જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર છે. હવા એટલે ઓક્સિજન અને કુદરતમાં વૃક્ષો તો ઓક્સિજનની ફેક્ટરીઓ ગણાય, ત્યારે જો વૃક્ષો જ ન હોય તો શું થાય? એમ પણ પ્રદૂષણ વધી રહ્યું છે, ત્યારે ધરતી પર જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના પ્રયાસોના કેન્દ્રમાં તો વૃક્ષ જ રહેલું છે. એ કારણે જ પર્યાવરણનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે આપણે વૃક્ષો ઉગાડીએ છીએ, પરંતુ કેટલાક દેશો એવા છે, જ્યાં કુદરતે વનસ્પતિસૃષ્ટિ પર જાણે પ્રતિબંધ મૂક્યો ન હોય! એ વાત અલગ છે કે હવે વિજ્ઞાને કુદરતમાં હસ્તક્ષેપ કરી હરિયાળી વિકસાવવાનું કામ કર્યું છે. વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષી લઈને આપણને ઓક્સિજન આપે છે. ઓક્સિજન શ્વાસમાં લઈને ધરતી પરના પ્રાણી-પક્ષીઓ જીવે છે. એ કારણે જ ધરતીનું જીવનચક્ર ચાલી રહ્યું છે. એ કારણે જ પ્રદૂષણની વિષમતાની અસર હવે જ્યારે વર્તાવા માંડી છે, ત્યારે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવાની ઝૂંબેશ ચાલતી રહે છે.

હરિયાળી વધે એટલે ગ્રીન હાઉસ ગેસીસમાં મુખ્ય વિલન ગણાતા કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટાડી શકાય અને ઓક્સિજન વધે. વૃક્ષોનું મહત્ત્વ આપણા જીવન માટે એટલે જ અદકેરું છે. એમ છતાં ધરતી પર કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં વનસ્પતિનું નામોનિશાન નથી! આ વિચિત્ર લાગે. ધરતી પર ક્યાંક પહાડ છે, તો ક્યાંક મેદાન છે. ક્યાંક રણ પ્રદેશ છે, તો ક્યાંક બરફ છવાયેલો રહે છે. આખી ધરતી જ કૌતુક સમાન છે. વનસ્પતિને પણ ફૂલવા ફાલવા માટે પાણી અવે ફળદ્રુપ જમીનની જરૂર રહે છે. એ ઉપરાંત ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણ થઈ શકે એ માટે સૂર્ય પણ આકાશમાં ઉગવો જોઈએ.

ધરતી પર કેટલાય વિસ્તારો એવા છે, જ્યાં સૂર્ય નારાયણના દર્શન દુર્લભ હોય છે. કહેવાનો મતલબ એ જ કે કુદરત પણ એવું ઈચ્છતી હોય કે પૃથ્વી પર દરેક જગ્યાએ વૃક્ષો ઉગે એ જરૂરી નથી. દુનિયાના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કુદરતી રીતે વૃક્ષો ઉગાડવાનું અત્યંત મુશ્કેલ છે. કતાર, ઓમાનના કેટલાક વિસ્તારો, ગ્રીનલેન્ડ અને ઐતિહાસિક રીતે, આઇસલેન્ડ જેવા દેશોમાં ક્યાં તો રણની રેતી જ પથરાયેલી છે, તો ક્યાંક જાણે થીજીને ઠીકરૂં થઈ ગઈ હોય એવી બરફિલી જમીન છે. એ કારણે આ દેશો કે વિસ્તારો એવા છે કે જ્યાં વૃક્ષો અસ્તિત્વ ટકાવી શકતા નથી. કતાર અને કુવૈત જેવા રણ દેશોમાં, વરસાદ ખૂબ ઓછો હોય છે અને જમીન રેતાળ હોય છે. પરિણામે, વૃક્ષોના મૂળ મજબૂત રીતે વિકાસ પામી શકતા નથી અને તે લાંબા સમય સુધી ટકી શકતા નથી. બીજી બાજુ, ગ્રીનલેન્ડ જેવા ઠંડા પ્રદેશોમાં, ભૂગર્ભમાં પર્માફ્રોસ્ટનું જાડું સ્તર છોડના મૂળને ફેલાતા અટકાવે છે. અતિશય ઠંડી પણ વૃક્ષોના વિકાસને અટકાવે છે.

જોકે, વૃક્ષ ન હોય તો એ વિસ્તારના લોકોને પૂરતો ઓક્સિજન મળતો હશે કે કેમ એવો સવાલ જરૂર થાય, પરંતુ એ પણ યાદ રહે કે ધરતીના વાતાવરણમાં ઓક્સિજન રહેલો છે અને એ કારણે જ ધરતી પર ક્યાંય ઓક્સિજન સાવ ન જ હોય એવું બની શકતું નથી. વૈજ્ઞાનિકોના મતે, પૃથ્વીના 50 ટકાથી 80 ટકા ઓક્સિજન ફાયટોપ્લાંકટન, શેવાળ અને દરિયાઈ ઘાસ જેવા દરિયાઈ જીવોમાંથી આવે છે. આ જ કારણ છે કે આ દરિયાકાંઠાના દેશો સમુદ્રમાંથી ઓક્સિજનથી ભરપૂર હવા મેળવે છે. વધુમાં, વૈશ્વિક પવન પ્રણાલી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એમેઝોનના ગાઢ જંગલો અથવા દક્ષિણપૂર્વ એશિયાના જંગલ વિસ્તારોમાં ઉત્પન્ન થતો ઓક્સિજન પવન સાથે સમગ્ર વિશ્વમાં ફેલાય છે. આ કુદરતી ચક્ર દરેક જગ્યાએ જીવન માટે જરૂરી સંતુલન જાળવી રાખે છે.

કુદરતને ભલે મંજૂર ન હોય, પણ વિજ્ઞાને કુદરતમાં હસ્તક્ષેપ કરી ટેકનોલોજીની મદદથી ગ્રીનલેન્ડ જેવા ઠંડા પ્રદેશોમાં તાપમાન અને ભેજ નિયંત્રિત રાખી શકાય એવા ગ્રીનહાઉસમાં છોડ ઉગાડવામાં આવે છે. જ્યારે રણપ્રદેશના દેશોમાં, ટપક સિંચાઈ, ડિસેલિનેશન અને આબોહવા નિયંત્રણ જેવી આધુનિક તકનીકોની મદદથી ધીમે ધીમે લીલા વિસ્તારોનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કેટલાય દેશોમાં આડેધડ વૃક્ષછેદન થઈ રહ્યા છે. એમેઝોનના જંગલમાં પણ એવી જ સ્થિતિ છે, ત્યારે આપણે પર્યાવરણનું નખ્ખોદવાળીને ક્યાંક જોખમ તો ઊભું કરી રહ્યા નથી ને?

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો