એક પળ પણ મોબાઈલ ફોનથી દૂર રહેવું મુશ્કેલ થઈ જાય છે. એ ખરું કે ઘણાં કામો હવે મોબાઈલથી થઈ જતાં હોય તેનાથી દૂર રહેવું મુશ્કેલ છે, પરંતુ મોબાઈલનું આ વળગણ હવે શરાબ અને તમાકુના વ્યસન જેવું થતું જાય છે. એ વ્યસનને કારણે હવે લોકોમાં ચીડિયાપણું અને હિંસક વ્યવહાર વધતો જાય છે. એ સંજોગોમાં હવે મોબાઈલની બદીથી દૂર રહેવા માટે વિકલ્પો શોધાવા માંડ્યા છે. મોબાઈલથી દૂર કલાકો સુધી કંઈક ક્રીએટિવ કામો કરીને ડિજિટલ તણાવ ઘટાડવા માટે હવે નવું સ્થળ બની રહ્યું છે - ક્રીએટિવ કાફે.
મોબાઈલ હવે અનિવાર્ય દૂષણ બની ગયું છે. વાતચીતથી માંડીને ઈ-મેલ મોકલવા કે ટીવી જોવા કે બીજાં અનેક કામો માટે સ્માર્ટ ફોન જરૂરી બની ગયો છે, પરંતુ એ કામો કરતાં કરતાં તેનું વળગણ એવું થઈ જાય છે કે મોબાઈલથી એક પળ પણ દૂર રહેવું મુશ્કેલ થઈ જાય છે. શરાબ કે તમાકુનું વ્યસન બરબાદીની હદ સુધી દોરી જાય છે, એમ મોબાઈલ પણ માનસિક તણાવ વધારી દેનારો હોવાનું ઘણા માને છે. સ્માર્ટ ફોનમાં વ્યસ્ત રહેવાને કારણે સામાજિક તાણાવાણા ઢીલા પડી રહ્યા છે. જોકે, એ પહેલાં પણ કોરોનાના સમયમાં પણ સામાજિક રીતે લોકો એકલા થઈ ગયા હતા. એ વખતે પણ માનસિક તણાવ વધી ગયો હતો. સ્માર્ટ ફોનનું વળગણ પણ કોરોના જેવી જ સ્થિતિ પેદા કરનારું છે. ઊંઘું ઘાલીને સ્માર્ટ ફોનના સ્ક્રીન પર જ વ્યસ્ત રહેતા લોકો માટે હવે નવી બીમારીઓ શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર લાઈક મળવી કે વ્યૂ કેટલા થયા એ હવે માન્યતાનો એક નવો માપદંડ લોકોએ અપનાવી લીધો છે. તેને કારણે સોશિયલ મીડિયા પણ તણાવ પેદા કરનારું થવા માંડ્યું છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા તો વાટકી વ્યવહાર જેવું છે. તમે મને લાઈક કરો, તો હું તમને લાઈક કરું એવો ઘાટ છે, ત્યારે જો વ્યૂ ઓછા મળ્યા તો આપણને માન્યતા ખાસ મળતી નથી, એવો માનસિક સંઘર્ષ વધી રહ્યો છે. લાઈક ઓછી મળે તો જાણે બારે વહાણ ડૂબી ગયાં જેવી ગમગીની ફેલાઈ જતી જોવા મળે છે.
અરે! એ તો છોડો યુવાનોમાં મોબાઈલની લત ગંભીર બની રહી છે. અમદાવાદમાં એક છોકરીને મોબાઈલની એવી લત લાગી હતી કે તે લઈ લેતાં જ હિંસક બની જતી હતી. આક્રમકતા અને ગુસ્સાથી રાતીપીળી થઈ જતી હતી. એવો જ એક યુવાન સુરતમાં પણ હતો. આ બંને યુવાનોના પરિવારે તેમને મોબાઈલથી દૂર રાખવા માટે બાઉન્સરની મદદ લેવી પડી હતી. જોકે, બાઉન્સરની સેવા આર્થિક રીતે પરવડે એવી તો હોતી જ નથી, સાથે સાથે કીડી માટે કટક મોકલવા જેવું પણ ખરું. વાસ્તવમાં મોબાઈલનું વળગણ છોડવા માટે બાઉન્સરને બદલે કળા ભણી વાળીને સર્જનાત્મકતા ભણી ઢળવાનો ઉપાય યુરોપિયન દેશ બેલ્જિયમમાં શરૂ થયો છે.
સ્માર્ટ ફોનનો ઉપયોગ સીમિત રહે અને તેની લત ન લાગી જાય એ માટે બેલ્જિયમમાં લોકો ક્રિએટિવ કાફેમાં જવા માંડ્યા છે. હા, આ કાફે એટલે ચા-નાસ્તો કરવાનું કોઈ સ્થળ નથી. અહીં અનેક પ્રકારની કળા અજમાવી શકાય એવી સુવિધાઓ છે. મોઝેક ટાઈલ્સના ટુકડા લઈને કોઈ ભાતનું સર્જન કરી શકાય, તો વળી કોઈક ચિત્રકામ કરીને પણ સર્જનનો આનંદ લે. ટૂંકમાં, ડિજિટલ તણાવ દૂર કરવા માટે ફરીથી હવે લોકો સર્જનાત્મક પ્રવૃત્તિ ભણી વળે એ જરૂરી છે. ચિત્રકામ કરો કે સંગીતના સૂર છોડો, કોઈ પણ એવી પ્રવૃત્તિ જે એક જુદા જ વિશ્વમાં ડુબાડી અને તેને કારણે તમે બે-ત્રણ કલાક સુધી મોબાઈલથી દૂર રહી શકો, સોશિયલ મીડિયાના લાઈક-વ્યૂના તણાવથી દૂર રહી શકો. કાફેમાં જઈને તમે સ્વેટર પણ ગૂંથી શકો, તો કેટલાક ભરતગૂંથણ પણ કરી શકો છો. એક કરતાં વધુ લોકો ભેગા મળ્યા હોય ત્યારે વાતચીત કરતા જાય અને કામ કરતા રહે અને તેથી સામાજિક સંબંધ પણ મજબૂત થાય છે.
કાફેમાં ગાળેલા એ બે-ત્રણ કલાક તમારા મગજમાં નવું જ ઉત્સાવર્ધક રસાયણ પેદા કરે છે. એ રસાયણને કારણે તમારો તણાવ દૂર થઈ જાય છે. તમે પ્રફુલ્લિત થઈ જાઓ છો. સ્માર્ટ ફોન સાથેનો સંપર્ક ઘટે છે અને તેની માનસિક સ્વાસ્થ્ય ઉપર સારી અસર પડી રહી છે. હવે લોકો શારીરિક સ્વાસ્થ્ય માટે જિમની મુલાકાત લે એમ માનસિક હળવાશ માટે, પ્રફુલ્લિત રહેવા માટે ક્રીએટિવ કાફેમાં અઠવાડિયે એક-બે કલાક ગાળીને ડિજિટલ તણાવ દૂર કરતા થયા છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો