હોય તો આઈસ ક્રિસ્ટલનું જલદી ભાષ્પીભવન થઈ જાય છે. એટલે કે ઓછો સમય પટ્ટા રહે છે જ્યારે ભેજનું પ્રમાણ વધુ હોય તો આઈસ ક્રિસ્ટલનું બાષ્પીભવન થતા વાર લાગે છે અને તેને કારણે આ પટ્ટા વધારે સમય સુધી દેખાય છે.
કન્ટ્રેલ્સ કેવી રીતે બને છે?
આ પ્રક્રિયા બિલકુલ શિયાળામાં આપણા મોઢામાંથી નીકળતી વરાળ જેવી જ છે. જ્યારે આપણે ઠંડી હવામાં શ્વાસ બહાર કાઢીએ છીએ, ત્યારે ગરમ વરાળ બહારની ઠંડી હવાના સંપર્કમાં આવતાં જ થીજી જાય છે અને સફેદ ધુમાડા જેવી દેખાય છે. વિમાનના એન્જિનમાં બળતણ (જેટ ફ્યૂઅલ) બળે ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને પુષ્કળ પ્રમાણમાં વરાળ નીકળે છે. જ્યારે વિમાન 26,000થી 40,000 ફૂટની ઊંચાઈએ ઊડતું હોય છે, ત્યારે ત્યાંનું તાપમાન -40 ઔંસ સેલ્સિયસથી પણ નીચે હોય છે. વિમાનના ગરમ એન્જિનમાંથી નીકળતી વરાળ જ્યારે આ અતિશય ઠંડી હવાના સંપર્કમાં આવે છે, ત્યારે તે તરત જ નાના બરફના કણો (આઈસ ક્રિસ્ટલ)માં ફેરવાઈ જાય છે. આ બરફના કણોનો સમૂહ આપણને આકાશમાં લાંબી સફેદ લાઈન સ્વરૂપે દેખાય છે.
પર્યાવરણ પર તેની અસર
જોકે, આ લાઈનો જોવામાં સુંદર લાગે છે, પરંતુ પર્યાવરણ પ્રેમીઓ માટે તે ચિંતાનો વિષય છે. સંશોધનો મુજબ આ કન્ટ્રેલ્સ જ્યારે વાદળોનું સ્વરૂપ લે છે, ત્યારે તે પૃથ્વીની ગરમીને અવકાશમાં જતી રોકે છે. તેને `ગ્રીનહાઉસ ઇફેક્ટ' કહેવામાં આવે છે. રાત્રિના સમયે બનતા કન્ટ્રેલ્સ પૃથ્વીના તાપમાનમાં વધારો કરવામાં મોટો ભાગ ભજવે છે.
`કેમટ્રેલ્સ' વિશેની ભ્રામક માન્યતા
એક એવી થિયરી પણ પ્રચલિત છે કે આ લાઈનો સરકાર દ્વારા કેમિકલ છાંટવા માટે કરવામાં આવે છે, જેને `કેમટ્રેલ્સ' કહેવાય છે. જોકે, વિશ્વભરના વૈજ્ઞાનિકોએ આ વાતને નકારી કાઢી છે. આ સંપૂર્ણપણે એક કુદરતી ભૌતિક પ્રક્રિયા છે અને તેમાં કોઈ ઝેરી રસાયણો હોતાં નથી. હવે પછી જ્યારે તમે આકાશમાં આ સફેદ લાઈનો જુઓ, ત્યારે સમજી લેજો કે કુદરત અને ટેક્નોલોજીના મિલનથી એક કામચલાઉ વાદળની રચના થઈ રહી છે. તે વિજ્ઞાનનો એક સુંદર નમૂનો છે, જે આપણને વાતાવરણના બદલાતા મિજાજની પણ જાણ કરે છે.
શું દરેક વિમાન કન્ટ્રેલ્સ બનાવે છે?
આનો જવાબ છે ના. દરેક વિમાન આ લાઈનો બનાવતું નથી. તેના માટે વાતાવરણની ચોક્કસ પરિસ્થિતિ જવાબદાર હોય છે. જેમ કે,
ઊંચાઈ : વિમાન ખૂબ ઊંચાઈ પર હોવું જોઈએ જ્યાં તાપમાન શૂન્યથી ઘણું નીચે હોય.
ભેજનું પ્રમાણ: જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય, તો આ લાઈનો લાંબી બને છે અને લાંબો સમય ટકે છે. જો હવા સૂકી હોય, તો આ લાઈનો બનતાની સાથે જ અદૃશ્ય થઈ જાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
