સત્તરમી સદીના મહાન ફ્રેન્ચ ફિલોસોફર અને ગણિતશાસ્ત્રી બ્લેઝ પાસ્કલનું એક અત્યંત પ્રખ્યાત અને ખતરનાક વાક્ય છે: `માણસજાતની તમામ સમસ્યાઓનું એકમાત્ર મૂળ એ છે કે માણસ એક રૂમમાં શાંતિથી એકલો બેસી શકતો નથી.' પાસ્કલે આ વાત આજથી ચારસો વર્ષ પહેલાં કહી હતી, જ્યારે સ્માર્ટ ફોન કે ઇન્ટરનેટનો જન્મ પણ નહોતો થયો! કલ્પના કરો કે આજે પાસ્કલ જીવતો હોત તો આધુનિક માણસને જોઈને કદાચ આત્મહત્યા કરી લેત.
આજે આપણો સૌથી મોટો ડર કયો છે? મૃત્યુ? ગરીબી? બીમારી? ના, આધુનિક માણસનો સૌથી મોટો અને રોજિંદો ડર છે `ખાલીપો' અથવા `કંટાળો'. ટ્રાફિક સિગ્નલ લાલ થાય અને લીલું થવામાં માત્ર 30 સેકન્ડની વાર હોય, તો પણ આપણા હાથમાં એક અદૃશ્ય ધ્રુજારી ઊપડે છે અને આપણે તરત ખિસ્સામાંથી ફોન બહાર કાઢી લઈએ છીએ. લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરથી પાંચમા માળે પહોંચવાની દસ સેકન્ડમાં પણ આપણને સ્ક્રીન જોઈએ છીએ. આપણે `કંટાળા'ની કાયમી હત્યા કરી નાખી છે અને એની કબર પર આધુનિકતાનો આ ઝગમગતો મહેલ ચણ્યો છે, પણ હકીકતમાં આ કંટાળો શું છે?
મનોવિજ્ઞાન અને ન્યૂરોસાયન્સ કહે છે કે કંટાળો એ મગજનું `રિબૂટ બટન' છે. જ્યારે તમે કશું જ નથી કરી રહ્યા હોતા, ત્યારે મગજનું `ડિફોલ્ટ મોડ નેટવર્ક' સક્રિય થાય છે. આ એ જ નેટવર્ક છે જે નવા વિચારોને જન્મ આપે છે, ભૂતકાળના અનુભવોને પ્રોસેસ કરે છે અને ભવિષ્યનું આયોજન કરે છે. આઇઝેક ન્યુટનને સફરજન પડતું જોઈને ગુરુત્વાકર્ષણનો વિચાર એટલે આવ્યો, કારણ કે એ વખતે એની પાસે ઇન્સ્ટાગ્રામ નહોતું. તે એક ઝાડ નીચે બેસીને `કંટાળી' રહ્યો હતો. આર્કિમિડીઝને બાથટબમાં નહાતી વખતે ખાલીપામાં જ `યુરેકા'નો સાક્ષાત્કાર થયો હતો. દુનિયાની તમામ મહાન કળા, ફિલોસોફી અને વૈજ્ઞાનિક શોધો એ કંટાળામાંથી જ જન્મી છે.
આજે આપણે કંટાળાને એક બીમારી માની લીધી છે. માહિતી અને મનોરંજનના સતત મારાથી આપણે આપણા મગજને એક એવી કચરાપેટીમાં ફેરવી નાખ્યું છે જે ક્યારેય ખાલી જ નથી થતી. આપણે માહિતીથી ઓવરલોડ છીએ, પણ `અનુભવો'થી સાવ ખાલીખમ.
આપણે કંટાળાથી આટલા બધા કેમ ડરીએ છીએ? કારણ કે કંટાળો એ એક અરીસો છે. જ્યારે બહારથી કોઈ અવાજ કે સ્ક્રીનનો પ્રકાશ નથી હોતો, ત્યારે માણસને પોતાની અંદરના અવાજો સંભળાવવા લાગે છે. તેને પોતાના ખાલી સંબંધો, પોતાની નિષ્ફળતાઓ અને પોતાના અસ્તિત્વની અર્થહીનતા દેખાવા લાગે છે. આ `સેલ્ફ-રિફ્લેક્શન' (સ્વ-દર્શન) અત્યંત પીડાદાયક હોય છે. એટલે જ એ પીડામાંથી બચવા માટે આપણે મોબાઈલનો ઉપયોગ એક `ચૂસણી' (પેસીફાયર) તરીકે કરીએ છીએ. જેમ કોઈ બાળક રડતું હોય અને મા એના મોઢામાં રબરની ચૂસણી મૂકી દે, એટલે બાળક શાંત થઈ જાય. બરાબર એમ જ, જ્યારે આપણો આત્મા અકળાય છે ત્યારે આ સિસ્ટમ આપણા હાથમાં એક 6 ઈંચની ડિજિટલ ચૂસણી પકડાવી દે છે.
માણસે આદિમાનવમાંથી આધુનિક બનવા માટે હજારો વર્ષોની ધીરજ રાખી છે, પણ આજે આપણે પાંચ મિનિટ પણ આપણી પોતાની જાત સાથે બેસી શકતા નથી. આપણે દુનિયાભરના ડેટા સાથે કનેક્ટેડ છીએ, પણ આપણી પોતાની અંદરના `મૌન સર્જક'ની આપણે ઘાતકી હત્યા કરી નાખી છે.
આખી સિસ્ટમ અને આધુનિક મૂડીવાદે બહુ ચાલાકીથી એક નવો ભ્રમ ઊભો કર્યો છે કે `ખાલી બેસી રહેવું' એટલે સમયનો બગાડ. `પ્રોડક્ટિવિટી'ના નામે આપણને સતત દોડતા રાખવામાં આવે છે, પણ ટ્રેજેડી એ છે કે, જ્યારે આપણે દોડીને થાકી જઈએ છીએ, ત્યારે આરામ કરવાના બદલે આપણે `એન્ટરટેઇનમેન્ટ'નાં ઇન્જેક્શન લેવા માંડીએ છીએ. સમજવા જેવી કડવી વાસ્તવિકતા એ છે કે, સ્ક્રીન પર સતત શોર્ટ વીડિયો કે રીલ્સ જોવી એ મગજ માટે આરામ નથી, એ એક પ્રકારની અદૃશ્ય મજૂરી જ છે! ટેક્નોલોજીનું અલ્ગોરિધમ તમારા મગજમાંથી ડોપામાઈનની છેલ્લી બુંદ સુધી ચોરી કરી રહ્યું છે અને તમને એવો ભ્રમ છે કે તમે રિલેક્સ થઈ રહ્યા છો. શારીરિક રીતે આપણને થાક લાગે છે, પણ માનસિક રીતે આપણું મગજ ખતરનાક હદે `ઓવર-સ્ટીમ્યુલેટેડ' રહે છે. આપણે સિસ્ટમની નજરમાં બિઝી' દેખાવાના એવા ગુલામ બની ગયા છીએ કે ખુદ પોતાની જ અંદર ડોકિયું કરવા માટે આપણી પાસે કોઈ જગ્યા નથી બચી.
આવનારા ભવિષ્યમાં સૌથી મોટી લક્ઝરી ફેરારી ગાડી કે રોલેક્સની ઘડિયાળ નહીં હોય. ભવિષ્યમાં સૌથી મોટો `લક્ઝુરિયસ' માણસ એ હશે, જે કોઈ પણ જાતના ગેજેટ વિના, એક રૂમમાં માત્ર પોતાની જાત સાથે કલાકો સુધી શાંતિથી બેસી શકતો હશે અને છતાંય તેને કોઈ બેચેની નહીં થતી હોય.
સવાલ એ છે કે, શું તમારામાં એ અસહ્ય અને પવિત્ર `કંટાળા'ને સહન કરવાની તાકાત બચી છે?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો