સાંજનો સૂર્યાસ્ત પછીનો સમય, તમારી નજર પહોંચે ત્યાં સુધી જમીન જ જમીન દેખાતી હોય. તેના પર ઘાસ ઊગી નીકળ્યું હોય, તમે દૃશ્ય માણતા હોવ અને અચાનક થોડે દૂર વગર થાંભલાએ, વગર વીજળીના તારે 3થી 10 ફૂટની ઊંચાઈએ એક, બે કે ત્રણ મર્ક્યુરી લેમ્પ જેટલી, નીલા અને કેસરી રંગના ગોળા જેવી તેજસ્વી લાઈટ ઝબકી ઊઠે છે. તમે આશ્ચર્ય સાથે તે ઝબકેલી લાઈટો પ્રત્યે જુઓ છો અને ત્યાં જ એ લાઇટ્સ વીજળીની ઝડપે તમારી તરફ દોડવાનું શરૂ કરે છે. તમે ભાગી છૂટવાનું વિચારો તે પહેલાં તો તે તમારી પાસે આવીને અચાનક અદૃશ્ય થઈ જાય છે, તો ભૂતના વિચાર સાથે ભયનું લખલખું પસાર થઇ જાય કે નહીં?
આ કોઈ કાલ્પનિક દૃશ્ય નથી કે વિદેશમાં નયનરમ્ય સ્થળે સર્જાતા લેઝર શૉની વાત નથી. આપણા ગુજરાતમાં કોઈક સ્થળે ઘણીવાર સર્જાતી સત્યઘટના છે. પશ્ચિમમાં આવેલો ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ અને કચ્છના એશિયાના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ ઘાસિયાં મેદાનોમાંનો એક ભારત-પાકિસ્તાન સરહદને અડીને રણકાંધીએ આવેલો બન્ની ઘાસિયા વિસ્તાર. તેનાથી નજીકના રણ વિસ્તારમાં આ ઘટના ઘણીવાર જોવા મળે છે, જેને છિરબત્તી કહે છે. કચ્છી ભાષામાં `છિર' એટલે ભૂત અને `બત્તી' એટલે પ્રકાશ. તેની પ્રકૃતિ અને પ્રવૃત્તિ જોતાં સ્થાનિકો તેને `ભૂતિયા લાઈટ' જ કહે છે. એવું નથી કે સ્થાનિકોને ભ્રમ થાય છે, સરહદ પર પેટ્રોલિંગ કરતા આર્મીના જવાનોએ પણ આ પ્રકારના પ્રકાશ જોયા હોવાની પુષ્ટિ કરી છે. આર્મીના જવાનો પણ આ વાતને પુષ્ટિ આપે ત્યારે એ માનવું પડે કે `કશુંક' તો છે જ. બન્નીના લોકો એને ચમત્કાર પણ માને છે તો કેટલાક પૂર્વજોના આશીર્વાદ પણ માને છે. લગભગ ચોમાસાના પાછલા દિવસોમાં આ ઘટના બને છે. એ પ્રકાશ નવાઈ પમાડે એવો હોય છે કેમ તે સામાન્ય રીતે લાગતી આગની જ્વાળા જેવો નથી. અંધારા પછી તેજસ્વી વાદળી, લાલ અથવા પીળી લાઇટ તરીકે દેખાય છે. આ ઘટના ઘણીવાર જમીનથી 3-10 ફૂટ ઉપર જોવા મળે છે અને ગોળા એક કે વધુ સંખ્યામાં પણ હોય છે. કેટલીયે વાર એ ગોળા કતારમાં ગોઠવાઈને નૃત્ય કરતા હોય એવું જણાય તો ક્યારેક તો જોનારની સામે ધસી આવે છે અને પછી અચાનક જ ગાયબ થઇ જાય છે, પરંતુ તે કોઈને હાનિ નથી પહોંચાડતી.
