વિ રાજાએ રાણીની યાદમાં મહેલ કે સ્મારક બનાવ્યા હોય એવા કિસ્સા ઇતિહાસમાં અનેક જોવા મળે છે. આપણે આવા સ્મારકને ખૂબ આદર અને સન્માન આપીએ છીએ.
પરંતુ કોઇ યુવકને યુવતી લગ્ન પહેલાં છોડીને જતી રહી હોય અને તેની યાદમાં એ યુવકે કિલ્લો બનાવ્યો હોય એવા કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે. આ કિલ્લાનું નામ કોરલ કેસલ છે, જે રહસ્યમય અને અદ્ભુત સ્મારક છે. તેને અમેરિકાનો સ્ટોનહેન્જ પણ કહેવામાં આવે છે.
અમેરિકાના ફ્લોરિડામાં આવેલું કોરલ કાસલ દુનિયાભરમાં તેના અદ્ભુત બાંધકામ અને રહસ્યો માટે જાણીતું છે. આ સ્મારક માત્ર એક કિલ્લો જ નથી, પરંતુ એક એવી કલાકૃતિ છે જે આજે પણ વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારો માટે કોયડા સમાન છે.
કોરલ કેસલનો ઇતિહાસ
કોરલ કેસલનું નિર્માણ લાતવિયાઇ દેશના એડવર્ડ લીડસ્કેલનીને કર્યું હતું. તેઓ 20મી સદીની શરૂઆતમાં અમેરિકા આવ્યા હતા. એડવર્ડનું અંગત જીવન ખૂબ દુઃખદ હતું. તેમની સગાઇ થઇ ચૂકી હતી અને લગ્નની તૈયારી ચાલી રહી હતી, પણ દુઃખની વાત એ હતી કે લગ્નના ગણતરીના દિવસો બાકી હતા ત્યારે લીડસ્કેલનીની મંગેતરે તેમને છોડી દીધા. એડવર્ડ આ કન્યાને ખૂબ પ્રેમ કરતા હતા, તેથી આ ઘટનાએ એડવર્ડને આઘાત આપ્યો અને જીવનભર એકલા રહેવાનું પસંદ કર્યું. એવું કહેવાય છે કે, આ દુઃખમાંથી બહાર આવવા માટે તેમણે કોરલ કેસલ બાંધવાનું નક્કી કર્યું.
કોરલ કેસલની વિશેષતા
1923માં કોરલ કેસલને બનાવવાની શરૂઆત એડવર્ડે કરી હતી. તેને બનાવવામાં આશરે 28 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. સામાન્ય રીતે કિલ્લો અથવા સ્મારક બનાવવામાં કોઇ પણ વ્યક્તિ જે તે વિષયના નિષ્ણાત લોકોની મદદ લેતા હોય છે, પરંતુ અહીં નવાઇની વાત તો એ છે કે એડવર્ડે પોતાના હાથેથી બનાવ્યું હતું. તેમાં હજારો ટન વજનના કોરલ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે એડવર્ડે ક્યારેય કોઈ મશીનરી કે મોટા મજૂરોની મદદ લીધા વિના આ ભવ્ય કિલ્લો ઊભો કર્યો હતો. તેઓ રાત્રિના અંધકારમાં શાંતિથી કામ કરતા અને કોઈએ તેમને ક્યારેય પથ્થરો ઊંચકતા જોયા નથી.
કિલ્લાની દીવાલો, દરવાજા, ખુરશીઓ, ટેબલ, સૂર્યઘડી, ટેલિસ્કોપ જેવાં અનેક અદ્ભુત શિલ્પો અહીં જોવા મળે છે. નવ ટન જેટલો ભાર ધરાવતો એક દરવાજો તો માત્ર એક આંગળીથી ખોલી અને બંધ કરી શકાય છે. આ દરવાજો લોકો અને એન્જિનિયરોને પણ આશ્ચર્યચકિત કરે છે. આજ સુધી આ કોયડાને કોઇ ઉકેલી શક્યું નથી. આવા તો અનેક કોયડા આ કિલ્લામાં સમાયેલા છે.
રહસ્યો અને માન્યતાઓ
કોરલમાંથી બનેલ આ કિલ્લો વિદ્વાનો માટે આજે પણ રહસ્યમય છે. જેમ કે, એડવર્ડે આટલા ભારે પથ્થરો કેવી રીતે કાપ્યા, ખસેડ્યા અને ઊભા કર્યા તે આજ સુધી જાણી શકાયું નથી. ઘણા લોકો માનતા હતા કે તેમને પ્રાચીન ઇજિપ્તના પિરામિડમાંથી આ રહસ્યમય જ્ઞાન મળ્યું હતું. કેટલાકે તો એમ પણ કહ્યું કે તેઓ ચુંબકીય શક્તિઓ અને ગુરુત્વાકર્ષણના નિયમોને પોતાની રીતે સમજતા હતા. એડવર્ડ પોતે કહેતા કે, મેં પિરામિડ્સનાં રહસ્ય શોધી કાઢ્યાં છે. આ રહસ્ય કયું છે તેનો ઉલ્લેખ તેમણે ક્યાંય કર્યો નથી. બીજું તેમણે સમગ્ર કિલ્લાનું કામ એકલા હાથે કેવી રીતે કર્યું,
તેનો ક્યારેય ખુલાસો કર્યો નહોતો. લાતવિયન વાર્તા અનુસાર એડવર્ડને જે યુવતીએ છોડી દીધો એ યુવતીનું નામ હર્મિન લુઇસ હોવાનું મનાય છે. એડવર્ડ આ જ કિલ્લામાં ઉપરના માળે રહેતા હતા. 64 વર્ષની ઉંમરે કિડનીની બીમારી થતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ બાદ આ મિલકત નેશનલ રજિસ્ટ ઓફ હિસ્ટોરિક પ્લેસીસમાં નોંધવામાં આવી હતી. એ વખતે આ કિલ્લાનું નામ રોક ગેટ રાખવામાં આવ્યું હતું, પરંતુ 2011માં તેને બદલીને કોરલ કેસલ કરવામાં આવ્યું હતું.
આજે પણ કોરલ કેસલ ફ્લોરિડાના હોમસ્ટેડ શહેરમાં એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. દર વર્ષે હજારો લોકો અહીં આવીને એડવર્ડની કૃતિને નિહાળે છે. વિજ્ઞાનીઓ, ઇતિહાસકારો અને પર્યટકો સૌ કોઈના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે, એકલા માણસે આટલી મોટી રચના કેવી રીતે ઊભી કરી હશે?
કોરલ કેસલ માત્ર પથ્થરોથી બનાવેલો કિલ્લો નથી, પરંતુ તે પ્રેમ અને રહસ્યનું પ્રતીક છે. એડવર્ડ લીડસ્કેલનીનની મહેનત અને અજોડ કલ્પનાશક્તિએ તેને દુનિયાનું એક અનોખું ચમત્કારિક સ્થળ બનાવી દીધું છે.
