સાઇકલ તો કોઇ પણ ચલાવી શકે છે, તે વાત એકદમ સામાન્ય કહી શકાય છે, પરંતુ જો તમને સાઠ વર્ષ વટાવ્યા પછી પાંચ, પચીસ કે પચાસ નહીં અને તમને 30,000 કિમી સાઇકલ ચલાવવાનુ કહેવામાં આવે તો? તો તમે એક સેકન્ડ પણ વિચાર્યા વગર ના કહીં દેશો! જોકે, કેનેડાના 69 વર્ષીય માર્ક હર્બસ્ટ નામની વ્યક્તિએ 30,000 કિમી સાઇકલ ચલાવીને કેન્સરના દર્દીઓ માટે 67,746 ડોલર (અંદાજિત 64 લાખ રૂપિયા) પણ એકત્ર કર્યા. માર્ક હર્બસ્ટની આ નોંધ દુનિયાભરના દેશોએ લીધી છે અને તેમના આ શુભ કાર્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે. તેમણે પોતાની આ સાઇકલ ચલાવવાની હિંમતનું શ્રેય તેમની દિવંગત પત્ની જૈકીને આપ્યું છે, જેઓ 55 વર્ષની વયે કેન્સરમાં નિધન પામ્યાં હતાં. નોંધનીય છે કે, માર્કે પોતાની સાઇકલ યાત્રા 8 જાન્યુઆરી, 2025થી થાઇલેન્ડની રાજધાની બેંગકોકથી શરૂ કરી હતી. તેમણે માત્ર 324 દિવસોમાં કુલ 25 દેશોની યાત્રા કરીને 27 નવેમ્બર, 2025ના રોજ પોતાની તે જ જગ્યાએ પરત ફર્યા જ્યાં તેમણે આ સફર આરંભી હતી. મૂળ તેઓ સાઇકલ ચલાવીને કેન્સરપીડિતોની મદદ કરવા માંગે છે અને તે પ્રત્યે જાગરૂકતા વધારવાનો તેમનો સફળ પ્રયાસ છે.

પુસ્તકો વાંચો અને પૈસા લઈ જાઓ

અત્યાર સુધી તમે પુસ્તકો માટે પૈસા આપતા હતા, પરંતુ હવે તમે પુસ્તકો વાંચો અને પૈસા લઇ જાઓ એવી સ્કિમ સિંગાપોરમાં ચાલી રહી છે! સિંગાપોરમાં પુસ્તકો વાંચો અભિયાન એવા સમયે શરૂ કરવામાં આવ્યું છે જ્યારે લોકોનું ધ્યાન ઓછું થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં જોવા મળતા શોર્ટ્સ વીડિયોઝને લોકો થોડીક સેકન્ડ માટે જુએ છે અને પછી કંટાળી જાય છે અને સ્ક્રોલ કરે છે, જે ધીમે ધીમે તેમના મગજને અસર કરી રહ્યું છે. વધુમાં તેઓ વાંચન, ખાવા, બહાર જવા, વાત કરવા અથવા કામ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. અલબત્ત, સિંગાપોરના નાગરિકે એક વેબસાઇટ પર જઇને પોતાનો વાંચવાનો સમય નોંધવાનો હોય છે અને તે માટે તેમને વાંચવાના પૈસા પણ મળી રહ્યા છે! સિંગાપોરના નાગરિકે 50 દિવસ સુધીમાં વધુમાં વધુ પુસ્તકો વાંચવાનાં હોય છે. જે માટે તેમને સિંગાપુરી ડોલર્સ મળે છે. સિંગાપોરના નાગરિકને 15 મિનિટથી વધુ વાંચવા પર 20 વર્ચ્યુઅલ કોઇન મળે છે અને તેને ડોલરમાં રકમ કમાવવા માટે 1 હજાર જેટલા સિક્કા જમા કરાવવાના રહે છે. ટૂંકમાં, વાંચવાથી સિંગાપોર યુવાવર્ગની પોકેટમની ડબલ થઇ શકે છે!

માત્ર પાંચ જ વર્ષની યોગ ઇન્સ્ટ્રક્ટર!

વર્ષ 2015થી વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાય છે. દુનિયાભરમાં ઘણા એવા યોગગુરુ કે યોગ ઈન્સ્ટ્રક્ટર હોય છે, જે અન્ય લોકોને યોગની ક્રિયાઓ સરળ સહજ રીતે શીખવાડતા હોય છે. જોકે, આ યોગગુરુ કે યોગ ઈન્સ્ટ્રક્ટર ઉંમરલાયક હોય છે, પરંતુ અમેરિકામાં માત્ર પાંચ જ વર્ષીય યોગ ઇન્સ્ટ્રક્ટરે વિશ્વભરના યોગપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. ફિનિક્સ ગિઝેલ હિક્સ નામની આ બાળકી જ્યારે માત્ર ત્રણ મહિનાની હતી ત્યારથી તેની માતાની સાથે સિડનીમાં યોગ ક્લાસમાં જતી હતી. ત્યારબાદ ચાર વર્ષની ઉંમર સુધી તે ખૂબ જ અઘરા યોગ સેશનમાં પણ સામેલ થવા લાગી અને મોટાભાગનાં યોગાસનો સરળતાથી શીખવા લાગી. હાલમાં પાંચ વર્ષની વયે જ તેણે 200 કલાક સુધીના યોગ ટીચરનો ટ્રેનિંગ કોર્સ પૂરો કરીને સૌથી નાની વયનો મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકેનો ગિનીસ રેકોર્ડ નોંધાવી દુનિયાભરમાં નામ રોશન કર્યું છે. નોંધનીય છે કે, વયસ્ક લોકો માટે આ 200 કલાકની યોગ ટ્રેનિંગ પણ અઘરી સાબિત થતી હોય છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો