વિમાન એક એવો શબ્દ છે જે નાનાથી મોટા સૌને આકર્ષે છે. ઊડતા વિમાનનો અવાજ સંભળાય એટલે ડોક આકાશભણી ઊંચી થઇ જાય છે.
ઉડાણ ભરતા, ઉતરાણ કરતા વિમાનનું સૌંદર્ય દરેકને આકર્ષે છે. જ્યાંથી વિમાનો ઊડે છે, જ્યાં વિમાનો ઊતરે છે તેને `એરપોર્ટ' કહે છે; જે `હવા' અને `બંદર'નું સંયોજન છે. પહેલાં `એરોડ્રોમ' (જેનો અર્થ `એરકોર્સ' થાય છે) શબ્દ પ્રચલિત હતો, જે પ્રાચીન ગ્રીક શબ્દો `એર' અને `કોર્સ' પરથી આવ્યો છે. વિમાન અને મુસાફરોને સંભાળવા માટે સુવિધાઓ વધુ વિકસિત થતાં એરપોર્ટ શબ્દ ઉદ્ભવ્યો.
વિશ્વમાં સૌથી વધુ એરપોર્ટ યુનાઇટેડ સ્ટેટ્સમાં છે. લશ્કરી અને કૃષિ હવાઈ ક્ષેત્ર સહિત 15800થી વધુ એરપોર્ટ છે. જ્યારે વસ્તી અંદાજે 347 મિલિયન અને તેનો કુલ વિસ્તાર આશરે 9.8 મિલિયન ચોરસ કિલોમીટર (3.8 મિલિયન ચોરસ માઇલ) છે. યુ.એસ. વિશ્વનો ત્રીજો સૌથી વધુ વસ્તી ધરાવતો અને ક્ષેત્રફળની દૃષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ છે. ત્યારબાદ બ્રાઝિલ આવે છે તેની પાસે 4900 એરપોર્ટ છે. બ્રાઝિલનો કુલ વિસ્તાર આશરે 8.5 મિલિયન ચોરસ કિલોમીટર છે, જે તેને વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ બનાવે છે. તેની વર્તમાન વસ્તી આશરે 213 મિલિયન હોવાનો અંદાજ છે. ઓસ્ટ્રેલિયામાં લગભગ 2180 એરપોર્ટ છે. વિસ્તાર આશરે 7.7 મિલિયન ચોરસ કિલોમીટર, વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો દેશ અને અંદાજિત વસ્તી આશરે 28.06 મિલિયન લોકો છે.
મેક્સિકો લગભગ 1485 એરપોર્ટ, 132 મિલિયનથી વધુ લોકોની વસ્તી, કુલ વિસ્તાર આશરે 1,972,550 ચોરસ કિલોમીટર છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વનો તેરમો સૌથી મોટો દેશ છે અને કેનેડા કુલ વિસ્તાર આશરે 9.97 મિલિયન ચોરસ કિલોમીટર અને આશરે 42 મિલિયન વસ્તી સાથે લગભગ 1425 એરપોર્ટ ધરાવે છે. આશરે 3.287 મિલિયન ચોરસ કિલોમીટર, જે ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વનો સાતમો સૌથી મોટો અને સૌથી વધુ વસ્તી 1.4 અબજથી વધુ ધરાવતા દેશ ભારતમાં માત્ર 150થી વધુ કાર્યરત એરપોર્ટ છે.
2014થી ભારતમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે, પરંતુ વિશ્વના ત્રીજા સૌથી મોટા સ્થાનિક ઉડ્ડયન બજારને વધુ એરપોર્ટની જરૂર છે. નાણાકીય વર્ષ 2024માં ભારતીય એરપોર્ટ પર કુલ હવાઈ મુસાફરોનું સંચાલન વાર્ષિક ધોરણે 15% વધીને 37.6 કરોડ થયું, જ્યારે ઘરેલુ હવાઈ મુસાફરોનો ટ્રાફિક 13% વધીને 30.6 કરોડ થયો જ્યારે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોનો ટ્રાફિક 22% વધીને 7 કરોડ થયો, એમ સર્વેમાં નોંધાયું છે. ભારતમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે. જોકે, આગામી પાંચ વર્ષમાં વધુ એરપોર્ટ ઉમેરીને તેમજ હાલના એરપોર્ટનું વિસ્તરણ/અપગ્રેડ કરીને આ ક્ષમતા વધારવાની જરૂર છે, સર્વેમાં જણાવાયું છે.
એરપોર્ટનો આર્થિક પ્રભાવ : પ્રગતિ અને વિકાસને આગળ ધપાવવો. ઐતિહાસિક રીતે શિપિંગ, રેલવે અને હાઇવે જેવા પરિવહન નેટવર્ક્સ શહેરની આર્થિક શક્તિને પ્રભાવિત કરતાં હતાં. આજે એરપોર્ટ શહેરો, પ્રદેશો અને દેશો માટે આ ભૂમિકા ભજવી રહ્યાં છે. વ્યવસાય અને વેપારને આકર્ષિત કરીને તેમના સંબંધિત અર્થતંત્ર પર સકારાત્મક અસર કરી રહ્યા છે. એરપોર્ટ પાઇલટ્સ, એર ટ્રાફિક નિયંત્રકો, ગ્રાઉન્ડ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ, જાળવણી ક્રૂ અને છૂટક અને આતિથ્ય ક્ષેત્રમાં વિવિધ રોજગારની તકો પૂરી પાડે છે. પરિવહન, પર્યટન અને વિવિધ સેવાઓ જેવાં સંબંધિત ક્ષેત્રોમાં પણ નોકરીઓનું સર્જન કરે છે. માલસામાન અને લોકોની સરળ હિલચાલ માટે પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે.
આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપે છે. બાંધકામ કામદારો, આર્કિટેક્ટ, એન્જિનિયરો, પ્રોજેક્ટ મેનેજરો અને સંબંધિત વ્યાવસાયિકો માટે વધુ નોકરીઓ મળે છે.
સ્થાનિક અર્થતંત્રો માટે એરપોર્ટ આવશ્યક છે, જે ઉત્પાદકતા, વૃદ્ધિ અને આર્થિક વિકાસ પર નોંધપાત્ર અસર કરે છે, વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, જેનાથી એકંદરે અર્થતંત્રને વેગ મળે છે. એરપોર્ટ પછી શું? જોઈશું આવતા સપ્તાહે.