ભારતથી સાત સમુંદર પાર પ્રભુ શ્રીરામની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. કેનેડાના મિસિસોગા શહેરમાં પ્રભુ શ્રીરામની 151 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ ઉત્તરી અમેરિકાની સૌથી ઊંચી રામની પ્રતિમા છે.
આનાથી હિન્દુ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. મિસિસોગા શહેરમાં રવિવારે હજારો ભાવિકોની હાજરીમાં ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમાનું ભવ્ય અનાવરણ થયું. પાયાથી આની ઊંચાઈ 51 ફૂટથી વધુ હોઈ શકે છે. આ પ્રતિમાની સ્થાપનાની સાથે કેનેડા જય શ્રીરામના જયકારાથી ગૂંજી ઊઠ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં હજારો શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. જેની સાથે ઘણા મુખ્ય રાજનેતા પણ હાજર રહ્યા હતા. આમાં મહિલાઓ અને કેનેડાના મંત્રી રેચી વલ્ડેઝ, ટ્રેઝરી બોર્ડના અધ્યક્ષ શફકત અલી, આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રી મનિંદર સિદ્ધુ પણ સામેલ હતા. હાઉસ ઑફ કોમન્સમાં વિપક્ષના નેતા પણ હાજર રહ્યા હતા.
પીઓકેમાં આતંકી તાલીમ શિબિરો શરૂ થતા લોકોએ કમાન્ડરને જાહેરમાં ફટકાર્યો
ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ બાદ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરની અંદર ફરીથી આતંકવાદીઓની તાલીમ શિબિરો શરૂ થઈ ગઈ છે. ઓપરેશન સિંદૂરમાં ભારે નુકસાન પછી, સામાન્ય લોકોએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોમાં ભરતીનો ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કર્યું છે. લોકોએ આતંકી ટ્રેનિંગ કેમ્પ શરૂ કરનાર આતંકવાદી કમાન્ડરને જાહેરમાં માર માર્યો હતો. ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પછી, પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના એક પત્રકાર તરફથી એક મોટો દાવો આવ્યો છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીર(POK)ના એક પત્રકારે દાવો કર્યો છે કે, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પછી પીઓકેની અંદર ફરીથી તાલીમ શિબિરો શરૂ થઈ ગઈ છે. લશ્કર-એ-તોઈબા, એચએમ, હુજી સહિત અલ કાયદાએ અહીં તાલીમ શિબિરો શરૂ કરી દીધી છે. ઓપરેશન સિંદૂરમાં જાનમાલના ભારે નુકસાન પછી, સ્થાનિક લોકોમાં આતંકવાદી સંગઠનો સામે ઘણો રોષ જોવા મળ્યો છે. જેમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં સામાન્ય લોકોમાં આતંકવાદી સંગઠનોમાં કરાતી આતંકી ભરતી સામે ખુલ્લેઆમ વિરોધ શરૂ થયો છે. લોકોએ જાહેરમાં આતંકવાદી કમાન્ડરને માર માર્યો હતો.
ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે મારામારી : જૂતાં ફેંકાયાં
શિયા મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી ઇરાકની સંસદમાંથી અંધાધૂંધીની ઘટના સામે આવી છે. સંસદમાં સાંસદોને માર માર્યાનો અને એકબીજા પર જૂતાં ફેંકવાની ઘટના બની છે. મંગળવારે ઇરાકી સંસદના હોલમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે અથડામણ થઈ હતી. ફેડરલ સર્વિસ અને સ્ટેટ કાઉન્સિલના ઉમેદવારોને મતદાન કરવા અંગે સાંસદો વચ્ચે શરૂ થયેલો વિવાદ ટૂંક સમયમાં જ મારામારીમાં ફેરવાઈ ગયો. ઇરાકના સ્થાનિક અખબારોના જણાવ્યા અનુસાર, સુન્ની સાંસદ રાદ અલ-દહલાકી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સાંસદને આંખમાં ઈજા થયાનો વીડિયો સામે આવ્યો છે. સાંસદો એકબીજા સાથે ઝઘડતા જોવા મળી રહ્યા છે.
બ્રાઝિલમાં બખેડો : ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોને હાઉસ અરેસ્ટ કરવાનો આદેશ
બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોને હાઉસ અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. તેમના પર 2022ની ચૂંટણીમાં હાર્યા પછી પણ પદ પર રહેવા માટે કથિત રીતે બળવો કરવાની કાવતરું ઘડવાનો આરોપ છે. મીડિયા અહેવાલ અનુસાર બોલસોનારો પર દેશમાં બળવાનો પ્રયાસ કરવાના ગંભીર આરોપો છે. અમેરિકાએ સુપ્રીમ કોર્ટના આ આદેશની નિંદા કરી છે. આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે. હાઉસ અરેસ્ટના આદેશ બાદ બ્રાઝિલની ફેડરલ પોલીસે જણાવ્યું કે, એજન્ટ્સ બોલસોનારોના બ્રાઝિલિયાસ્થિત ઘરે પહોંચી ગયા છે. તેમણે બોલસોનારોનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો છે. હવે તેઓ બ્રાઝિલિયામાં જ નજરકેદ રહેશે અને તેમને ક્યાંય આવવા-જવાની પરવાનગી નહીં મળે. મહત્ત્વની વાત એ છે કે, આ મામલા પર અમેરિકાની પણ નજર છે અને અમેરિકી વિદેશ મંત્રાલયે આ નિર્ણયની નિંદા કરી છે.