ભલે ગમે એટલું કહેવાય કે યુદ્ધ નહિ બુદ્ધને પસંદ કરો અથવા ગાંધીજીની અહિંસા નીતિને અનુસરો, પરંતુ સાવ સત્ય નગ્ન હકીકત એ છે કે ઈચ્છો તો પણ `બુદ્ધની શાંતિ કે ગાંધીજીની અહિંસા' અનુસરી શકાય એમ છે જ નહિ. આજના યુગમાં શક્ય જ નથી.   

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની શરૂઆત 24 ફેબ્રુઆરી, 2022ના રોજ થઈ હતી. શા માટે પુતિને યુક્રેન પર આક્રમણ કર્યું હતું તે કદાચ ભુલાવી દેવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અટકચાળો કર્યો હતો. ઝેલેન્સકીને નાટો દેશ તરીકે યુક્રેનને પ્રસ્થાપિત કરવાની ભૂતાવળ વળગી હતી. નાટો ઉત્તર અમેરિકા અને યુરોપના કુલ 32 દેશોનું એક સૈન્ય સંગઠન છે, જેનું આધિપત્ય અમેરિકાના હાથમાં છે. નાટો દેશો વચ્ચે એક સમજૂતી છે તે મુજબ જો કોઈ એક સભ્ય દેશ પર હુમલો થાય, તો તેને નાટો દેશોના બધા જ સભ્ય દેશો પર થયેલો હુમલો ગણવામાં આવે અને બધા દેશો મળીને વળતો હુમલો કરે. નાટોનો હેતુ જ તેના સભ્યોને રાજકીય અને લશ્કરી માધ્યમોથી બચાવવાનો છે. અમેરિકા યુરોપિયન દેશોને, ખાસ કરીને પૂર્વ યુરોપના દેશોને નાટો દ્વારા આ સંગઠન સાથે જોડતું રહ્યું છે. અમેરિકન વ્યૂહરચનાકારોનો ઇરાદો હતો કે, યુક્રેન પણ નાટોનું સભ્ય બનવું જોઈએ. જો એમ થાય તો નાટો રશિયાની નજીક પહોંચી જાય, યુએસ લશ્કરી શક્તિ જ રશિયાની સરહદની નજીક પહોંચી જાય, રશિયા ક્યારેય ઈચ્છશે નહીં કે અમેરિકન શક્તિ તેની નજીક પહોંચે. અમેરિકા સામે તૂટ્યું ફૂટ્યું જેવું છે તેવું રશિયા જ સામી ધરી છે. રશિયાએ/પુતિને, યુક્રેન/ઝેલેન્સકીને શાંતિથી સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ ઝેલેન્સકીને માનવું જ ન હતું, તેથી રશિયા પાસે યુક્રેનના માધ્યમથી અમેરિકાને પોતાની સરહદ સુધી પહોંચતા અટકાવવા માટે એક જ રસ્તો હતો તે યુદ્ધ.   

ભારત પર પાકિસ્તાન દ્વારા ચાર મોટાં યુદ્ધો થોપવામાં આવ્યાં છે. 1971ના યુદ્ધમાં ભારતીય સેના સામે પાકિસ્તાનના આશરે 93,000 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું, કારમી હાર અને બાંગ્લાદેશ ગુમાવ્યા પછી પાકિસ્તાને ભારત સામે સીધા યુદ્ધમાં જીતી ન શકવાના કારણે `પ્રોક્સી વોર' અને `બ્લીડ ઈન્ડિયા વિથ અ થાઉઝન્ડ કટ્સ' (હજારો ઘા મારીને ભારતને નબળું પાડવું)ની નીતિ અપનાવી છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી અને ત્યાંની સેના આતંકી સંગઠનોને હથિયાર, પૈસા અને ટ્રેનિંગ આપે છે. 1993 મુંબઈ બ્લાસ્ટ, 2001 સંસદ પર હુમલો, 2008 મુંબઈ હુમલો (26/11), 2016 ઉરી અને 2019 પુલવામા હુમલા તેમજ 2025 પહેલગામ હુમલામાં પાકિસ્તાન જ સામેલ હતું. પહેલાં જ્યારે પણ ભારતમાં કોઈ આતંકવાદી હુમલો થતો, ત્યારે બુદ્ધની શાંતિ નીતિ અને ગાંધીજીની અહિંસા નીતિ અપનાવી ભારત સરકાર પાકિસ્તાનને આતંકવાદીઓ વિરુદ્ધના પુરાવાઓ તરીકે દસ્તાવેજો (Dossiers) સોંપતી. છેક હવે આટલાં વર્ષો માર ખાધા પછી, દરેક હુમલા પછી ડોઝિયર-ડોઝિયર રમ્યા પછી, રણનીતિ બદલીને આક્રમક વલણ અપનાવ્યું છે. બી.આર. ચોપરાની શ્રેણી `મહાભારત'નું લોકપ્રિય ગીત છે `મહાભારત હૈ શાંતિ સંદેશ'. યુદ્ધ પણ એક શાંતિ માટેનો સંદેશ છે. આવી જ રીતે ચીન પણ ભારત સહિત બધા જ અડોશપડોશના દેશો સાથે છમકલાં કરતુ રહે છે, તો શું બધા હાથ જોડીને બેસી રહે? હમણાં અમેરિકા ઈરાન સાથે યુદ્ધ કેમ કરે છે તેનું ખુદ અમેરિકનોને આશ્ચર્ય છે. એ જમાનો જુદો હતો, જ્યારે બીજો ગાલ ધરતા તો મારનાર દયા ખાઈને જવા દેતો, હવે તો બીજા ગાલે વધારે સજ્જડ થપ્પડ મારીને જાય.  

દરેક યુગ જુદા હોય છે, દરેક યુગની નીતિ પણ અલગ હોય છે. રામે રામાયણ તો કૃષ્ણે મહાભારત સર્જી નાખ્યું હતું. ઇચ્છાએ કે અનિચ્છાએ સ્વીકારો આજનો યુગ યુદ્ધનો જ છે. જે દેશ યુદ્ધ નથી કરતા, ઇતિહાસ નથી સર્જતા, ઇતિહાસ બની જાય છે.                       


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો