ઇંગ્લેન્ડમાં મકાનોનાં મોંઘાંદાટ ભાડાં સમસ્યા બની રહ્યાં છે. સત્તાવાર આંકડા અનુસાર ભાડૂઆતો તેમની આવકના 36.3 ટકા રકમ મકાન ભાડા પેટે ચૂકવે છે.

લંડનમાં આ આંકડો 41.6 ટકા પર પહોંચ્યો છે. ઓફિસ ફોર સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર 2023માં ભાડૂઆતોને તેમના વેતનની સરેરાશ 34.2 ટકા રકમ મકાનભાડા પેટે ચૂકવવી પડતી હતી, જે 2024માં વધીને 36.3 ટકા પર પહોંચી ગઇ હતી. લંડનના મકાનભાડાએ માઝા મૂકી દીધી છે. લંડનમાં ઓછામાં ઓછું મકાનભાડું 1957 પાઉન્ડ પ્રતિ માસ પર પહોંચી ગયું છે. સૌથી ઊંચાં મકાનભાડાં ધરાવતી તમામ કાઉન્સેલ પણ લંડનમાં આવેલી છે. કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સિયામાં તો વેતનના 74.3 ટકા મકાનભાડા પેટે જ ખર્ચાઇ જાય છે. વેસ્ટ મિનસ્ટરમાં આ ગુણોત્તર 55.8 ટકા, વેન્ડ્સવર્થમાં 54 ટકા, કેમડેનમાં 51.7 ટકા, હેમરસ્મિથ એન્ડ ફુલહામમાં 51.3 ટકા, હેરિંગેમાં 48.3 ટકા, લામ્બેથમાં 47.1 ટકા, મર્ટોનમાં 46.8 ટકા, ઇસલિંગ્ટનમાં 45.5 ટકા અને રિચમન્ડમાં 45.3 ટકા પર પહોંચ્યો છે. ઓએનએસ માને છે કે વેતનના 30 ટકા રકમ મકાનભાડા માટે વાજબી છે, પરંતુ લંડનના તમામ 32 કાઉન્સેલ વિસ્તારોમાં મકાનભાડાં આ રકમથી ઘણાં ઊંચાં છે. લંડન સિવાયનાં અન્ય શહેરોમાં પણ સ્થિતિ સામાન્ય નથી.

જેલમાં બંધ ઇમરાન ખાનનાં પત્ની બુશરા બીબીને વીજશોક અપાતા હોવાનો આક્ષેપ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી હાલમાં જેલમાં બંધ છે. જેલમાં તેમની સ્થિતિ અને અંગત જીવનને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેની ચર્ચા ઘણીવાર સામે આવે છે. બુશરા બીબીની બહેન મરિયમ રિયાઝ વટ્ટુએ આ મુદ્દે ખુલ્લું નિવેદન આપ્યું છે. મરિયમે જણાવ્યું કે બુશરા બીબીની ભૂખ હડતાળ બાદ તેમને પરિવાર સાથે મળવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આ પહેલાં પરિવારને એક દિવસ સુધી રાહ જોવી પડી હતી, જેનાથી જેલ વહીવટીતંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. મરિયમે કહ્યું કે બુશરાને મુશ્કેલ અને ગેરકાયદેસર સ્થિતિમાં રાખવામાં આવી રહી છે. તેના સેલની છત લીક થાય છે, ઇલેક્ટ્રિક બોર્ડમાં કરંટ આવી રહ્યો છે. ઉંદરો ફરે છે અને બે દિવસ માટે વીજળી બંધ કરી દેવામાં આવે છે. વધુમાં મરિયમે કહ્યું કે બુશરાને એક મહિનાથી વધુ સમય સુધી વારંવાર અપીલ કર્યા પછી જ તેના પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવી હતી અને પરિવારને જેલની બહાર કલાકો સુધી રાહ જોવી પડી હતી. મરિયમે વધુમાં કહ્યું કે બુશરાની તબિયત ઘણી બગડી ગઈ છે. તેનું વજન 15 કિલો ઘટી ગયું છે અને તે ખૂબ જ નબળી પડી ગઈ છે, પરંતુ તેનું મનોબળ હજુ પણ મજબૂત છે.

ડોનાલ્ડ ટ્રમ્પની તરંગી આર્થિક નીતિઓને મૂર્ખામી ગણાવતા અમેરિકન અર્થશાસ્ત્રીઓ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓએ વૈશ્વિક અર્થતંત્રમાં ઊંડી અસર કરી છે, પરંતુ ટોચના અર્થશાસ્ત્રીના મતે આ નીતિઓ અમેરિકા માટે ઊલટી અસર કરનારી સાબિત થઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પારસ્પરિક ટેરિફની પ્રશંસા કરતા જોવા મળી શકે છે, પરંતુ અમેરિકન અર્થશાસ્ત્રીઓ પોતે ખુલ્લેઆમ તેની ટીકા કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે અમેરિકાએ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે (યુએસ ટેરિફ ઓન ઈન્ડિયા). આ અંગે કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી અને યુનાઇટેડ નેશન્સના ભૂતપૂર્વ સલાહકાર જેફરી સૅક્સે ટ્રમ્પ ટેરિફને અમેરિકન ઇતિહાસનું સૌથી મૂર્ખ પગલું ગણાવ્યું. ટ્રમ્પ ટેરિફને અમેરિકન વિદેશ નીતિનું સૌથી મૂર્ખ પગલું ગણાવતા અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે તીખી ટિપ્પણીઓ કરી અને રશિયાનું તેલ ખરીદવા બદલ ભારત પર 25% નો વધારાનો ટેરિફ લાદવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયની નિંદા કરી. તેમણે કહ્યું કે આ પગલાથી અમેરિકા પર જ વિપરીત અસર પડી છે, કારણ કે તેણે રાતોરાત બ્રિક્સ દેશોના જૂથ(BRICS)ને અભૂતપૂર્વ રીતે એક કર્યું.

સેબીએ મોટા આઇપીઓ માટે લિસ્ટિંગના નિયમો હળવા કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી)એ લિસ્ટિંગ નિયમો હળવા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ દરખાસ્ત હેઠળ 50,000 કરોડથી વધુની પોસ્ટ આઇપીઓ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓએ તેમની ઇક્વિટીનો ઓછામાં ઓછો 8% જાહેર જનતાને જારી કરવાનો રહેશે, જે હાલના 10 % છે. નોંધનીય છે કે, 1 લાખ કરોડ અથવા 5 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્ય ધરાવતી કંપનીઓ માટે ફરજિયાત ઓફર માર્જિન અનુક્રમે 2.75 % અને 2.5 % રહેશે, જે હાલમાં 5 % છે. વિશ્લેષકોનું કહેવું છે કે, સેબીનો આ પ્રસ્તાવ જિયો માટેનો મોટો અવરોધ દૂર કરી શકે છે. સિટીના મતે જિયોનું મૂલ્ય $ 120 બિલિયન (લગભગ રૂ. 10.4 લાખ કરોડ) છે. વર્તમાન નિયમો હેઠળ 5 % પબ્લિક ઓફર જિયોના આઇપીઓનું મૂલ્ય $ 6 બિલિયનથી વધુ કરશે, જે ભારતીય બજારો માટે ખૂબ જ મોટું છે. સેબીનો નવો પ્રસ્તાવ આને ઘટાડીને 2.5 % કરશે, જેનાથી આઇપીઓનું કદ લગભગ $ 3 બિલિયન થશે અને તેને બજારમાં સરળતાથી શોષી શકાશે.