ઉનાળામાં કચકચાવીને ગરમી પડે એટલે આપણે ત્યાં ઘરોમાં બે પક્ષ સક્રિય થઈ જાય છે. એક `કૂલર લાવો મોરચો' અને બીજો `એસી વસાવો મંચ'. બંને પક્ષનો એક જ હેતુ હોય છે, ઘરના સભ્યોને ટાઢા પાડવા, એટલે કે ઘરમાં ઠંડક ફેલાવવી. જોકે, બંને પાર્ટીઓની `ટાઢોડું કરવાની' રીત અલગ અલગ હોય છે. કૂલર પક્ષ માને કે પાણી, પવનના આશીર્વાદથી સર્વત્ર ઠંડક પ્રસરે છે. એસી પક્ષ માને કે રિમોટની ચાંપ દબાવો એટલે ઘરમાં ઉત્તર ધ્રુવની એન્ટ્રી પડી જાય છે.
કૂલર એ ભારતીય સંસ્કૃતિનું જીવતું સ્મારક છે. એ ચાલે એટલે ઘરમાં અવાજ એવો આવે કે જાણે રોડનું ખોદકામ ચાલી રહ્યું હોય. કૂલર ચાલુ થાય એટલે ઘરવાળા એકબીજા સાથે સાંકેતિક ભાષામાં વાત કરવા માંડે છે. `ચા પીશો?' પૂછવું હોય તો હાથમાં રકાબી પકડી હોય એવી એક્ટિંગ કરી બતાવવી પડે છે. કૂલર પાસે ઊભા રહો તો પવન એવો ફૂંકાય કે ટાલિયાઓના માટેથી વિગ ઊડી જાય છે, પણ કૂલરનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આખા પરિવારને એકતાથી સાથે બેસવાનું શીખવે છે, કારણ કે કૂલરની ઠંડક એની સામે બેસનારને જ મળે છે. બાકી લોકો ખુરશી ખેંચી-ખેંચીને એંગલ શોધી એની રેન્જમાં બેસવું પડે છે. કૂલર સામે બેઠેલો માણસ રાજગાદી પર બેઠેલા રાજા જેવો લાગે અને બાકીના સભ્યો દરબારી.
એસી ઘરમાં લાગે પછી ઘરમાં ટેક્નોલોજીનું રાજ્ય આવી જાય. એસી ચાલુ થાય એ પહેલાં એસીવાળા રૂમનાં બારી, બારણાં બંધ થઈ જાય. પછી માણસો એ રૂમની અંદર બંધ થઈ જાય. બહારની દુનિયા સાથેનો સંબંધ તૂટી જાય. એસીવાળા રૂમમાં બેઠેલા લોકોનો સ્વભાવ પણ ઠંડો થઈ જાય. `ચા લાવશો?' પણ એ રીતે બોલે જાણે ઓફિશિયલ ઈ-મેલ મોકલ્યો હોય.
એસીનું રિમોટ ઘરમાં સૌથી શક્તિશાળી વસ્તુ છે. ટીવીનું રિમોટ ખોવાઈ જાય તો ચાલે, પણ એસીનું રિમોટ ગુમ થાય એટલે ઘરમાં તાત્કાલિક બેઠક બોલાવવામાં આવે. સોફાની ગાદીઓ ઉઠાવાય, ગાદલા ખસે, બાળકોની કડક પૂછપરછ થાય. અંતે રિમોટ ફ્રીઝમાંથી મળે ત્યારે બધા રિમોટને એવી રીતે જુએ જાણે બિછડા પ્યાર મિલ ગયા હો.
કૂલરનો ખર્ચો ઓછો, પણ સેવા વધારે માંગે. પાણી ભરો, ઘાસ બદલો, સાફ કરો, ધક્કો મારો. કૂલર જૂનું થઈ જાય તો ચાલુ કરતા પહેલાં એને પ્રેમથી બે થપ્પડ મારવી પડે. પછી જ સ્ટાર્ટ થાય. જાણે કહેતું હોય, `માન આપો તો કામ આપું.'
એસીનો ખર્ચો વધારે અને નખરાં પણ રાજાશાહી. ઇન્સ્ટોલેશન, સર્વિસિંગ, ગેસ ફિલિંગ, ફિલ્ટર ક્લિનિંગ. એનું બિલ જોઈને માણસને લૂ લાગી જાય. મહિનાના અંતે લાઈટબિલ આવે ત્યારે પરિવારનો ચહેરો એવો થાય જાણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી દંડ ભરવાની નોટિસ આવી હોય.
કૂલરવાળા ઘરમાં મહેમાન આવે તો સીધા કૂલર સામે બેસાડવા પડે. `બેસો, કુદરતી ઠંડી હવા માણો.' એસીવાળા ઘરમાં મહેમાન આવે તો પહેલો પ્રશ્ન થાય કે, `આ કેટલા કલાક રોકાશો?' કારણ કે એસીમાં દરેક કલાકનો અર્થ યુનિટ વપરાશ થાય છે.
કૂલરનું તો એવું છે કે એને ફટ દઈને લઈ આવો પછી પાણી ભરી ઠંડી હવા ખાઓ, પણ એસી તો મોંઘી `જણસ' છે. એને ખરીદવું હોય તો લોન લેવી પડે. એના હપ્તા અને વીજળીનું બિલ જોઈને ઘરના સભ્યોનું બ્લડપ્રેશર વધી જતું હોય છે. કૂલર સસ્તું પડે જ્યારે એસી માણસને `ઠંડક'ની સાથે બિલની `ફડક' પણ આપે છે.
કૂલરની ઠંડક મિડલ ક્લાસ ફિલિંગવાળી હોય છે. એસીની ઠંડક સ્ટેટસ સિમ્બોલવાળી હોય છે. કૂલર કહે છે, `દોસ્ત મહેનત કરીને ઠંડક કરીશ.' એસી કહે છે, `ટેમ્પરેચર સેટ કરો, પછી વાત કરીશ.'
આખરી સત્ય એ છે કે મધ્યમવર્ગીય માણસનું તન કૂલર સામે હોય છે મન એસી સાથે હોય છે. ઉનાળામાં કૂલર વાસ્તવિકતા છે અને એસી મીઠું સપનું છે. બાકી એ બંને ન હોય તો આપણી સેવામાં સદીઓ જૂનો સાથી પંખો તો હાજરાહજૂર છે જ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો