મારું નામ ચોળાફળી. ગુજરાતના નાસ્તાજગતની હું એવી સુપરસ્ટાર છું કે મારી સામે ઘણી વાનગીઓ પોતાની પ્લેટ લઈને ઓટોગ્રાફ લેવા ઊભી રહે. હું કોઈ ફાઇવસ્ટાર હોટલની મહેમાન નથી. મારું અસલી સામ્રાજ્ય તો રોડ સાઇડે કે ગલીના નાકે ઊભેલી લારીઓ પાસે ફેલાયેલું છે.
મારો જન્મ કોઈ અદ્યતન કિચનમાં નથી થયો. મારો જન્મ તો ગરમાગરમ ઉકળતા તેલના તાવડામાં થયો છે. ચણાના લોટમાંથી મારી રચના થાય, પછી ગરમ તેલમાં મને એવી ડૂબકી મરાવવામાં આવે કે મારા બધાં પાપ તળાઈ જાય અને હું એકદમ કડક, ક્રિસ્પ, કરકરો અવતાર ધારણ કરીને બહાર આવું છું. જન્મતાંવેંત જ મને ખબર પડી જાય છે કે હું કોઈ સામાન્ય નાસ્તો નથી. હું તો એકદમ મનલુભાવન, કામણગારી છું જેને જોતાં જ માણસોનાં મોંમાં પાણી આવવા લાગે છે.
ગુજરાતમાં કદાચ એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેણે મને ચાખી ન હોય. અમીર મને પ્રેમ કરે છે, ગરીબ મને પ્રેમ કરે છે. સ્ત્રીઓ મને પ્રેમ કરે છે, પુરુષો મને પ્રેમ કરે છે. બાળકો મને જોઈને ખુશ થાય છે અને વડીલો મને જોઈને પોતાના બાળપણમાં પહોંચી જાય છે. હું એવી લોકશાહી નાસ્તાપાર્ટી છું જેનું સભ્યપદ લેવા માટે કોઈ ફોર્મ ભરવું પડતું નથી.
આમ તો મને ઘરના ડાઇનિંગ ટેબલ પર પ્લેટમાં સરસ રીતે પીરસીને ખવાય છે, પરંતુ મારી સાચી મજા તો લારી પાસે ઊભા રહીને ખાવામાં જ આવે છે. એક ડિશમાં કાગળ પર હું, બાજુમાં ચટણી અને આસપાસ મિત્રોનું ટોળું. બસ, એ જ છે મારું અસલી રજવાડું.
મારી ખાસ દોસ્ત છે ચુલબુલી ચટપટી ચટણી. ચટણીમાં મને બોળવામાં આવે ત્યારે હું ગંગામાં ડૂબકીનો આનંદ અનુભવું છું અને જ્યારે આઈસ ચટણી મળી જાય ત્યારે તો કુંભનો આનંદ અનુભવું છું. લોકો મને ચટણીમાં ડુબાડીને ખાઇને `વાહ' બોલે એ મારા માટે ઓસ્કાર એવોર્ડ સમાન છે.
ચટણી સાથે પપૈયાનું મસાલેદાર છીણ પણ હોય છે. લોકો માટે ચોળાફળી-છીણની જોડી પતિ-પત્નીની જોડી કરતાં પણ સુપરહિટ જોડી છે.
મારો જૂનો હરીફ પણ છે. ફાફડા. દશેરાના દિવસે એ બહુ ભાવ ખાય છે. જલેબી સાથે ફોટા પડાવી એ પોતાને સેલિબ્રિટી સમજે છે, પણ વર્ષના બાકીના દિવસોમાં કોણ લોકોને જલસા કોણ કરાવે છે? હું. ફાફડા-જલેબી આઈટમ ગર્લ છે, હું તો મેઈન હિરોઈન છું.
આજકાલ ડાયટ કરનારા લોકો મારી સામે સૌથી વધુ લાચાર હોય છે. ઘરમાંથી નીકળે ત્યારે કહે, `આજે તો કશું તળેલું નહીં ખાઉં', પણ મારી લારી પાસેથી પસાર થાય એટલે બ્રેક મારી દે. પછી કહે, `ચાલો, આજે છેલ્લી વાર!' મજાની વાત એ છે કે આ `છેલ્લી વાર' ડેઇલી આવે છે.
મારા પર ઉપરથી ભભરાવેલો તીખો મસાલો તો મારો શણગાર છે. કેટલાક બહાદુર લોકો તો વધારાનો મસાલો નંખાવે. પછી બે મિનિટમાં પાણી માટે એવી દોડધામ કરે જાણે રણમાં ખોવાઈ ગયા હોય, પણ દોષ મારો નથી, એમની જીભના ચટાકાનો છે.
મને ખાવા માટે કોઈ ફિક્સ સમય નથી. સવારે ચા સાથે, બપોરે ભૂખ લાગે ત્યારે, સાંજે ફરવા નીકળો ત્યારે કે રાત્રે મિત્રો સાથે ગપ્પા મારતાં મારતાં. હું ચોવીસ કલાકની સેવા આપું છું.
આજે પિઝા, બર્ગર અને અનેક વિદેશી નાસ્તાઓ ગુજરાતમાં આવ્યા છે. તેઓ અંગ્રેજીમાં પોતાના નામ બોલે છે, જ્યારે હું સાવ ગુજરાતી અંદાજમાં દિલ જીતી લઉં છું, કારણ કે હું માત્ર નાસ્તો નથી. હું મિત્રતાનું બહાનું છું, ગપ્પાનો સાથ છું, સવાર-બપોર-સાંજ છું, ચટપટીની યાદ છું અને ગુજરાતીના હૃદયની કરકરી ધડકન છું. ચાલો, હવે વધુ વાતો નહીં. સામે ચટણી તૈયાર છે, પપૈયાનું છીણ રાહ જુએ છે અને મસાલો પણ આવી ગયો છે. મારી આત્મકથા અહીં પૂરી કરું છું. બાકીનું પ્રકરણ તો તમે મને ખાઈને જ અનુભવી શકશો. અંતમાં મારો એક શેર કહું છું, ચટપટી ચોળાફળી ને ચટણીનો સંગાથ,
એ પછી તો યાદ ન આવે, દુનિયાની કોઈ વાત.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો