એક સમયે તોપ, બંદૂકો અને ટેન્કોથી જે યુદ્ધ થતાં હતાં તેનું સ્થાન હવે `ડ્રોને' લઈ લીધું છે. ઈરાન, રશિયા અને તુર્કિયે જેવા દેશો ડ્રોનના ઉપયોગમાં આગળ વધી ગયા છે.

રશિયાએ તો યુક્રેન સામેના યુદ્ધમાં પરંપરાગત હથિયારો કરતાં ડ્રોનથી વધુ સફળતા હંસલ કરી છે. ખાસ વાત એ છે કે, ડ્રોન યુદ્ધ ઓછું ખર્ચાળ છે અને ટાર્ગેટ પર સીધો હુમલો કરીને સફળતાની વધુ તક રહેલી છે. બીજી તરફ તેનાથી થતા નુકસાનની ચિંતાઓ પણ વધી ગઈ છે. ત્યારે હવે રશિયાથી ગભરાયેલા યુરોપમાં ડ્રોનનો એવો ભય છે કે, યુરોપિયન યુનિયને ડેન્માર્કમાં `ડ્રોન વૉલ' બનાવવા અંગે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે. યુરોપિયન યુનિયનના 27 દેશોના નેતા `ડ્રોન વૉલ' બનાવવા પર મહોર લગાવવાની તૈયારીમાં છે. આ `ડ્રોન વૉલ' રશિયા તરફથી વધતા ખતરાના જવાબમાં યુરોપની પોતાની સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે. આવી ટેક્નોલોજીથી ડ્રોનની એન્ટ્રી પર સિસ્ટમ તાત્કાલિક એલર્ટ થશે અને યોગ્ય જવાબ આપશે. આનાથી યુરોપિયન યુનિયનના કોઈ પણ ભાગમાં રશિયન અથવા અન્ય દેશના ડ્રોનને તાત્કાલિક ઈન્ટરસેપ્ટ કરવામાં મદદ મળશે. આના હેઠળ રડાર, જામર અને સેન્સરનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત યુરોપિયન યુનિયનના તમામ સભ્ય દેશો વચ્ચે ડેટા શેરિંગ પર સહમતિ થશે. તેના હેઠળ તમામ દેશ એકબીજાને જણાવશે કે, ડ્રોન એન્ટ્રી કરી રહ્યું છે અથવા તેની સ્થિતિ શું છે.

શટડાઉન ચાલુ રહેશે તો અમેરિકાનાજીડીપીને 15 અબજ ડૉલરનું નુકસાન થઈ શકે

અમેરિકામાં શટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક સલાહકારોએ ચેતવણી આપી છે કે, લાંબા સમય સુધી સરકારી કામકાજ બંધ રહેવાથી ગંભીર આર્થિક પરિણામો આવી શકે છે. વ્હાઇટ હાઉસના મેમોમાં જણાવાયું છે કે, દર અઠવાડિયે શટડાઉન ચાલુ રહેશે તો અમેરિકાના જીડીપીને લગભગ 15 અબજ ડૉલરનું નુકસાન થઈ શકે છે. જો આ શટડાઉન એક મહિનો પણ ખેંચાઈ જશે તો 43,000થી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવવી પડશે. તેમાં 19 લાખ ફેડરલ સરકારના કર્મચારીઓનું નુકસાન તો સામેલ જ નથી જેઓ કાં તો પગાર વિના કામ કરી રહ્યા છે અથવા રજા પર છે. તેમાંથી 80 ટકા કર્મચારીઓ વોશિંગ્ટનમાં રહે છે. વ્હાઇટ હાઉસના સહાયકો કહે છે કે આ દસ્તાવેજ રિપબ્લિકનના સાંસદોને મોકલવામાં આવશે, જેથી તેઓ શટડાઉન માટે તેમની રાજકીય વ્યૂહરચના નક્કી કરી શકે. ઓબામા કેર આરોગ્ય વીમા સબસિડી માટેના ભંડોળ અંગે કોંગ્રેસ હાલમાં વિભાજિત છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દાવો કરે છે કે આ સબસિડી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને જશે.

ક્રિપ્ટો કરન્સીનું મહા કૌભાંડ સવા લાખ ચીની લોકોને ઉલ્લુ બનાવ્યા

47વર્ષની ચીની મહિલા ઝિમિન કિઆન ઉર્ફે યાડી ઝાંગને ક્રિપ્ટો કરન્સીના સૌથી મોટા કૌભાંડમાં લંડનની અદાલતમાં ગુનેગાર ઠેરવવામાં આવી હતી. આ મહિલાએ સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે ગેરકાયદે 61,000 બિટકોઇન્સ મેળવ્યા હતા. આ બિટકોઇન્સનું મૂલ્ય 6.7 અબજ ડોલર્સનું થાય છે. પાંચ વર્ષ આકરી જહેમત કરી મેટ્રોપોલિટન પોલીસ દ્વારા આ કેસ ઉકેલવામાં આવ્યો હતો. કેનેડાની પોલીસના જણાવ્યા અનુસાર કિઆને 2014 અને 2017 દરમ્યાન ચીનમાં 1,28,000 લોકોને ઉલ્લુ બનાવી તેમની પાસે મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું. કિઆને આ રીતે ઉચાપત કરેલાં નાણાંનું મૂળ સંતાડવા તેને બિટકોઇનમાં ટ્રાન્સફર કરી લીધા હતા. 2018માં ક્રિપ્ટો એસેટની ભેદી ટ્રાન્સફરની બાતમી મળતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. કિઆન બનાવટી દસ્તાવેજો બનાવી ચીનમાંથી નાસી છૂટી યુકેમાં પ્રવેશી હતી. જ્યાં તેણે વૈભવી સંપત્તિઓ ખરીદીને આ નાણાંનું લોન્ડરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. કિઆનના સાથી જિઆન વેનને ચોરાયેલાં ક્રિપ્ટો કોઇનનું લોન્ડરિંગ કરવામાં સહાય કરવા બદલ અગાઉ સાડા છ વર્ષ કેદની સજા થઇ હતી.

એમિરેટ્સ એરલાઈન્સ દ્વારા ફ્લાઇટ્સમાં હવે પાવર બેન્કના ઉપયોગ પર પ્રતિબંધ

એમિરેટ્સ દ્વારા ફ્લાઇટ્સમાં હવે પાવર બેન્કના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી લાગુ પણ થઈ ગયો છે. UAEની એરલાઇન એમિરેટ્સ દ્વારા નવા સેફ્ટીના નિયમો રજૂ કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર મુસાફર ફ્લાઇટમાં 100 watt-hoursથી નાની એક પાવરબેન્ક લઈ જઈ શકે છે, પરંતુ જ્યાં સુધી તે ફ્લાઇટમાં હોય એનો ઉપયોગ નહીં કરી શકે. એનો અર્થ એ થયો કે યૂઝર પાવરબેન્ક દ્વારા મોબાઇલ, ટેબ્લેટ, વોચ કે પછી એરપોડ્સ જેવી કોઈ પણ પ્રોડક્ટને ચાર્જ ન કરી શકે. તેમજ એરલાઇનમાં આવતા પાવર સપ્લાયની મદદથી પાવર બેન્કને પણ ચાર્જ નહીં કરી શકે. આ વિશે એમિરેટ્સ દ્વારા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે `એમિરેટ્સ દ્વારા સેફ્ટીને લઈને રિવ્યૂ કરવામાં આવ્યો હતો અને એમાં ફ્લાઇટમાં પાવર બેન્કને કારણે જે રિસ્ક રહેલાં છે એને દૂર કરવા માટે કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે. લિથિયમ બેટરીને કારણે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ઘણી ઘટનાઓ થતી જોવા મળી છે. એથી એ માટે કડક નિર્ણય બનાવવામાં આવ્યો છે.'