ઊર્જાના વૈકલ્પિક સ્રોતોની વાત નીકળે ત્યારે આપણે કોલસાની સરખામણીએ ન્યુક્લિયર રિએક્ટર થકી પેદા થતી શક્તિ ઊર્જાને પ્રાધાન્ય આપવાની વાત કરીએ છીએ, જે સર્વથા યોગ્ય પણ છે. બળતણ તરીકે કોલસાના વપરાશને કારણે પર્યાવરણને લગતી તોતિંગ સમસ્યાઓ ઊભી થાય છે એ ખરું, પણ ન્યુક્લિયર એનર્જીના ઉત્પાદન અને વપરાશ સંબંધે પણ કેટલીક મોટી મર્યાદાઓ છે. યુરોપે તાજેતરમાં વેઠેલા હીટ ડોમ દરમિયાન ન્યુક્લિયર એનર્જી પ્રોડક્શનની મર્યાદા ફરી એક વાર છતી થઇ.
પહેલાં જરા હીટ ડોમની વાત કરીએ. કેટલીક વાર ભારે ગરમીને કારણે પૃથ્વીની સપાથી થોડે ઊંચેના વિસ્તારમાં ગરમ હવાનું ભારે પ્રેશર પેદા થઇ જાય છે. આ પ્રેશર મોટા વિસ્તાર ઉપર બની ગયેલા અદૃશ્ય `ઢાંકણ' જેમ વર્તે છે. આ ઢાંકણ પૃથ્વીની સપાટી પરની ગરમ હવાને વાતાવરણમાં મુક્ત નથી થવા દેતું, એટલું જ નહિ, પણ બહારની ઠંડી હવાને પૃથ્વીના એ વિસ્તારમાં પ્રવેશવા નથી દેતું! પરિણામે થાય એવું કે એ વિસ્તારમાં વસતા લોકોને એવી અનુભૂતિ થાય કે જાણે પોતે ગરમ હવાથી ભરેલા કાચના મોટા ડોમમાં ફસાઈ ગયા છે! આ પરિસ્થિતિ માટે `હીટ ડોમ' શબ્દ પ્રચલિત છે. આ વર્ષે યુરોપે પહેલાં મે મહિનામાં અને ત્યારબાદ જૂન મહિનામાં એમ ઉપરાછાપરી બે વખત હીટ ડોમની અસરો વેઠી. યુરોપિયનો ગરમીમાં શેકાઈને ત્રાહિમામ પોકારી ગયા. તાકીદની અસરરૂપે ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોએ પોતાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બંધ કરી દેવાની નોબત આવી.
પ્રશ્ન એ છે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટને ગરમી સાથે શું લાગેવળગે? જ્યાં સુધી ચોક્કસ પ્રકારની પ્રોસેસ ન થાય ત્યાં સુધી ન્યુક્લિયર બ્લાસ્ટ થતો નથી, તો પછી વાતાવરણની કુદરતી ગરમીથી ગભરાવાનું કારણ શું? હકીકતે અહીં ભય ન્યુક્લિયર બ્લાસ્ટનો નહોતો, બલ્કે જળાશયોની જીવસૃષ્ટિને બચાવવાનો હતો. આ વાત સમજવા માટે આપણે ન્યુક્લિયર કૂલિંગ વિશે જાણવું પડે.
મોટાભાગના ન્યુક્લિયર રિએક્ટર્સમાં કન્ડેન્સર કૂલિંગ સિસ્ટમ વપરાય છે. અહીં પાણીનો વપરાશ મુખ્યત્વે બે રીતે થાય છે. સૌથી પહેલાં ઉપયોગમાં લીધેલા પાણીને રિક્ટરમાં ઉત્પન્ન થતી ગરમી થકી સ્ટીમ, એટલે કે વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ સ્ટીમ ટર્બાઇનને ફેરવે છે, જેના કારણે વીજળી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આ વરાળને કન્ડેન્સરમાં ઠંડી કરીને ફરીથી પાણીમાં રૂપાંતરિત કરાય છે. આ એક ક્લોઝ લૂપ છે, જેમાં પાણી અને વરાળના રૂપાંતરણ દ્વારા આખી પ્રોસેસ ચાલતી રહે છે.
હવે મજાની વાત એ છે કે કન્ડેન્સરે જ્યારે વરાળને ઠંડી પાડવાની હોય, ત્યારે પાણીના બીજા જથ્થાની જરૂર પડે છે. આ જથ્થો સામાન્ય રીતે નજીકના નદી, તળાવ કે સમુદ્રમાંથી મેળવવામાં આવે છે. હવે આખી વાતને જરા જુદી રીતે સમજીએ. પાણીના જે બે જથ્થાની વાત કરી, એ પૈકીનો એક તો ક્લોઝ લૂપમાં (પાણીમાંથી વરાળ અને વાલ્માંથી પાછું પાણી) ફરતો રહે છે, પણ આ ક્લોઝ લૂપમાં ફરતા જથ્થાને ઠંડો પાડવા માટે જળાશયોમાંથી જે પાણી ખેંચવામાં આવ્યું હોય, એ દરેક કૂલિંગ સાઈકલને અંતે ફરીથી જળાશયમાં છોડી દેવામાં આવે છે અને પેલી હીટ ડોમની સમસ્યા અહીં જ નડી જાય છે.
ન્યુક્લિયર પ્લાન્ટ્સ રિએક્ટરને ઠંડું કરવા માટે નદીઓમાંથી પાણી લે છે અને તેને ગરમ કરીને પાછું છોડે છે. કન્ડેન્સર કૂલિંગની પ્રોસેસ પૂરી થયા બાદ ફરીથી જળાશયમાં છોડાતા પાણીનું તાપમાન સામાન્ય કરતાં દસથી પંદર ડિગ્રી જેટલું વધુ (કેટલાક કેસમાં એથીય વધુ) હોય છે. હવે હીટ વેવના પ્રતાપે જો પહેલેથી જ જળાશયોની ઇકો સિસ્ટમ ખોરવાયેલી હોય, તો એમાં વધારાનું ગરમ પાણી છોડવાથી તો કેવડું મોટું નુકસાન થઇ શકે. જે-તે જળાશયમાં વસતા માછલી સહિતના જળચરો, સૂક્ષ્મ જીવો અને પાણીની વનસ્પતિ માટે આ વધારાનું ગરમ પાણી જીવલેણ નીવડી શકે.
આથી ન્યુક્લિયર રિએક્ટર ધરાવતા દરેક દેશની સરકારોએ જળાશયનું પાણી વાપરવા બાબતે કેટલાક કડક કાયદાઓ બનાવ્યા છે.
જો વાતાવરણની ગરમીનું પ્રમાણ અમુક હદ કરતાં વધી જાય, તો ન્યુક્લિયર રિએક્ટરે જળાશયનું પાણી વાપરવાનું બંધ કરી દેવું પડે. ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા બે દાયકા દરમિયાન વંઠેલા વાતાવરણને કારણે ત્રણ-ચાર વખત પ્લાન્ટ શટડાઉન કરવા પડ્યા છે. હાલમાં યુરોપના કેટલાક રિએક્ટર્સ આ જ કારણોસર બંધ કરવા પડ્યા.
પ્રશ્ન એ છે કે શું આ સમસ્યાનો કોઈ ઉપાય નથી? ઉપાય તો છે, પણ એ બહુ ચલણમાં નથી. ન્યુક્લિયર રિએક્ટર્સમાં ડ્રાય કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો પાણી આધારિત કૂલિંગ સિસ્ટમથી છુટકારો મળે, પણ હાલમાં એવું નથી થઇ રહ્યું. એ વિશેની વાતો ફરી ક્યારેક.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો