આજકાલ દુનિયામાં નવા નવા પ્રકારના ખાનપાનનો વાયરો ચાલી રહ્યો છે. કુછ હટકે ચાહિએ. એ માટે લોકો ઊંચા દામ પણ ચૂકવતા હોય છે, પરંતુ પરંપરાગત ખાનપાન કરતાં કંઈક અલગ હોવું જોઈએ.
નવી પેઢીના આ વલણને કારણે દુનિયાભરમાં નવા નવા પ્રકારની ડિશ બજારમાં મળતી થઈ છે. એ જ રીતે ચીનમાં આજકાલ એક કોફીની માંગ ખૂબ વધી રહી છે. એક કપ કોફીના લોકો 500 રૂપિયા ચૂકવે છે. એ કોફી એટલે ક્રૉલી ક્રૉલી.
ચા કરતાં કોફી પસંદ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. ચા સામાન્ય લોકોનું પીણું ગણાયું છે, જ્યારે કોફી એક વિશેષ વર્ગનું પીણું હોવાનો પ્રચાર વર્ષોથી થતો રહ્યો છે. કોફીમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે અને એને કારણે જ કોફી પીવાથી મગજ તરબતર થઈને પ્રફુલ્લિત થઈ જતું હોવાનું માનવામાં આવે છે. કોફી શબ્દ ડિક્શનરીમાં તો છેક 1582માં ઉમેરાયો હતો. એટલે કમ સે કમ કોફી પાંચસો વર્ષ કરતાં વધુ જૂનું પીણું હોવાનું માનવામાં આવે છે. અવનવી રીતે કોફી પીવામાં આવે છે.
ખાસ તો કોફીના ચાર મુખ્ય પ્રકારો છે: અરેબિકા, રોબસ્ટા, એક્સેલસા અને લાઈબેરિકા. આ ચારે પ્રકારના સ્વાદમાં બહુ મોટો તફાવત છે. જોકે, સૌથી મોંઘી કોફી તરીકે કોપી લુવાક જાણીતી છે. કોફીના ઉત્પાદનમાં બ્રાઝિલ દુનિયામાં નંબર વન દેશ છે. ખાસ કરીને અરેબિકાનું સૌથી વધુ ઉત્પાદન બ્રાઝિલમાં થાય છે. ભારતનો ક્રમ કોફી ઉત્પાદક દેશોમાં સાતમો છે. દુનિયાભરમાં કોફી અલગ અલગ રીતે પીવાય છે. સામાન્ય રીતે બ્લેક કોફી વધુ પીવાતી હોય છે.
કોફીમાં પણ અવનવા પ્રયોગ થતા રહ્યા છે. ફિલ્ટર્ડ કોફીથી માંડીને હવે ચીનમાં ક્રૉલી ક્રૉલી કોફી પાછળ લોકો ઘેલા થઈ રહ્યા છે. એમ પણ ચીનમાં ખાનપાનની આદત અજીબોગરીબ હોય છે. એ કારણે જ ચીનનાં વ્યંજનોની ચર્ચા આખી દુનિયામાં થતી હોય છે. એમાં હવે એક નવા પ્રકારની કોફીનું નામ ઉમેરાયું છે. ક્રૉલી ક્રૉલી તરીકે ઓળખાતી કોફી ચીનના પાટનગર બેજિંગના એક મ્યુઝિયમમાં મળી રહી છે. આ કોફીનો સ્વાદ થોડો બળેલો હોય એવો અને થોડો ખટાશવાળો હોય છે. બેજિંગમાં આવેલા એક ઈન્સેક્ટ મ્યુઝિયમ એટલે કે કીડાના સંગ્રહાલયની કોફી શોપમાં મળતી આ કોફી પીવા માટે લોકો ઊમટે છે. એમ પણ આ કોફી શોપ અવનવાં પીણાં માટે જાણીતું છે. આ કોફી શોપના નવા હોટ ડ્રિંક્સમાં ઘટપર્ણીના છોડના પાચકરસનો ઉપયોગ કરીને વિશેષ પ્રકારનાં પીણાં બનાવી વેચવામાં આવી રહ્યાં છે. એ ઉપરાંત હેલોવીનના તહેવાર દરમિયાન કીડામાંથી બનેલાં પીણાં પણ વેચવામાં આવે છે.
જોકે, મૂળ ચર્ચા તો આજકાલ ક્રૉલી ક્રૉલીની થઈ રહી છે. ગયા જૂનમાં આ નવા પ્રકારની કોફીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. ક્રૉલી ક્રૉલી કોફી વેચાણમાં મુકાતાંની સાથે જ લોકપ્રિય થવાની સાથે સાથે વિવાદમાં પણ ઘસડાઈ છે. કેટલાક માને છે કે આ કોફી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, પરંતુ કોફી શોપનો દાવો છે કે કોફીમાં ઉપયોગમાં લેવાતી તમામ ચીજ ચીનની પરંપરાગત જડીબુટ્ટીનો ઉપયોગ થાય છે. એ કારણે કોફી નુકસાનકારક નથી.
ક્રૉલી ક્રૉલી કોફી પીવાથી ફાયદો થતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વેલ, આ કોફીમાં સાદી કોફીની ઉપર વંદાનો પાઉડર ભભરાવવામાં આવે છે. એ ઉપરાંત તેમાં સૂકવેલા પીળા કીડા પણ નાંખવામાં આવે છે! કોફી શોપનો દાવો છે કે વંદાનો પાઉડર શરીરમાં લોહીના ભ્રમણને ઠીક કરી દે છે. ચીનની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં વંદાને સૂકવીને તેને પીસીને બનાવાતો પાઉડર લોહીના પરિભ્રમણમાં મદદ કરતી દવાઓમાં ઉપયોગમાં લેવાય છે. તો વળી તેમાં નાંખવામાં આવતા કીડા પ્રોટીનથી ભરપૂર હોય છે. એ કીડા રોગપ્રતિકાર શક્તિને પણ મજબૂત કરે છે. આ કીડાને કારણે કોફીનો સ્વાદ થોડો ખટાશવાળો હોય છે, પરંતુ સાથે સાથે ઘટપર્ણના છોડના પાચકરસનો ઉમેરો કરવાથી તેનો સ્વાદ સામાન્ય કોફી જેવો જ બને છે. આ કોફી આજકાલ દુનિયાભરમાં વાઇરલ થઈ છે અને જેન ઝી આ કોફી પાછળ ઘેલી થઈ છે. એ કારણે જ એક કપના 500 રૂપિયા પણ ચૂકવે છે.
