ન્યૂગુયાનામાં ભારતીય મૂળના ઇરફાન અલી સતત બીજી ટર્મ માટે પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા છે. તેમની પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટીએ ગુયાનાના 10માંથી 8 ડિસ્ટ્રિક્ટમાં બહુમતી હાંસલ કરી હતી.

ઇરફાન અલીનો જન્મ ઇન્ડો-ગુયાનીઝ પરિવારમાં થયો હતો. આ પરિવારના વડવાઓ 19મી સદીમાં ભારતથી ગુયાના આવ્યા હતા. 2023માં ભારત સરકારે ઇરફાન અલીને પ્રવાસી ભારતીય સન્માન એનાયત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ અને પ્રાદેશિક ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ ઇરફાન અલીને તેમની ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત-ગયાના ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આતુર છે, જે ઐતિહાસિક છે અને લોકો-થી-લોકોના સંબંધો પર આધારિત છે. ગયાનાના રાષ્ટ્રપતિ અલીએ પ્રધાનમંત્રીના સંદેશના જવાબમાં પીએમ મોદી, ભારત સરકાર અને ભારતના લોકો સાથે નજીકથી કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી, જેથી બંને દેશો વચ્ચે પહેલાંથી જ મજબૂત અને સૌહાર્દપૂર્ણ સંબંધો વધુ મજબૂત બને.

યુકેના લેસ્ટર શહેરમાં આ વર્ષે દિવાળીની ઉજવણીમાં મસમોટો કાપ મુકાયો

ભારત બહાર વિશ્વમાં સૌથી મોટી દિવાળી ઉજવણી કરાય છે તેવા યુકેના લેસ્ટર શહેરમાં આ વર્ષે દિવાળીની ઉજવણીમાં મસમોટો કાપ મુકાયો છે. લેબર પાર્ટીના પ્રભુત્વવાળી લેસ્ટર સિટી કાઉન્સિલે દિવાળીમાં હાથ ધરાતી તમામ ઉજવણી રદ કરવાની જાહેરાત કરી છે. દિવાળી સમયે ફક્ત રોશની કરવામાં આવશે. આ પહેલાંના વર્ષોમાં કાઉન્સિલ દ્વારા કોસિંગ્ટન રિક્રિએશન ગ્રાઉન્ડ અને બેલગ્રેવ રોડ પર સત્તાવાર રીતે દિવાળી ઉજવણીનું આયોજન કરાતું હતું. દિવાળી નિમિત્તે સ્વિચિંગ ઓન લાઇટ્સ સેરેમનીનું પણ આયોજન કરાતું હતું. ગયા વર્ષે પણ નાણાંના અભાવે કાઉન્સિલ દ્વારા સ્વિચિંગ ઓન લાઇટ્સ સેરેમની રદ કરી દેવાઇ હતી અને તમામ પ્રકારનાં મનોરંજન દિવાળીના દિવસ પૂરતા મર્યાદિત કરી દેવાયાં હતાં. આ વર્ષે સેફ્ટી એડવાઇઝરી ગ્રૂપે સ્ટેજ શો, દિવાળી વિલેજ અને આતશબાજીના કાર્યક્રમો ન કરવા નિર્ણય લીધો છે. ગયા વર્ષે આ કાર્યક્રમોમાં 55,000 લોકોએ ભાગ લીધો હતો. તેના સ્થાને બેલગ્રેવ રોડને 20 ઓક્ટોબરના રોજ બંધ કરીને લોકોને રેસ્ટોરાંની મુલાકાત લેવા અને ગોલ્ડન માઇલ પર શોપિંગ કરવાની સુવિધા કરી અપાશે.

વિજય માલ્યા, નીરવ મોદી સહિતના ભાગેડુના ભારત ખાતે પ્રત્યાર્પણની સંભાવના વધી

વિજય માલ્યા, નીરવ મોદી, લલિત મોદી સહિતના ભાગેડુ આર્થિક અપરાધીઓના ભારત ખાતે પ્રત્યર્પણનો માર્ગ ખૂલી શકે છે. તાજેતરમાં બ્રિટિશ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના એક પ્રતિનિધિમંડળે નવી દિલ્હીમાં તિહાર જેલની મુલાકાત લીધી હતી. જેથી યુકેની અદાલતોને ખાતરી કરાવી શકાય કે ભારત ખાતે પ્રત્યાર્પિત થનારા અપરાધીઓ તિહાર જેલ ખાતે સુરક્ષિત રહેશે. બ્રિટિશ પ્રતિનિધિમંડળે તિહાર જેલના હાઇ સિક્યુરિટી વોર્ડની મુલાકાત લઇ ત્યાં રખાયેલા કેદીઓ સાથે વાતચીત કરી હતી. ભારતીય સત્તાવાળાઓએ બ્રિટિશ પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે, ભારત પરત લવાનાર આર્થિક અપરાધીઓને સુરક્ષિત વાતાવરણમાં રખાશે અને જરૂર જણાશે તો તેમના માટે એક સ્પેશિયલ એન્ક્લેવની રચના કરાશે, જ્યાં આ પ્રકારના હાઇ પ્રોફાઇલ કેદીઓ રખાશે. ભૂતકાળમાં બ્રિટિશ અદાલતો ભારતીય જેલોની સ્થિતિનો હવાલો આપીને ઘણા ભાગેડુ અપરાધીઓના ભારત ખાતેના પ્રત્યાર્પણ સામે વાંધો ઉઠાવી ચૂકી છે. ભારતીય સત્તાવાળાઓએ બ્રિટિશ પ્રતિનિધિમંડળને એવું પણ આશ્વાસન આપ્યું છે કે પ્રત્યાર્પિત થનાર અપરાધીની કસ્ટડીમાં ગેરકાયદેસર પૂછપરછ નહીં કરાય. અત્યારે ભારત દ્વારા વિદેશોને અપરાધીઓના પ્રત્યાર્પણ માટે કરાયેલી 178 અરજીઓ પડતર છે. ભારતે યુકે સમક્ષ 20 ભાગેડુ અપરાધીના પ્રત્યાર્પણ માટે અરજી કરેલી છે, જેમાં શસ્ત્ર સોદાગરો,ખાલિસ્તાની સંગઠનો સાથે સંકળાયેલા અપરાધીઓ,વિજય માલ્યા, નીરવ મોદી જેવા અપરાધીઓની અરજીઓ સામેલ છે.

દુબઈમાં 35 કરોડની લોટરી જીતનાર ભારતીય ટેક્નિશિયન વતન આવી જશે

દુબઇમાં કામ કરતા એક ભારતીયને 15 મિલિયન યુએઇ દિરહામ એટલે કે અંદાજિત 35 કરોડ રૂપિયાની લોટરી લાગતાં માલામાલ થઇ ગયો હતો. મૂળ ઉત્તર પ્રદેશનો 30 વર્ષીય સંદીપકુમાર પ્રસાદ છેલ્લાં 3 વર્ષથી દુબઇ ડ્રાયડોક્સમાં ટેક્નિશિયન તરીકે કામ કરે છે. સંદીપે જણાવ્યું હતું કે, લોટરી જીતવાથી હું મારા પરિવારને વધુ સપોર્ટ કરી શકીશ અને ભારત પરત ફરી મારો પોતાનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છું છું. મારા જીવનમાં પહેલીવાર મને આટલી ખુશી મળી છે. જ્યારે બીજી તરફ જુગારના એક કેસે પણ ચકચાર સર્જી છે. અમેરિકાના ફ્લોરિડા સ્ટેટની પોક કાઉન્ટીમાં ગેરકાયદેસર ગેમિંગ મશીન ચલાવતા સ્ટોર્સ પર શરૂ કરાયેલી દરોડાની કાર્યવાહીમાં બે ગુજરાતી સહિત 28ની ધરપકડ કરાઇ હતી. ધરપકડ કરાયેલ મયૂર જાની અમેરિકામાં ગેરકાયદેસર રહેતો હોવાથી તેને આઇસીઇની કસ્ટડીમાં મોકલાયો છે, જ્યારે કૌશિક પટેલની ગેમ્બલિંગ હાઉસ ચલાવવાના આરોપસર ધરપકડ કરાઇ છે. આ અપરાધ અંતર્ગત તેને પાંચ વર્ષ સુધીની કેદ અને 50,000 ડોલરનો દંડ થઇ શકે છે.