આપણે ત્યાં શુકન દ્રવ્યોમાં પ્રયોજાતા ધાણા અને ગોળ તથા શાકભાજીમાં પણ પ્રયોજાતા ધાણા, જીરું કે કોથમીરનો પરિચય કરાવવાની જરૂર ખરી? `ધાણા' એ આપણું સસ્તું, સુલભ અને સુપરિચિત એક ઉત્તમ ઘરગથ્થું ઔષધ છે.

ગુણકર્મ

ધાણાને આયુર્વેદીય ગ્રંથોમાં તૂરા, કડવા, મધુર અને તીખા એમ ચાર રસનો મિશ્ર અનુભવ કરાવનાર કહ્યા છે. પચી ગયા પછી તે મધુર ભાવમાં પરિણમે છે. તે શીતળ-ઠંડા, પચવામાં હળવા, હૃદ્ય એટલે કે હૃદયને બળ આપનાર, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, સ્રોતો એટલે આપણા શરીરમાં રહેલા અનેક માર્ગોની શુદ્ધિ કરનાર જેવા કે મૂત્રનળીઓ, શુક્રનળીઓ આર્તવવહસ્રોત, રક્તવાહી નળીઓ અને શ્વાસનળીઓ વગેરે.

તે જમવામાં રુચિ ઉત્પન્ન કરાવનાર, જઠરાગ્નિને પ્રબળ કરનાર, ગ્રાહી, પાચક, મૂત્ર સાફ લાવનાર, તૃષાનું શમન કરનાર, ત્રણે દોષોને હરનાર, આંખો માટે હિતકારી, તાવ, તરસ, દાહ, ઉધરસ, દમ, ઊલટી, આમ, મસા અને કૃમિનો નાશ કરનાર છે. આ કારણથી તે આપણા દૈનિક દાળ-શાકમાં પ્રયોજાયા લાગે છે.

ઉપયોગો

આપણા દેશમાં શારંગધર નામના મહાન વૈદ્ય થઈ ગયા. તેમણે પોતાના ગ્રંથમાં આમવાત (રુમેટોઈડ આર્થ્રાઈટિસ) માટે એક સરસ પ્રયોગ બતાવ્યો છે. ધાણા, સૂંઠ અને એરંડમૂળ આ ત્રણેય ઔષધો સો-સો ગ્રામ લાવી તેને અધકચરાં ખાંડી લેવાં. રોજ સવારે અને રાત્રે આઠ કપ જેટલા પાણીમાં બે ચમચી જેટલો આ ઔષધોનો ભુક્કો નાંખી તેને ઉકાળવું. ઉકળતાં ઉકળતાં જ્યારે એક કપ જેટલું દ્રવ રહે ત્યારે તેને ઉતારી ઠંડું પાડી ગાળીને પી જવું. વર્ષોથી જકડાઈ ગયેલા સાંધાઓ આ પ્રયોગથી ધીમે ધીમે છૂટા પડે છે.

ઘણીવાર મેલેરિયા જેવા જ્વર એટલે કે તાવમાં ખૂબ જ તરસ લાગે છે અને દર્દી વારંવાર પાણી પીવા માંગે છે. એ વખતે સાદું પાણી પીવું હિતાવહ નથી, કારણ કે તાવમાં જઠરાગ્નિ સાવ મંદ પડી ગયો હોય છે. આવા મંદ જઠરાગ્નિને ફ્રીઝ કે બરફનું પાણી વધારે મંદ કરે છે. પરિણામે તરસ વધારે લાગે છે, પણ કકડીને ભૂખ લાગતી નથી. એટલે આ વખતે ધાણા નાખીને ઉકાળેલું પાણી આપવું જોઈએ.

3 લિટર પાણીમાં બે ચમચી ધાણાનો ભુક્કો નાખી તેને ઉકાળી, ઠંડું પાડીને પીવા આપવું. ધાણા પિત્તશામક છે. કમળાના દર્દીઓને પણ તે ખૂબ જ હિતકારી છે.

જેમને ખાધેલું પચતું ન હોય અને ભૂખ જ ન લાગતી હોય, તેમણે માત્ર ધાણા અને સૂંઠ સમભાગે લઈ તેનો ઉપર જણાવેલ આમવાત પ્રમાણે ઉકાળો બનાવીને પીવો, જેથી આમનું પાચન થશે અને ભૂખ સારી લાગશે.

200 ગ્રામ ધાણાને અધકચરા ખાંડી લેવા. બે ગ્લાસ પાણીમાં બે ચમચી આ ધાણાનો ભુક્કો નાખીને આખી રાત પલાળી રાખવા. સવારે આ પાણી ગાળીને તેમાં થોડી સાકર નાખી પી જવું. જેમને અંતર્દાહ થતો હોય, નખ તથા ત્વચા કાળી થતી હોય. ઉનાળાની ગરમી કે `ઊનવા'ની અસર હોય, જીર્ણ-મંદ તાવ રહેતો હોય, મૂત્રાવરોધ કે મૂત્રનું પ્રમાણ ઓછું હોય, તેમના માટે આ પ્રયોગ ખૂબ જ હિતકારી છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો