કહેવાય છે કે જીવન બાદ કોઈ ભૌતિક વસ્તુઓનો અર્થ રહેતો નથી, પરંતુ હમણાં એક કિસ્સાએ બહુ ચર્ચા સર્જી છે.

યુરોપમાં નોટિંગહામના પ્રતિષ્ઠિત ટ્રાવેલર ફેમિલીના સભ્ય ફ્રેન્ક થોમ્પસનને મિલિયનો પાઉન્ડના નક્કર સોનાના કોફિનમાં દફનાવાયા હતા. ફ્રેન્ક નોટિંગહામ અને માન્ચેસ્ટરમાં ઘણા બિઝનેસ ધરાવતા હતા. તેમના એક પારિવારિક મિત્રે કોફિનની સાચી કિંમત જાહેર કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે, આ કોફિન નક્કર સોનાનું બનેલું છે. તેમના પુત્રએ વિદેશથી તેને આયાત કર્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે, નાણાં મહત્ત્વનાં નથી. આ કોફિનની કિંમત 1 લાખ યુરો આસપાસ અંદાજવામાં આવી રહી છે. ધનાઢ્ય પરિવારોના અંદાજ અલગ હોય છે એ જીવનમાં પણ દેખાય અને મૃત્યુ વખતે પણ જોવા મળે છે. એટલે જ કહ્યું છેને કે તુલસી ઇસ સંસાર મેં, ભાત ભાત કે લોગ.

માત્ર ભારત જ નહીં, ચીન અને બ્રાઝિલને પણ `જોઈ લેવા' અમેરિકન સાંસદની ફરી ધમકી

ટેરિફ વોર વચ્ચે ભારતને ધમકી આપનારા અમેરિકન સાંસદ લિન્ડસે ગ્રેહામે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. આ વખતે તેમણે કહ્યું છે કે ભારત રશિયન ઓઈલ ખરીદવાને કારણે ભોગવી રહ્યું છે અને અન્ય દેશોની પણ આવી હાલત ટૂંક સમયમાં થશે. ખાસ વાત એ છે કે આ વખતે તેમણે ચીનનો પણ ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત સામે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી 25 ટકા વધારાની ડ્યૂટી પણ બુધવારથી અમલમાં આવી ગઈ છે. રશિયા પાસેથી ઓઈલની ખરીદીમાં ચીન, ભારત અને બ્રાઝિલ સૌથી આગળ છે એટલા માટે તેમણે આ ત્રણેય દેશોને ઘેર્યા છે. ગ્રેહામે લખ્યું, `ભારત, ચીન, બ્રાઝિલ અને અન્ય દેશો જે સસ્તું રશિયન ઓઈલ ખરીદીને પુતિનના યુદ્ધ મશીનને મદદ કરી રહ્યા છે. તમારી ખરીદીને કારણે બાળકો સહિત નિર્દોષ નાગરિકો માર્યા જઈ રહ્યાં છે તે અંગે તમને અત્યારે કેવું લાગે છે? ભારત પુતિનને ટેકો આપવા બદલ કિંમત ચૂકવી રહ્યું છે. બાકીના દેશો, તમે પણ ટૂંક સમયમાં આ રીતે ભોગવવા તૈયાર રહેજો. અગાઉ જુલાઈમાં ગ્રેહામે કહ્યું હતું કે, `હું ચીન, ભારત અને બ્રાઝિલને કહેવા માંગું છું કે જો તમે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલુ રાખવા માટે સસ્તું રશિયન ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશો, તો અમે તમારી સ્થિતિ વધુ ખરાબ કરીશું અને અમે તમારી અર્થવ્યવસ્થાનો નાશ કરીશું, કારણ કે તમે જે કરી રહ્યા છો તે લોહીના પૈસા છે.'

અમેરિકામાં હવે વિદેશી પત્રકારોના વિઝાની અવધિ પર અંકુશ મૂકવાનો પ્રસ્તાવ

અમેરિકામાં કાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહીના ભાગરૂપે ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, કલ્ચરલ એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારો માટે વિઝાની મુદત ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બુધવારે (27 ઓગસ્ટ, 2025) જાહેર થયેલા નવા નિયમ મુજબ આ લોકોને હવે યુ.એસ.માં લાંબા સમય સુધી રહેવા માટે વારંવાર વિઝા લંબાવવા માટે અરજી કરવી પડશે. જાન્યુઆરીમાં સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ કરી છે. આ નવા નિયમો વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વર્કર્સ અને વિદેશી પત્રકારો માટે નવી મુશ્કેલીઓ ઊભી કરશે. હાલમાં આ વિઝા તેમના કાર્યક્રમ કે નોકરીની મુદત સુધી માન્ય રહે છે, પરંતુ નવા નિયમથી આ સમયગાળો નિશ્ચિત થઈ જશે. પ્રસ્તાવિત નિયમ મુજબ વિદેશી વિદ્યાર્થીઓ માટે F વિઝા, કલ્ચરલ એક્સચેન્જ કાર્યક્રમો માટે J વિઝા અને પત્રકારો માટે I વિઝાની મુદત નક્કી કરવામાં આવશે. આ વિઝાની મુદત ચાર વર્ષથી વધુ નહીં હોય. યુ.એસ. સરકારના 2024ના આંકડા મુજબ 1.6 મિલિયન વિદેશી વિદ્યાર્થીઓ F વિઝા પર હતા. નાણાકીય વર્ષ 2024માં 3.55 લાખ એક્સચેન્જ વિઝિટર્સ અને 13,000 પત્રકારોને વિઝા આપવામાં આવ્યા હતા.પત્રકારો માટેના વિઝા જે હાલમાં વર્ષો સુધી ચાલી શકે છે, તે હવે 240 દિવસ સુધીના રહેશે.

હવે બીએસઈમાં ફ્યૂચર એન્ડ ઓપ્શન્સમાં પ્રિ ઓપન ટ્રેડિંગ સેશન શરૂ થશે

દેશના મુખ્ય શેરબજાર બીએસઈએ મહત્ત્વની જાહેરાત કરી છે. એક્સચેન્જ 8 ડિસેમ્બર, 2025થી ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટ એટલે કે, ફ્યૂચર અને ઓપ્શન્સમાં પ્રિ ઓપન ટ્રેડિંગ સેશન શરૂ કરવા જઇ રહ્યું છે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત ઇક્વિટી સેગ્મેન્ટ પૂરતી મર્યાદિત હતી, પરંતુ ટૂંક સમયમાં રોકાણકારો અને વેપારીઓ બજાર ખૂલતા પહેલાં ડેરિવેટિવ્ઝમાં પણ ઓર્ડર આપી શકશે. આ ફેરફારનો હેતુ ટ્રેડિંગને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. મુંબઈ શેરબજારે એ સ્પષ્ટતા કરી છે કે, આ સુવિધા માટે કોઇ નવી ટેક્નોલૉજી સેટઅપની જરૂર નહીં પડે. આ પ્રિ ઓપન સત્ર હાલના એપીઆઇ અને ડેટા બ્રોડકાસ્ટ સિસ્ટમ પર કામ કરશે. બીએસઈએ નિવેદનમાં જણાવ્યું છે કે, જે રીતે ઇક્વિટી સેગ્મેન્ટમાં પહેલાંથી જ પ્રિ ઓપન સેશનની સુવિધા અસ્તિત્વમાં છે તે જ રીતે મેસેજ સ્ટ્રક્ચર અને ફિલ્ડ ડેફિનેશન હવે ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં પણ અમલી બનશે. બીએસઇએ જણાવ્યું હતું કે આ સંબંધિત ફેરફારો 6 ઓક્ટોબર, 2025થી ટેસ્ટિંગ (સિમ્યુલેશન) વાતાવરણમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ટ્રેડિંગમાં કોઈ સમસ્યા ન આવે. બીએસઈએ ટ્રેડિંગ સભ્યો અને થર્ડ પાર્ટી ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન વિક્રેતાઓને અપીલ કરી છે કે તેનું પરીક્ષણ કરે.