જાપાનમાં સળંગ 16મા વર્ષે વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024માં જાપાનની વસ્તીમાં 9,08,000થી વધુનો ઘટાડો થયો છે.
જો આ જ સ્થિતિ ચાલુ રહેશે, તો જાપાન આવનારાં કેટલાંક વર્ષોમાં અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યું હશે. જાપાન સ્વસ્થ લોકો અને લાંબા આયુષ્ય માટે જાણીતું છે, પરંતુ સતત યુવા વસ્તી ઘટવી અને વૃદ્ધોની સંખ્યામાં વધારો થવો ત્યાંના સ્વાસ્થ્ય માળખા પર પણ બોજ વધારી રહ્યું છે. જાપાનના વડાપ્રધાન શિગેરૂ ઇશિબાએ આવા સંજોગોને `સાયલન્ટ ઇમરજન્સી' ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે દેશમાં મનુષ્યોની વસ્તીનું સંકટ ગંભીર બની રહ્યું છે. અમે ફેમિલી ફ્રેન્ડલી પોલિસી પર વધુ ધ્યાન આપીશું. જેમ કે મફત બાળસંભાળ અને કામના કલાકોમાં ફ્લેક્સિબિલિટી અપનાવવામાં આવશે. જાપાનમાં આવી ઘણી નીતિઓ અમલમાં છે, તેમ છતાં મહિલાઓ વધુ બાળકો પેદા કરવા તૈયાર નથી. એટલું જ નહીં, જાપાનમાં મહિલાઓની એક મોટી સંખ્યા એવી છે જેમણે એક પણ બાળકને જન્મ આપ્યો નથી અને આપવા પણ માંગતી નથી. જાપાન માટે જન્મદરના આંકડા ચિંતાજનક છે. હાલમાં ત્યાંનો જન્મદર 1.2 છે. વર્ષ 2024માં જાપાનમાં માત્ર 6,86,061 બાળકોનો જ જન્મ થયો, જ્યારે 1.6 મિલિયન (16 લાખ) લોકોનું મૃત્યુ થયું હતું.
બાંગ્લાદેશને ભારતે ઝટકો આપ્યો : જમીન માર્ગે ગુડ્ઝ પરિવહન પર રોક
લૅન્ડ રૂટ દ્વારા બાંગ્લાદેશમાંથી આયાત કરવામાં આવતી કેટલીક જુટ પ્રોડક્ટ્સ પર ભારતે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ પણ ભારતે લૅન્ડ રૂટ દ્વારા કેટલીક જુટની વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં તણાવ રહ્યો છે. શેખ હસીના દ્વારા કરવામાં આવેલા તખ્તાપલટ પછીથી બંને દેશો વચ્ચે તણાવ આવી ગયો છે. હવે આ તણાવનો પ્રભાવ આયાત પર પણ દેખાઈ રહ્યો છે. તણાવગ્રસ્ત સંબંધો દરમિયાન ભારતે ફરીથી બાંગ્લાદેશમાંથી લૅન્ડ રૂટ દ્વારા આયાત કરવામાં આવતી કેટલીક જુટની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. આથી હવે વધુ જુટની પ્રોડક્ટ્સને પ્રતિબંધિત વસ્તુઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે. વિદેશ વાણિજ્ય મહાનિર્દેશાલયની સૂચના મુજબ કેટલીક જુટની પ્રોડક્ટ્સની આયાત માત્ર લૅન્ડ રૂટ દ્વારા અટકાવાઈ છે. આ ઉત્પાદનોને હજુ પણ નેહવા શેવા બંદરથી આયાત કરી શકાય છે.
રશિયા ન્યુક્લિયર એનર્જીથી ઓપરેટ થતી ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કરશે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની અર્થવ્યવસ્થાને જોખમી ગણાવી છે. જેના જવાબમાં રશિયાએ પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન શરૂ કર્યું છે. જેમાં વિશ્વની સૌથી વિવાદાસ્પદ અને જોખમી મિસાઇલો પૈકી એક 9M730 બુરેવેસ્ટનિકનું સંભવિત પરીક્ષણ શરૂ કરવાની તૈયારી કરી છે. 9M730 બુરેવેસ્ટનિક રશિયાનું અજેય હથિયાર છે. તે ન્યુક્લિયર એનર્જીથી ઓપરેટ થતી ક્રૂઝ મિસાઇલ છે. તે પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. તે વિશ્વના અન્ય કોઈ પણ હિસ્સામાં હુમલો કરી શકે છે. જેમાં રૂટ ચેન્જ કરવાની ક્ષમતા છે. જેથી તેને ઇન્ટરસેપ્ટ કરવી મુશ્કેલ છે.
હવે ગેરકાયદે વસાહતીઓ સામે યુકેના વડાપ્રધાન આકરા પાણીએ થઇ રહ્યાં છે!
યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે તેમની સરકાર ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવશે. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે બ્રિટનમાં આવશે, તો તેને કસ્ટડીમાં લેવામાં આવશે અને તેના મૂળ દેશમાં પાછો મોકલી દેવામાં આવશે. સ્ટાર્મરે `X' પર એક પોસ્ટમાં કહ્યું છે કે, `જો તમે આ દેશમાં ગેરકાયદેસર રીતે આવશો, તો તમને કસ્ટડીમાં લેવામાં આવશે અને પાછા મોકલી દેવામાં આવશે. જો તમે આ દેશમાં આવીને કોઈ ગુનો કરશો, તો પહેલાં ડિપોર્ટ કરીશું પછી સુનાવણી થશે.' કીર સ્ટાર્મરે વધુમાં કહ્યું કે, `વિદેશી ગુનેગારો ઘણા સમયથી બ્રિટનની ઇમિગ્રેશન સિસ્ટમનો લાભ ઉઠાવી રહ્યા છે. બ્રિટનમાં મહિનાઓ કે વર્ષો સુધી રહે છે, જ્યારે તેમની અપીલ પર કોર્ટમાં કાર્યવાહી ચાલુ રહે છે અને તેઓ મહિનાઓ કે વર્ષો સુધી બ્રિટનમાં રહે છે. હવે આ બધું પૂરું થઈ રહ્યું છે. જો વિદેશી નાગરિકો બ્રિટનમાં કાયદો તોડશે, તો તેમને જલદીથી જ દેશનિકાલ (deport) કરવામાં આવશે અને ત્યારબાદ મામલાની સુનાવણી થશે.'