માથે વાળ હોય અને ચહેરા પર આંખ, નાક અને મોં હોય એટલે માનવ ચહેરો બની જાય. એ ખરું કે માનવ શરીરની રચના એવી અદ્ભુત છે કે એકે અવયવ શરીરની બહાર જોઈ શકાતા નથી. એમાંય મગજ તો કમ્પ્યૂટરની ભાષામાં સીપીયુ કહી શકાય. શરીરનું સંચાલન અને બીજા નિર્ણયો મગજ લેતું હોય છે. ખોપરીમાં મગજ સુરક્ષિત હોય છે કે તે દેખાતું નથી, પરંતુ એક બીમારી એવી છે કે જેમાં માથા પર વાળની જગ્યાએ ચામડી જાડી બનીને એવી રચના કરે કે ટાલને બદલે સીધું મગજ જ હોય એવું લાગ્યા વિના ન રહે. એ દુર્લભ બીમારી એટલે કટિસ વર્ટિસિસ ગાયરાટા!
માનવ શરીર ક્યારેક એવી રહસ્યમય બીમારીઓ સામે મૂકી દે છે કે તબીબી વિજ્ઞાન પણ અચંબામાં મુકાઈ જાય. ચીનના 23 વર્ષીય ઝિયાઓ લીનો કિસ્સો પણ આવો જ છે. તેના માથાની ચામડી પર ધીમે ધીમે એટલી ઊંડી અને જાડી કરચલીઓ પડવા લાગી કે દૂરથી જોનારને એવું જ લાગે કે માથે ખોપરી નહીં, પણ સીધું મગજ જ હોય. આ અસામાન્ય સ્થિતિ એ માત્ર તેના દેખાવને જ નહીં, પરંતુ તેના માનસિક અને સામાજિક જીવનને પણ ગંભીર રીતે અસર કરતી હતી. શરૂઆતમાં ઝિયાઓ લીને માથા પરની ચામડી સહજ લાગવાને બદલે થોડી કડક હોય એવું લાગવા માંડ્યું. ધીરે ધીરે એ ચામડી સાવ અસામાન્ય દેખાવા માંડી. શરૂઆતમાં તો તેણે આ ફેરફારની ખાસ ચિંતા ન કરી, પરંતુ સમય જતાં ચામડી જાડી થતી ગઈ અને તેમાં ઊંડા વળાંકો, કરચલીઓ તથા અસમાન ગાંઠો સર્જાતી ગઈ. માથાના મોટા ભાગ પર ચામડી એવી થઈ ગઈ કે આખા માથાનો દેખાવ જ સાવ વિચિત્ર થઈ ગયો. આ પ્રકારની સ્થિતિને તબીબી ભાષામાં માથાની ચામડીમાં અસામાન્ય જાડાઈ અને વળાંકો સર્જતી દુર્લભ પરિસ્થિતિઓ સાથે સરખાવવામાં આવે છે. તેને કટિસ વર્ટિસિસ ગાયરાટા જેવી સ્થિતિ ગણવામાં આવે છે. આ બીમારીમાં માથા પરની ચામડી જાડી થઈને જાણે મગજ હોય એટલે કે સાદી ભાષામાં કહીએ તો અખરોટ હોય એવો દેખાવ સર્જે છે. એમ થવાનું કારણ દરેક દર્દીમાં એકસરખું નથી હોતું, પરંતુ એ પાછળ હોર્મોનલ ફેરફારો, જન્મજાત પરિબળો, ચામડીના રોગો અથવા અન્ય તબીબી કારણોને જવાબદાર ગણવામાં આવે છે.
