અમેરિકાના સૌથી ધનાઢ્ય લોકોની ‘ફોર્બ્સ 400’ની વર્ષ 2025ની યાદીમાં ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક બૈજુ ભટ્ટે દેશના 10 સૌથી યુવા બિલિયોનેરમાં સ્થાન મેળવ્યું છે.


40 વર્ષની વયે, સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ રોબિનહૂડના સહસ્થાપક ભટ્ટ યાદીમાં એકમાત્ર ભારતીય મૂળના વ્યક્તિ છે. આ યાદીમાં મેટાના પ્રમુખ માર્ક ઝકરબર્ગ અને વોલમાર્ટના વારસદાર લુકાસ વોલ્ટન જેવા યુવા બિલિયોનેરનો સમાવેશ થાય છે. બૈજુની અંદાજિત નેટવર્થ લગભગ 67 બિલિયન ડોલર એટલે કે 5.90 લાખ કરોડ છે. બૈજુ ભટ્ટનાં માતા-પિતા ગુજરાતથી અમેરિકા સ્થાયી થયાં હતાં. ત્યાં વર્જિનિયામાં ઉછરેલા ભટ્ટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ફિઝિક્સ અને મેથ્સનો અભ્યાસ કર્યો હતો. ‘ફોર્બ્સ’ના રિપોર્ટ અનુસાર, બૈજુ ભટ્ટની જંગી સંપત્તિનું કારણ તેમની રોબિનહૂડમાં 6 ટકા માલિકી છે. 2021માં કોરોના મહામારી દરમિયાન રિટેલ ટ્રેડિંગના ઉછાળા વચ્ચે જાહેર થયેલી આ કંપનીના શેરના ભાવમાં ગયા વર્ષે લગભગ 400 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ વૃદ્ધિ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનમાં વધારો, આઈઆરએ અને ઉચ્ચ વળતર આપતા બચત ખાતા જેવી નવી ઓફરિંગ્સ અને 2024માં રેકોર્ડ 3 બિલિયન ડોલરની આવકને કારણે થઈ છે. બૈજુ ભટ્ટે 2015માં વ્લાદ ટેનવ સાથે મળીને રોબિનહૂડની સ્થાપના કરી હતી અને 2015માં કમિશન ફ્રી ટ્રેડિંગ અને યૂઝર કેન્દ્રિત ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરતી મોબાઇલ એપ લોન્ચ કરી હતી.

બ્રિટિશ નાગરિકોની ભારતયાત્રા સુગમ બની હવે ડિજિટલ ઈ અરાઈવલ કાર્ડ

ભારતની મુલાકાતે આવતા બ્રિટિશ નાગરિકોને ઇમિગ્રેશનમાં સુવિધા માટે 1 ઓક્ટોબરથી ફિઝિકલ ડિસએમ્બાર્કેશન કાર્ડ્સના સ્થાને ડિજિટલ ઇ અરાઇવલ કાર્ડ અમલી બનાવવામાં આવ્યાં છે. વર્ક, ટૂરિઝમ, સ્ટડી અથવા બિઝનેસ માટે ભારત આવતા બ્રિટિશ નાગરિકો માટે હવે ઇમિગ્રેશનની પ્રક્રિયા વધુ સરળ બની રહેશે. હવે ભારતની મુલાકાત વખતે વિદેશી નાગરિકોએ ઇમિગ્રેશન સમયે ફિઝિકલ ડિસએમ્બાર્કેશન કાર્ડ ભરવાનું રહેશે નહીં. હવે તેમની પાસે ડિજિટલ અરાઇવલ કાર્ડ ઓનલાઇન જમા કરાવવાનો વિકલ્પ રહેશે. આ ઇ અરાઇવલ કાર્ડમાં પાસપોર્ટ નંબર, રાષ્ટ્રીયતા, મુલાકાતનો હેતુ, ભારતમાં રોકાણનું સરનામું અને સંપર્કની વિગતો આપવાની રહેશે. આ માટે કોઇ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે નહીં. જોકે, ભારતીય નાગરિકો અને ઓસીઆઇ કાર્ડ ધરાવતા વિદેશી નાગરિકોએ આ ઇ અરાઇવલ કાર્ડ ભરવું જરૂરી નથી. ભારતનું ગૃહમંત્રાલય વિદેશી નાગરિકો માટે ઇમિગ્રેશનની પ્રક્રિયા ટેક્નોલોજીની મદદથી ઝડપી બનાવવા માગે છે.

ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દેશવટો ભોગવતા તારિક રહેમાન બાંગ્લાદેશ પરત ફરશે

બાંગ્લાદેશનો દેશવટો ભોગવી રહેલા વિપક્ષના નેતા તારિક રહેમાને જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં યોજાનારી ચૂંટણીમાં ભાગ લેવા હું સ્વદેશ પરત ફરીશ. મને વિશ્વાસ છે કે મારી પાર્ટી ચૂંટણીમાં પ્રચંડ વિજય હાંસલ કરશે. યુકેસ્થિત બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા તારિક રહેમાને જણાવ્યું હતું કે ન્યાયી ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી દેશ શેખ હસીનાથી સંપૂર્ણપણે મુક્ત થયેલો માની શકાય નહીં. તારિકે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અમે વિજય હાંસલ કરીશું. અમે એકલા હાથે સરકારની રચના કરવા સક્ષમ છીએ. નજીકના સમયમાં હું બાંગ્લાદેશ પરત ફરીશ.બાંગ્લાદેશમાં ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં તારિક રહેમાન વડાપ્રધાનપદના મજબૂત ઉમેદવાર તરીકે ઊભરી આવે તેવી મજબૂત સંભાવના છે. તારિકે જણાવ્યું હતું કે, અવામી લીગ ફાસીવાદી પાર્ટી છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અન્ય પાર્ટીઓ સાથે મળીને સરકારની રચના કરવા પણ તૈયાર છે.

મિત્રને બચાવવા જાનનું બલિદાન આપનાર બ્રિટિશ યુવતીને બહાદુરી પુરસ્કાર

નોટિંગહામ હુમલામાં પોતાના મિત્રને બચાવવા જીવનું બલિદાન આપનાર ગ્રેસ ઓમેલી કુમારને બહાદુરી માટેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર જ્યોર્જ મેડલથી મરણોત્તર સન્માનિત કરાશે. 13 જૂન, 2023ના રોજ માનસિક રોગી એવા વાલ્દો કેલોકેન દ્વારા કરાયેલા હુમલામાં મિત્ર બાર્નાબી વેબરને બચાવવાનો પ્રયાસ કરતાં ગ્રેસે જીવ ગુમાવ્યો હતો. આ વર્ષે 20 નાગરિકોને સિવિલિયન ગેલેન્ટરી એવોર્ડ જ્યોર્જ મેડલથી સન્માનિત કરાશે. મરણોત્તર સન્માન મેળવનાર 4 નાગરિકમાં ગ્રેસ કુમારનો પણ સમાવેશ થાય છે. લંડનમાં પત્રકાર પરિષદને સંબોધતાં ગ્રેસની માતા ડો. સિનીડ ઓમેલીએ જણાવ્યું હતું કે, ગ્રેસ એક અદ્વિતીય વ્યક્તિ હતી. તે આ રીતે ઇતિહાસમાં ગરકાવ થઇ જશે તે વિચાર્યું નહોતું. મારી દીકરી રચનાત્મક હોવાની સાથે સાથે અદ્ભુત અને બહાદુર હતી. અમને તેના પર ગૌરવ છે. તેણે ભય પર મિત્રતાને વધુ મહત્ત્વ આપ્યું હતું. તે છરો વીંઝતા 30 વર્ષીય હત્યારા સામે બહાદુરીથી ઝઝૂમી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગ્રેસ એક દોડવીર હતી અને તે સહેલાઇથી ત્યાંથી નાસી શકી હોત, પરંતુ તે તેની મિત્રની પડખે રહીને લડી હતી. ગ્રેસ યૂથ હોકીમાં ઇંગ્લેન્ડની ટીમમાં રહી ચૂકી હતી અને એસેક્સ વતી કાઉન્ટી ક્રિકેટ પણ રમી હતી. તે સાચી દેશભક્ત હતી.


  • Follow us on: