આધુનિક સૈન્ય ટેક્નોલોજીમાં જ્યાં બેલેસ્ટિક મિસાઈલો પોતાની પ્રચંડ સ્પીડ અને અવકાશ સુધીની ઊંચાઈ માટે જાણીતી છે, ત્યાં ક્રૂઝ મિસાઈલ પોતાની ચોકસાઈ અને રડારથી બચવાની અદ્ભુત ક્ષમતા માટે ઓળખાય છે. ક્રૂઝ મિસાઈલ મૂળભૂત રીતે એક માનવરહિત નાનું વિમાન છે, જે પૃથ્વીના વાતાવરણની અંદર જ રહીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. તેની ખાસિયત એ છે કે તે લોન્ચ થયા પછી આખી સફર દરમિયાન સતત પ્રોપલ્શન(એન્જિન પાવર)નો ઉપયોગ કરે છે.
ક્રૂઝ મિસાઇલની કાર્યપદ્ધતિ
ક્રૂઝ મિસાઈલ સામાન્ય રીતે જેટ એન્જિન(જેમ કે ટર્બોજેટ કે ટર્બોફેન)ની મદદથી ઊડે છે. તે વાતાવરણમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરીને પોતાનું બળતણ બાળે છે. તેની ઉડાન શૈલી અન્ય મિસાઈલો કરતાં સાવ અલગ હોય છે.
લો-એલ્ટિટ્યૂડ ફ્લાઇટ (ઓછી ઊંચાઈએ ઉડાન): ક્રૂઝ મિસાઈલ જમીન કે સમુદ્રની સપાટીથી માત્ર થોડા મીટર (15થી 100 મીટર)ની ઊંચાઈએ ઊડી શકે છે. આ ટેક્નોલોજીને `સી-સ્કિમિંગ' પણ કહેવામાં આવે છે.
ગાઇડન્સ સિસ્ટમ : આ મિસાઈલોમાં અત્યંત આધુનિક કમ્પ્યૂટર, જીપીએસ અને ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ હોય છે. તે પહાડો, ખીણો અને બિલ્ડિંગોની વચ્ચેથી રસ્તો કરીને, વળાંકો લઈને ચોક્કસ બારી કે દરવાજા જેટલા નાના લક્ષ્ય પર પણ ત્રાટકી શકે છે.
અદૃશ્યતા (Stealth) : પૃથ્વીની વક્રતા (Curvature) અને જમીનની ખૂબ નજીક ઊડવાને કારણે દુશ્મનના રડાર તેને સરળતાથી પકડી શકતા નથી.
ગતિના આધારે ક્રૂઝ મિસાઇલના પ્રકારો
ક્રૂઝ મિસાઈલોને તેમની ઝડપ(સ્પીડ)ના આધારે મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. ઝડપને માપવા માટે `મેક' (Mach) યુનિટ વપરાય છે (1 મેક એટલે અવાજની ગતિ, આશરે 1235 કિમી/કલાક).
સબસોનિક ક્રૂઝ મિસાઇલ : આ મિસાઈલની ઝડપ અવાજની ગતિ કરતાં ઓછી (આશરે 0.8 મેક) હોય છે. અમેરિકાની પ્રખ્યાત `ટોમાહોક' (Tomahawk) અને ભારતની `નિર્ભય' મિસાઈલ આ શ્રેણીમાં આવે છે. તે લાંબા અંતર સુધી ચોકસાઈથી હુમલો કરવા માટે બેસ્ટ છે.
સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ : આ મિસાઈલો અવાજની ગતિ કરતાં 2થી 3 ગણી વધુ ઝડપથી ઊડે છે. આ કેટેગરીમાં ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવાયેલી બ્રહ્મોસ (BrahMos) મિસાઈલ વિશ્વમાં સૌથી ઝડપી અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
હાયપરસોનિક ક્રૂઝ મિસાઇલ : આ ભવિષ્યની ટેક્નોલોજી છે, જેની ઝડપ અવાજની ગતિ કરતાં 5 ગણી કે તેનાથી પણ વધુ (5 મેક+) હોય છે. તેને રોકવી અત્યારની કોઈ પણ ડિફેન્સ સિસ્ટમ માટે અશક્ય સમાન છે. ભારત હાલ `બ્રહ્મોસ-2' સ્વરૂપે આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો