અરબી સમુદ્રના કિનારે આવેલું દમણ ભારતનો એક અત્યંત સુંદર કેન્દ્રશાસિત પ્રદેશ છે. ગુજરાતની સરહદને અડીને આવેલા આ નાનકડા વિસ્તારમાં યુરોપિયન સ્થાપત્ય, પોર્ટુગીઝ સંસ્કૃતિ, શાંત દરિયાકિનારા અને હરિયાળીનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. વીકેન્ડ દરમિયાન તથા રજાઓના દિવસોમાં પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે દમણ પશ્ચિમ ભારતનું એક અત્યંત લોકપ્રિય પ્રવાસન સ્થળ ગણાય છે. 

દમણનો સમૃદ્ધ ઇતિહાસ   

દમણનો ઇતિહાસ સદીઓ જૂનો અને વૈવિધ્યસભર રહ્યો છે. 16મી સદી પહેલાં અહીં સ્થાનિક મરાઠા શાસકો અને ત્યારબાદ ગુજરાતના સુલતાનોનું આધિપત્ય હતું. ઇ.સ. 1531માં પોર્ટુગીઝ નૌકાદળે દમણ પર પ્રથમ આક્રમણ કર્યું હતું. ત્યારબાદ 1559માં પોર્ટુગીઝ ગવર્નર ડિઓગો ડી મેલોએ ગુજરાતના સુલતાન સાથે સંધિ કરીને દમણ પર પૂર્ણ સત્તા સ્થાપી હતી.  

પોર્ટુગીઝોએ દમણને એક મહત્ત્વપૂર્ણ વેપારી બંદર અને લશ્કરી અડ્ડા તરીકે વિકસાવ્યું હતું. અહીં તેમણે વિશાળ કિલ્લાઓ, ભવ્ય ચર્ચ અને ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. પોર્ટુગીઝોએ ભારતના આ પ્રદેશ પર લગભગ 450 વર્ષ સુધી શાસન કર્યું. 1961માં ભારત સરકારે `ઓપરેશન વિજય' લશ્કરી અભિયાન ચલાવીને 19 ડિસેમ્બર, 1961ના રોજ દમણ, દીવ અને ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવી ભારતીય સંઘમાં જોડ્યા હતા. આજે પણ દમણની ગલીઓ, ભોજન અને સ્થાપત્યમાં પોર્ટુગીઝ સંસ્કૃતિની સ્પષ્ટ છાપ જોવા મળે છે.

દમણમાં ફરવાલાયક મુખ્ય આકર્ષણો   

દમણગંગા નદી દમણને બે ભાગમાં વિભાજિત કરે છે : મોટી દમણ અને નાની દમણ.  

જામપોર બીચ : મોટી દમણ વિસ્તારમાં આવેલો આ દરિયાકિનારો તેના શાંત અને સુરક્ષિત પાણી માટે પ્રખ્યાત છે. અહીંની રેતીનો રંગ કાળો છે. સાહસિક પ્રવાસીઓ માટે અહીં પેરાસેલિંગ, બનાના રાઇડ, એટીવી બાઇક અને ઊંટ સવારી જેવી વિવિધ વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે.  

દેવકા બીચ : નાની દમણમાં આવેલો દેવકા બીચ તેની સુંદર પ્રોમેનાડ (વોક-વે) અને મનોહર સૂર્યાસ્ત માટે જાણીતો છે. અહીં દરિયાકિનારે બેસીને સાંજની શાંતિ માણવી એ એક અલગ જ અનુભવ છે. નજીકમાં જ બાળકો માટે સુંદર વોટરપાર્ક અને અમ્યુઝમેન્ટ પાર્ક પણ આવેલા છે.  

મોટી દમણ કિલ્લો : 16મી સદીમાં બંધાયેલો આ વિશાળ કિલ્લો અંદાજે 30,000 ચોરસ મીટરમાં ફેલાયેલો છે. કિલ્લાની મજબૂત દીવાલો અને પ્રવેશદ્વારો પોર્ટુગીઝ સ્થાપત્યકળાનો શ્રેષ્ઠ નમૂનો છે. કિલ્લાની અંદર સરકારી કચેરીઓ અને સુંદર બગીચાઓ આવેલા છે.  

નાની દમણ ફોર્ટ : આ કિલ્લાને `સેન્ટ જેરોમ ફોર્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. દમણગંગા નદીના કિનારે આવેલો આ નાનો કિલ્લો સામેના મોટી દમણ કિલ્લાનો અદ્ભુત નજારો પૂરો પાડે છે.  

પ્રાચીન ચર્ચ અને ગાર્ડન : કિલ્લા વિસ્તારમાં આવેલું ચર્ચ ઓફ ઔર લેડી ઓફ થે સી અને `બોમ જેસસ ચર્ચ' તેમની લાકડાની જટિલ કોતરણી માટે જાણીતા છે. આ ઉપરાંત મિરાસોલ લેક ગાર્ડન, કૃત્રિમ તળાવ અને બોટિંગ માટે એક ઉત્તમ પિકનિક સ્પોટ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો