હવામાં હજારો ફૂટની ઊંચાઈએ જ્યારે સેંકડો મુસાફરો શાંતિથી બેઠા હોય છે, ત્યારે વિમાનના કોકપિટમાં બેઠેલા પાઇલટ્સ માત્ર મશીન નથી ચલાવતા, પણ સેંકડો શ્વાસની જવાબદારી એમના માથે હોય છે અને તેઓ પોતાનું સંપૂર્ણ મગજ લગાવીને આ જવાબદારી નિભાવે છે. અલબત્ત, તાજેતરમાં બનેલી ઘટના એક તરફ પાઇલટ્સની વિશ્વસનીયતા ઉપર સવાલ કરે છે તો બીજી તરફ બીજા પાઇલટની દિલધડક બહાદુરીને બિરદાવે પણ છે. દુબઇ એરપોર્ટથી ઇઝરાયેલના તેલએવીવી જતી ફ્લાયદુબઇની ફ્લાઇટમાં બનેલી ઘટનાએ ફરી ફ્લાઇટ હાઇજેકિંગની ઘટના વિશે ચર્ચાઓ જગાવી છે. ફ્લાયદુબઇની ફ્લાઇટ એફઝેડ 1073માં બેઠેલા પેસેન્જર્સનાં નસીબ સારાં હતાં કે એમના જ વિમાનમાં એક ઓનેસ્ટ પાઇલટ પણ હતો, જેણે કો-પાઇલટ તરફથી અચાનક થયેલા હુમલા અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ અસાધારણ હિંમત, ધૈર્ય અને સમયસૂચકતા દાખવી. ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની હિંમતના કારણે એક બહુ મોટો અકસ્માત ટળી ગયો, નહીં તો આજે 9/11 જેવી ઘટનાના સમાચાર ચારેકોર ફરતા હોત.   

ઘાત ટળી ગઇ છે, પણ સેફ્ટીને લઇને ચિંતા ફરી વળી છે ત્યારે આવી ઘટનાઓના જ ઇતિહાસનાં પાનાં ઊથલાવવાનું એકવાર મન થાય. આ પહેલી વાર નથી બન્યું. જ્યારે પણ આકાશમાં કોઈ આતંકી ઘટના, શારીરિક હુમલો કે કટોકટી સર્જાઈ છે, ત્યારે પાઇલટ્સ કે કેબિન ક્રૂની આવી જ વીરતા અને સૂઝબૂઝે કાળના મુખમાંથી માનવજિંદગીઓને ઉગારી છે.   

1968 : એલ અલ ફ્લાઇટ 253

26 ડિસેમ્બર, 1968ના રોજ ઇઝરાયેલની નેશનલ એરલાઇન `El Al'નું બોઇંગ 707 વિમાન તેલઅવીવીથી એથેન્સ થઈને ન્યૂયોર્ક જઈ રહ્યું હતું. એથેન્સ એરપોર્ટ પરથી ફિલિસ્તીની આતંકવાદી સંગઠન PFLPના બે આતંકીઓ સશસ્ત્ર થઈને વિમાનમાં ચઢી ગયા. પ્લેન રનવે પર ટેક્સી કરી રહ્યું હતું ત્યારે જ આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો અને ગ્રેનેડ ફેંક્યા, જેમાં એક સબ-ઓફિસરનું ઘટનાસ્થળે જ મોત થયું. આતંકીઓ બુલેટપ્રૂફ દરવાજો તોડીને કોકપિટમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કેપ્ટન હનાન એશત અને તેમની ટીમે સહેજ પણ ગભરાયા વગર નિર્ણય લીધો અને વિમાનને રનવે પર જ ત્વરિત બ્રેક મારીને રોકી દીધું, જેથી વિમાન હવામાં ઊડીને મિસાઇલ ન બની જાય. આ દરમિયાન ક્રૂ મેમ્બર્સે પોતાના જીવના જોખમે ઇમરજન્સી ડોર ઓપન કરીને મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું અને ગ્રીસ પોલીસે આવી આતંકીઓને દબોચી લીધા.   

1986 : પેન એમ ફ્લાઇટ 73

5 સપ્ટેમ્બર, 1986ના રોજ કરાચીના જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુંબઈથી ફ્રેન્કફર્ટ જઈ રહેલા પેન એમ બોઇંગ 747 વિમાનમાં એરપોર્ટ સિક્યુરિટીના વેશમાં 4 સશસ્ત્ર આતંકવાદીઓ ઘૂસી ગયા. તેમનો હેતુ પ્લેન હાઇજેક કરીને ઇઝરાયેલમાં કોઈ મિલિટરી બેઝ સાથે અથડાવવાનો હતો. જેવા આતંકીઓએ ગોળીબાર કર્યો કે 22 વર્ષની સીનિયર એરહોસ્ટેસ નીરજા ભનોટે ઇન્ટરકોમ પર હાઇજેકિંગનો સિક્રેટ કોડ બોલી દીધો. કોકપિટમાં બેઠેલા કેપ્ટન જ્હોન ભંડારી, ફર્સ્ટ ઓફિસર અને ફ્લાઇટ એન્જિનિયરે સમજી લીધું કે જો તેઓ વિમાનમાં રહેશે તો આતંકીઓ બંદૂકની અણીએ તેમની પાસે પ્લેન ઉડાવડાવશે. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કોકપિટના ઓવરહેડ રોપ રિલીઝ ઇમરજન્સી હેટ્ચમાંથી દોરડા વડે નીચે કૂદીને પલાયન કરવાનો સાહસિક નિર્ણય લીધો. પાઇલટ્સ વગર વિમાન જમીન પર જ અટવાઈ ગયું. આતંકીઓ 16 કલાક સુધી પ્લેન ટેક-ઓફ ન કરી શક્યા. અંતે આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં નીરજા ભનોટે શહીદી વહોરી અને એ પહેલાં અનેક લોકોને બચાવ્યા પણ ખરા.   

1990 : બ્રિટિશ એરવેઝ ફ્લાઇટ 5390

10 જૂન, 1990ના રોજ બર્મિન્ઘમથી મલાગા જઈ રહેલા BAC વન-ઇલેવન વિમાનમાં 17,000 ફૂટની ઊંચાઈએ મેન્ટેનન્સની ભૂલને કારણે કોકપિટનો આગળનો કાચ ધડાકા સાથે તૂટી ગયો. હવાના અતિશય પ્રચંડ દબાણને લીધે સીટબેલ્ટ વગરના કમાન્ડિંગ કેપ્ટન ટિમોથી લેન્કેસ્ટર અડધા બહાર ખેંચાઈ ગયા અને તેમના પગ જ કંટ્રોલ પેનલમાં અટવાઈ રહ્યા. ફ્લાઇટ અટેન્ડન્ટ નાઇજિલ ઓગ્ડેને તરત દોડીને કેપ્ટનના પગ પકડી રાખ્યા. બહાર માઇનસ 17 ડિગ્રી તાપમાન હતું અને 650 કિમી/કલાકની ઝડપે બર્ફીલો પવન ફૂંકાતો હતો. ઓક્સિજનની ભારે અછત અને ઘોર અવાજ વચ્ચે પણ કો-પાઇલટ અલાસ્ટર એચિસને હિંમત ન હારી. એક હાથે બહાર લટકતા કેપ્ટનનો જીવ બચાવવા માટે ક્રૂ સાથે કંટ્રોલ જાળવ્યો અને બીજા હાથે વિમાનને ઝડપથી નીચે ઉતારી સાઉધમ્પ્ટન એરપોર્ટ પર સલામત લેન્ડિંગ કરાવ્યું. આશ્ચર્યજનક રીતે બહાર લટકેલા કેપ્ટન ટિમોથી પણ જીવંત બચી ગયા હતા.  

1994 : ફેડરલ એક્સપ્રેસ ફ્લાઇટ 705

7 એપ્રિલ, 1994ના રોજ મેમ્ફિસથી ટેક ઓફ થયેલા ફેડએક્સ બોઇંગ 727 કાર્ગો પ્લેનમાં કંપનીનો જ એક અસંતુષ્ટ કર્મચારી ઓબર્ન કેલોવે હથોડા અને બંદૂક સાથે ઘૂસી ગયો. તેનો પ્લાન પાઇલટ્સની હત્યા કરી પ્લેન ફેડએક્સના હેડક્વાર્ટર સાથે અથડાવવાનો હતો. ટેક ઓફ પછી કેલોવેએ કોકપિટમાં ઘૂસી ત્રણેય પાઇલટ્સના માથામાં હથોડા વડે જીવલેણ પ્રહાર કર્યા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પણ ફર્સ્ટ ઓફિસર જિમી ટકરે માસ્ટરસ્ટ્રોક માર્યો. તેમણે વિશાળ બોઇંગ 727 પ્લેનને હવામાં 140 ડિગ્રી સુધી ઊંધું કરી દીધું અને અતિશય ઝડપે નીચે ડાઇવ કરાવી. હવામાં લાગેલા આ જર્કથી હુમલાખોરે સંતુલન ગુમાવ્યું. એ જ તકનો લાભ લઈ બાકીના બંને પાઇલટ્સે તેની સાથે કુશ્તી કરી તેને કાબૂમાં કરી લીધો. જિમીએ અતિશય ઇજાગ્રસ્ત મગજની સ્થિતિમાં પણ મેમ્ફિસ એરપોર્ટ પર પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.  

1996 : ઇથોપિયન એરલાઇન્સ ફ્લાઇટ 961

23 નવેમ્બર, 1996ના રોજ અદીસ અબાબાથી નૈરોબી જઈ રહેલા બોઇંગ 767 વિમાનમાં 3 હાઇજેકરો બોમ્બની ધમકી આપીને કોકપિટમાં ઘૂસ્યા અને પ્લેનને ઓસ્ટ્રેલિયા લઈ જવાની માંગ કરી. કેપ્ટન લેઉલ અબાતેએ વારંવાર સમજાવ્યા કે પ્લેનમાં માત્ર 3 કલાકનું જ ઇંધણ છે, પણ હાઇજેકરો માન્યા નહીં. કેપ્ટને બુદ્ધિ વાપરીને ઓસ્ટ્રેલિયા જવાને બદલે કોમોરોસ આઇલેન્ડ્સ તરફ પ્લેન વાળી દીધું. હિંદ મહાસાગર પર પહોંચતાં જ પ્લેનનું ઈંધણ પૂરું થઈ ગયું અને 17,000 ફૂટની ઊંચાઈએ બંને રાક્ષસી એન્જિન બંધ પડી ગયા. એન્જિન વગર બોઇંગ 767 રમકડું બની ગયું, છતાં કેપ્ટન અબાતેએ પ્લેનને સમુદ્ર પર ગ્લાઇડ કરાવ્યું. હાઇજેકરો સાથેની સતત હાથાપાઈ વચ્ચે પણ તેમણે લીલા સમુદ્રકિનારા નજીક સફળ વોટર-લેન્ડિંગ કરાવ્યું. તેમની આ સમયસૂચકતા અને ગ્લાઇડિંગ ટેક્નિકને કારણે 175માંથી 50થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.       

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો